ઈસ્લામાબાદ: પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK)માં સરકાર દ્વારા થઈ રહેલા દમનના વિરોધમાં જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. રવિવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ 38 મુદ્દાના અમલ માટે માગણી કરી હતી. જેમાં કમ્યુનિકેશન સેવા બહાલ કરવા ખાદ્ય વસ્તુ-દવાઓનો પુરવઠો નિયમિત કરવા, બંદી બનાવેલા નેતાઓને મુક્ત કરવાનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન સરકારે પોતાની આદત મુજબ, PoKના નાગરિકોને આપ્યા બાદ ફેરવી તોળ્યું હોવાથી જનઆક્રોશ ભભૂકી રહ્યો છે. દમનના વિરોધમાં એન્બ વિસ્તારમાં દેખાવો દરમિયાન પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સ હિંસક બની ગયા હતા. સલામતી દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના પલે ભીડમાં અફરા-તફરી મચી ગઈ હતી. દેખાવકારોને પાઠ ભણાવવા સલામતી દળોએ બેફામ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં મોહમ્મદ યાકુદ નામના એક શખ્સનું મોત થયું હતું તથા અનેક ઘાયલ થયા હતા.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, ચાર યુવક ગંભીર રીતે ઘાયલ થયા છે. એક્શન કમિટીએ આપેલા એલાનના પગલે મુઝફ્ફરાબાદ, રાવલકોટ, મિરપુર, દાડીઆલ ડેરાકોટ, ઝીરો પોઈન્ટ, ટિટારી નોટ અને સરોસામાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા. દેખાવકારોએ એક્શન કમિટીના નેતા શૌકત નવાઝ મીર સહિતના ચળવળકારોને મુક્ત કરવા માગણી કરી હતી. પાકિસ્તાનના સલામતી દળોએ ઠાર મારેલા કાશ્મીરી દેખાવકારોના મૃતદેહ પરિવારને સોંપવા દેખાવકારોએ માગણી કરી હતી.
પાકિસ્તાની સરકારે 38 મુદ્દાની સમજૂતીનો અમલ કરવા ખાતરી આપી હોવા છતાં તેનો અમલ ન થવા બાબતે કાશ્મીરીઓમાં આક્રોશ હતો. દાડીઆલમાં સલામતી દળોના અત્યાચારનો દેખાવકારોએ વળતો જવાબ આપ્યો હતો.

