નવગુજરાત સમય , ગાંધીનગર
શહેરી વિકાસ વિભાગે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓ સાથે કરેલી બેઠકમાં શહેરોમાં ચોમાસા દરમિયાન પાણી ન ભરાય તે માટે તાકીદ કરી છે. વીડિયો કોન્ફરન્સ થકી યોજાયેલી બેઠકમાં પ્રિ-મોનસુન પ્લાનની તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જે સ્થળોએ દર વર્ષે પાણી ભરાતા હોય તેવા સ્પોટને ઓળખીને આગોતરી વ્યવસ્થા કરવા પણ સૂચના અપાઇ છે.
બીજી તરફ મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકમાં ચોમાસા દરમિયાન રાજ્યમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા જણાવાયું હતું.
બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 14 અને SDRFની 22 ટીમો તૈનાત કરવામાં આવશે. આ તમામ ટીમ પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી સજ્જ હશે.શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરોના પદાધિકારીઓની બેઠકમાં ભારે જળબંબાકાર જેવી સ્થિતિમાં શહેરોને બોટ, જનરેટર સેટ, અંડરપાસ વિગેરેમાંથી ભરાયેલા પાણી ખેંચવા માટેના પંપ સહિતના સાધનો ઉપલબ્ધ છે કે નહીં તેની પણ જાણકારી લેવામાં આવી હતી. જે વિસ્તારોમાં દર વખતે પાણી ભરાતા હોય ત્યાં વિશેષ તકેદારી રાખીને ઝડપથી નિકાલ થાય તે માટે અત્યારથી જ વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત મુખ્ય સચિવ દાસની ઉપસ્થિતિમાં પણ ચોમાસામાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં સીએસ દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં વહીવટી તંત્ર ચોમાસા પૂર્વે ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્ય સાથે સજ્જ છે. તમામ વિભાગોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અમલીકરણ માટે તાકીદ કરતા તેમણે ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે જરૂરી ચીજ-વસ્તુઓ, દવાઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી.
બાકી રસ્તા, ગટર બ્રિજના કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ
- બાકી રહેતા રોડ-રસ્તા અને ગટરના કામો ઝડપથી પૂર્ણ કરવા
- રસ્તા-બ્રિજનું અત્યારથી જ જરૂરી સમારકામ પૂર્ણ કરવા
- વૃક્ષોનું ટ્રિમિંગ કરવું
- નર્મદા અને ઉકાઈ સહિતના મોટા ડેમોમાં પાણીની આવક અને સ્થિતિ પર પર નજર રાખવી
- ચોમાસા પૂર્વે રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ શરૂ કરવા

