Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શહેરના વિવિધ રોડ પર 20 હજાર વૃક્ષો વાવવા, ઉછેરવા 6 કરોડ ખર્ચાશે

શહેરના વિવિધ રોડ પર 20 હજાર વૃક્ષો વાવવા, ઉછેરવા 6 કરોડ ખર્ચાશે

નવગુજરાત સમય , અમદાવાદ

મદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં માત્ર 20 હજાર વૃક્ષો વાવવા અને ત્રણ વર્ષ સુધી તેનો ઉછેર કરવા માટે રૂ. ₹6 કરોડ જેવી મોટી રકમ ખર્ચવાની તૈયારીઓ થઈ છે. કોર્પોરેશનની રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીની આગામી બેઠકમાં આ દરખાસ્ત રજૂ થશે. આ દરખાસ્ત સામે આવતા જ વિવાદ થાય તેવી શક્યતા છે.

તંત્ર દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્તની ગણતરી જ સાંભળીને સૌ કોઈ દંગ રહી જાય તેમ છે.

શહેરના વિવિધ ટીપી રોડ અને સેન્ટ્રલ વર્જ પર 20 હજાર વૃક્ષો વાવવા માટે કેચ ફાઉન્ડેશન નામની ખાનગી સંસ્થાને કામગીરી સોંપવાનું નક્કી કરાયું છે. જેમાં પ્રત્યેક વૃક્ષ દીઠ રૂ. 3 હજાર ચૂકવવામાં આવશે. સંસ્થાની જવાબદારી અંગે એવું ગુલાબી ચિત્ર બતાવવામાં આવ્યું છે કે, સંસ્થા ખાડો ખોદવાથી માંડીને ખાતર નાખવું, ટ્રી-ગાર્ડ લગાવવું, પાણી પાાવું અને જો વૃક્ષ સુકાઈ કે બળી જાય તો તેને રીપ્લેસ કરી આપવા સુધીની 3 વર્ષની ગેરંટી આપશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દર વર્ષે ચોમાસામાં 'હરિયાળું અમદાવાદ' બનાવવાના મોટા-મોટા દાવો કરીને લાખો વૃક્ષો વાવવાની ઝુંબેશ ચલાવે છે. પરંતુ કાગળ પર વાવવામાં આવતા લાખો વૃક્ષોમાંથી વાસ્તવિકતામાં કેટલા વૃક્ષો બચે છે તે સૌ કોઈ જાણે છે. તંત્ર પોતાના તંત્ર કે બગીચા ખાતા દ્વારા જ વૃક્ષો વાવીને તેનો પાલનપોષણ કરવાના બદલે ખાનગી સંસ્થાઓ પર મહેરબાન થઈને કરોડો રૂપિયાની લહાણી કરી રહ્યું છે. સામાન્ય રીતે વૃક્ષારોપણનો જે ખર્ચ થાય છે તેના કરતાં આ 20 હજાર વૃક્ષો માટે કરાઈ રહેલો આંકડો અનેકગણો વધારે હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.

સંસ્થા દ્વારા સમગ્ર ભારત દેશના જુદાજુદા રાજ્યોમાં જેવા કે હરિયાણા, દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન તથા ગુજરાત જેમાં અંકલેશ્વર, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, વડનગર અને અમદાવાદ શહેરમાં 14 લાખ કરતા વધારે વૃક્ષો વાવવાની કામગીરી કરી હોવાનું તથા 218 નાના-મોટા જંગલો ડેવલપ કર્યા હોવાનો દાવો કરાયો છે. આમ, હવે સોમવારના રોજ મળનારી કમિટીની બેઠકમાં આ કામ મંજૂર થાય છે કે કેમ તેની પર સૌની નજર રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay