નવગુજરાત સમય , અમદાવાદ
શહેરના પૂર્વ વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓમાં હથિયારોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આવા ગુનાઓને બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા સમર્પણથી સુરક્ષા નામથી બે દિવસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે પોલીસ સમક્ષ 263 ઘાતક અને તિક્ષણ હથિયારો લોકોએ જમા કરાવી દીધા હતા.
શહેર પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત દ્વારા પૂર્વમાં બનતા ગંભીર ગુનાઓને અટકાવવા માટે થઈને એક નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.
'સમર્પણથી સુરક્ષા' હેઠળ સેક્ટર-2 વિસ્તારમાં આવતા ચાર ઝોનમાં મુખ્યત્વે ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે સમર્પણથી સુરક્ષાના અભિગમ હેઠળ છેલ્લા બે દિવસથી ઝોન-4, ઝોન-5, ઝોન-6 અને ઝોન-8ના વિસ્તારમાં કુલ 22 પોલીસ સ્ટેશનમાં આવેલા કેટલાક ચોક્કસ વિસ્તારોમાં પોલીસે લાઉડ સ્પીકર પર જાહેરાત કરી હતી, કે જેની પાસે તીક્ષણ અને ઘાતક હથિયાર હોય તે લોકો પોલીસ સ્ટેશનની બહાર આવીને મૂકી જાઓ, ત્યારબાદ 22 પોલીસ સ્ટેશનના પીઆઈથી લઈને અન્ય પોલીસકર્મીઓ દ્વારા છેલ્લા બે દિવસથી રાત્રી દરમિયાન ચોક્કસ વિસ્તારો જઈને જાહેરાત કરી હતી કે જે લોકો પાસે ઘાતક અને તીક્ષણ હથિયારો હોય તે પોલીસને અથવા તો પોલીસ સ્ટેશનની નજીક મૂકી દેવામાં આવે, પોલીસના નવતર પ્રયોગથી સેક્ટર-2ના 22 પોલીસ સ્ટેશનમાંથી કુલ 263 ધારદાર હથિયાર જેમાં ધરિયા, તલવાર, ચાકુ સહિત અન્ય ઘાતક હથિયારો પોલીસે કબજે કરી લીધા છે. ત્યારે આવનારા સમયમાં હજુ પણ આ પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. આ ઉપરાંત પોલીસે સ્પષ્ટ મેસેજ પણ આપ્યો છે કે, પ્રજાની સુરક્ષા કરવા માટે અમદાવાદ પોલીસે કટિબદ્ધ છે. માટે કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવાનો થતો નથી.
આ અભિયાન હેઠળ પોલીસે પ્રજાને સ્પષ્ટ મેસેજ આપ્યો
શહેર પોલીસ કમિશનર દ્વારા સમર્પણથી સુરક્ષાનો અભિગમ શરૂ કરાયો છે. કારણકે સેક્ટર-2ના કેટલાક ચોક્કસ વિસ્તારમાં નાની મોટી માથાકુટમાં છરી અને તીક્ષણ હથિયાર મારી દેવાના બનાવો વધુ બને છે. આથી 22 પોલીસ સ્ટેશન અને કુલ ચાર ઝોનના ડીસીપીને સૂચના આપવામાં આવી હતી, કે આવા ચોક્કસ વિસ્તારો કે જ્યાં સામન્ય તકરારમાં ઘાતક હથિયારો વડે હુમલા થાય છે. તે વિસ્તારમાં રાત્રે જઈને સ્પીકર પર જાહેરાત કરવામાં આવે અને જણાવવામાં આવે કે જેની પણ પાસે પરવાનગી વગરના હથિયાર હોય તે પોલીસ સ્ટેશન આવીને અથવા તો પોલીસ સ્ટેશનની નજીકમાં કોઈપણ જગ્યાએ મૂકીને જતા રહેજો. આ સાથે જ પોલીસે સ્પષ્ટ સંદેશો એ આપ્યો છે, કે આગામી સમયમાં જ્યારે પોલીસ સર્ચ અને કોમ્બિંગ કરશે અને જે વ્યક્તિ પાસેથી હથિયાર મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચોક્કસથી કરાશે.
- જયપાલસિંગ રાઠોડ, એડિશનલ સી.પી., સેક્ટર-2

