નવગુજરાત સમય , અમદાવાદ
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના આક્ષેપ મુજબ, પ્રેમલગ્ન બાદ પતિના અન્ય યુવતી સાથેના સંબંધોને કારણે તેનું દામ્પત્યજીવન નરક સમાન બની ગયું હતું. એટલું જ નહીં, સાસરિયાએ દબાણ કરી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પશ્ચિમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય યુવતીની વર્ષ 2015માં એક સામાજિક પ્રસંગ દરમિયાન યુવક સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા પરિવારની મંજૂરી વગર કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ પરિવારજનોની સંમતિ મળતા ધામધૂમથી લગ્ન યોજાયા હતા.
યુવતી કરિયાવરનો સામાન, દાગીના તથા ભેટ-સોગાદો લઈને બાપુનગર ખાતે સાસરે રહેવા ગઈ હતી. પરંતુ, લગ્નના બીજા જ દિવસથી સાસુએ મેણાં મારીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ પરિણીતા તેના પતિ અને સાસુ સાથે ખરીદી કરવા ગઈ ત્યારે ગાડીમાં 'ગોરી રાધા ને કાળો કાન' ગીત વાગતું હતું, ત્યારે તેની સાસુએ 'કાળી રાધા ને કાળો કાન' તેમ કહી તેનું અપમાન કર્યું હતું. સાસુએ ઘરકામ માટે એક યાદી બનાવી હતી, પરિણીતા તે મુજબ કામ ન કરે તો રાત્રે સાસુ બેઠક કરી તેને ધમકાવતી હતી. સાસરિયાના આ સતત ત્રાસના કારણે પરિણીતાને વર્ષ 2022માં ડિપ્રેશનની બીમારી થતાં તેની સારવાર શરૂ થઈ હતી. પરિણીતાનો પગાર પણ સાસરિયા પડાવી લેતા હતા અને તેને માનસિક રીતે પ્રતાડિત કરતા હતા. જ્યારે પરિણીતાએ બાળકને જન્મ આપ્યો ત્યારે તે પંપ કરીને દૂધ પીવડાવતી હતી, જેના પર સાસુએ 'બાળક બોટલથી દૂધ પીવે છે એટલે હવે તારી કોઈ જરૂર નથી' તેમ કહી પતિને તેને છોડી દેવા દબાણ કર્યું હતું. આ દરમિયાન પતિને ઓફિસની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં પરિણીતા ફરી ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
તેનો પતિ પ્રેમિકા સાથે લગ્ન કરવા માગતો હતો અને તેના માટે સોનાની મોંઘી ભેટ લાવતો હતો. બંને અનેક દિવસો સુધી બહારગામ ફરવા પણ જતા હતા. પતિ દારૂ અને ગાંજાના વ્યસને ચઢી ગયા બાદ પરિણીતા પરનો ત્રાસ વધુ વધી ગયો હતો. આ સમયગાળા દરમિયાન પરિણીતા ગર્ભવતી બનતાં સાસરિયાએ તેને ગર્ભપાત કરાવવા ભારે દબાણ કર્યું હતું અને પરિણીતાએ આખરે દબાણને વશ થઈને ગર્ભપાત કરાવવો પડ્યો હતો. અંતે, સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસનો સંપર્ક સાધતા પોલીસે પતિ અને સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કેસ પાછો ખેંચીશ તો જ પૈસા આપીશું: સાસરિયાંની ધમકી
સાસરિયાંએ પરિણીતાને ધમકાવીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'તને કોઈ વન ટાઈમ સેટલમેન્ટ કે પૈસા નહીં મળે, જ્યાં જઈને લડવું હોય ત્યાં લડજે. જો તું પોલીસ ફરિયાદ પાછી ખેંચીશ તો જ મહિને રૂ. 23,000 આપીશું અને જો કેસ પાછો નહીં ખેંચે તો એક પણ રૂપિયો નહીં આપીએ.'

