નવગુજરાત સમય, રાજપીપળા
રાજપીપળાથી ગરુડેશ્વર હાઈવે પર આવેલા ઓમકારા રિસોર્ટમાં શ્રાવણ માસ દરમિયાન જુગાર રમાતો હોવાની બાતમીના આધારે નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી સાત શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી કુલ રૂ.11.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, શ્રાવણ માસમાં ઓમકારા રિસોર્ટ ખાતે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી નર્મદા LCBને મળી હતી.
બાતમીના આધારે પોલીસે રાજપીપળાથી ગરુડેશ્વર હાઈવે પર આવેલા રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દિક્ષિત મહેશ પટેલ, ધ્રુવ મનહર માળી, નામચરણ ચંદ્રકાંત કાછિયા, સુનિલ મંગાભાઈ કાછિયા, પિંકલ કનુભાઈ કાછિયા, હીમાંશુ મહેશ પટેલ અને સિદ્ધાર્થ કનુભાઈ પટેલને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.25,620 રોકડા તથા દાવ પર લગાવેલા રૂ.6,500 મળી રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત સાત મોબાઇલ ફોન કિંમત રૂ.1.10 લાખ, એક મોટરસાઇકલ કિંમત રૂ.20 હજાર અને એક ફોરવ્હીલર કિંમત રૂ.10 લાખ મળી કુલ રૂ.11,62,120નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
નર્મદા LCBએ તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

