Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ ભાણી પર બળાત્કાર કરનાર મામાને અંતિમ શ્વાસ સુધીની કેદ

પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ ભાણી પર બળાત્કાર કરનાર મામાને અંતિમ શ્વાસ સુધીની કેદ

નવગુજરાત સમય , અમદાવાદ

અમદાવાદ ગ્રામ્યની સ્પેશિયલ પોક્સો અદાલતે એક અત્યંત ચોંકાવનારા અને સંવેદનશીલ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં, પોતાની જ 13 વર્ષની સગીર પિતરાઈ ભાણેજ પર દોઢ વર્ષ સુધી બળાત્કાર ગુજારનાર મામાને તેના કુદરતી આયુષ્યના અંત સુધીની સખત આજીવન કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને રૂ. 55,000નો દંડ પણ ફટકાર્યો છે. સ્પેશિયલ જજ અનિલકુમાર મલિકે ચુકાદો આપતી વખતે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આરોપીનું કૃત્ય વિશ્વાસઘાત અને હેવાનિયતની પરાકાષ્ઠા સમાન છે, જે કોઈ પણ પ્રકારની દયાને પાત્ર નથી.

પીડિતા ગર્ભવતી બનતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને હાઈકોર્ટની મંજૂરી બાદ તેનો ગર્ભપાત કરાવાયો હતો.

રાણીપ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને લોકોના ઘરોમાં રાત્રે સફાઈ, વાસણ-કચરાનું કામ કરતી માતાનો પિતરાઈ ભાઈ (રહે. જિ. બનાસકાંઠા) દોઢેક વર્ષ પહેલાં તેના ઘરે રહેવા આવ્યો હતો. રાત્રિના સમયે માતા કામે જતી ત્યારે આ મામા પીડિતાના 10 વર્ષના નાના ભાઈને રમવા અથવા બિસ્કિટ લેવા નીચે મોકલી દેતો હતો અને પાછળથી માસૂમ બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. દર 10-15 દિવસે આચરવામાં આવતા આ શારીરિક શોષણને કારણે બાળકી ગર્ભવતી બની ગઈ હતી. બાળકીનો માસિક ધર્મ બંધ થઈ જતાં ગભરાયેલી માતા તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તબીબી તપાસમાં બાળકી 21 અઠવાડિયાની ગર્ભવતી હોવાનું બહાર આવતાં માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. ઘરે આવીને પૂછપરછ કરતાં માસૂમે રડતાં-રડતાં મામાની હેવાનિયતની વિગતો કહી સંભળાવી હતી.

હાઈકોર્ટની મંજૂરીથી ગર્ભપાત અને DNA ટેસ્ટથી ગુનો સાબિત થયો. ઘટનાની જાણ થતાં જ પીડિતાના માસી-માસા અમદાવાદ દોડી આવ્યા હતા અને રાણીપ પોલીસ સ્ટેશનમાં આરોપી મામા વિરુદ્ધ પોક્સો એક્ટ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ દરમિયાન બાળકી ખૂબ જ નાની વયની હોવાથી ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટની વિશેષ મંજૂરી બાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીનો ગર્ભપાત કરાવાયો હતો અને ગર્ભના નમૂનાને DNA ટેસ્ટ માટે FSLમાં મોકલાયો હતો. FSLના DNA રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે ગર્ભનો પિતા બીજું કોઈ નહીં પણ આરોપી મામા જ હતો. આ વૈજ્ઞાનિક પુરાવો કેસમાં સૌથી મજબૂત કડી સાબિત થયો હતો. આ કેસમાં સરકારી વકીલ તારાબા ચૂડાસમાએ પૂરતા સાક્ષી તપાસી કોર્ટને જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારનો ગુનો છે અને આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે. આ કેસમાં આરોપીને સખતમાં સખત સજા કરવી જોઈએ.

કોર્ટની ગંભીર ટિપ્પણી: બાળકીના વિશ્વાસનું ખૂન કરાયું છે

ચુકાદો આપતી વખતે સ્પેશિયલ જજે નોંધ્યું હતું કે, 'આરોપી કોઈ અજાણ્યો શખ્સ નહોતો, પરંતુ પીડિતાનો સગો મામા હતો. બાળકી જેને આદર આપતી હતી તે વ્યક્તિએ જ પૂર્વનિયોજિત કાવતરું રચીને, તેના નાના ભાઈને ઘરની બહાર મોકલી માસૂમ પર વારંવાર અત્યાચાર ગુજાર્યો છે. 13 વર્ષની કુમળી વયે બાળકીને હોસ્પિટલમાં જઈને ગર્ભપાતની અને મૃત બાળકને જન્મ આપવાની અસહ્ય માનસિક અને શારીરિક યાતનાઓ ભોગવવી પડી છે. આરોપીએ સહેજ પણ પસ્તાવો દર્શાવ્યો નથી. બાળકીના વિશ્વાસનું ખૂન કરાયું છે ત્યારે આવા કિસ્સામાં ન્યાયના હિતમાં આરોપી પ્રત્યે કોઈ પણ નરમ વલણ દાખવી શકાય નહીં.'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay