Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સૌથી સલામત મનાતી માંજલપુર બેઠક પર ભાજપમાં 106 મૂરતિયાઓએ કરી દાવેદારી

સૌથી સલામત મનાતી માંજલપુર બેઠક પર ભાજપમાં 106 મૂરતિયાઓએ કરી દાવેદારી

નવગુજરાત સમય, વડોદરા

ગુજરાત વિધાનસભાના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વડોદરમાં ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક આગેવાનો, કાર્યકારો અને દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા.

આખા ગુજરાતમાં સૌથી સલામત મનાતી માંજલપુર બેઠક પર 106 જેટલા દાવેદારોએ દાવેદારી કરી હતી. નિરીક્ષકો દ્વારા તમામના અભિપ્રાય લઇને અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે.

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્ણેશ મોદી, સિનિયર આગેવાન સીતાબેન નાયક સેન્સ પ્રક્રિયાના ભાગરૂપે મંગળવારે સવારથી વડોદરા આવી પહોચ્યા હતા. વડોદરા ભાજપના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાજપના કાર્યકરો થી લઇને દાવેદારોના અભિપ્રાય લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

નિરીક્ષકોએ જણાવ્યુ હતુ કે, સેન્સ પ્રક્રિયામાં કાર્યકરો અને ઇચ્છુક ઉમેદવારોના મંતવ્યો સાંળવવામાં આવ્યા છે. હાલ કોઇ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી. દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને વિસ્તૃત અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે અને ત્યાર બાદ ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આજે દાવેદારી કરનારાઓમાં સ્વ. યોગેશ પટેલના વારસાગત દાવેદારી પર સૌની નજર મંડાયેલી હતી. પૂર્વ મેયર નિલેશ રાઠોડ, ડો. હિતેન્દ્ર પટેલ, ડો. વિજય શાહ, મેહુલ ઝવેરી, ભાવેશ પટેલ, કૃણાલ પટેલ, સ્નેહલ પટેલ, કક્ષા પટેલ, રાકેશ પટેલ, જશવંતસિંહ સોલંકી, કલ્પેશ પટેલ, અલ્પેશ લિમ્બાચીયા, રાજેશ પટેલ (વડેલી), પ્રતિમા મિસ્ત્રી, ડો. મિતેશ શાહ વગેરે આજે દાવેદારી કરવા નિરીક્ષકો પાસે પહોચ્યા હતા.

માંજલપુર બેઠક માટે બીજા દિવસે 9 ઉમેદવારીપત્રોનો ઉપાડ

માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રીયાનો પ્રારંભ થવાની સાથે પ્રથમ દિવસે નવ ફોર્મનો ઉપાડ થયા બાદ બીજા દિવસે પણ ૯ ફોર્મનું વિતરણ નોંધાયું છે. બે દિવસમાં કુલ 17 વ્યક્તિ દ્વારા આ 18 ફોર્મ મેળવવામાં આવ્યા છે.

આજે બે ફોર્મ ભારતીય જનતા પાર્ટી, 6 ફોર્મ અપક્ષ અને એક ફોર્મ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી ઉપાડવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલા વરિષ્ઠ આઇએએસ અધિકારી મોહિત બોંદુસને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. તેઓ ચૂંટણી પંચ વતી સમગ્ર પ્રક્રીયા અને વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay