Dailyhunt
સુરત ટ્રેનમાંથી 6.32 કરોડનું એમડી ડ્રગ્સ, મુન્દ્રા પોર્ટ પર 82.80 લાખની બનાવટી સિગારેટ જપ્ત

સુરત ટ્રેનમાંથી 6.32 કરોડનું એમડી ડ્રગ્સ, મુન્દ્રા પોર્ટ પર 82.80 લાખની બનાવટી સિગારેટ જપ્ત

નવગુજરાત સમય , અમદાવાદ

દેશના તમામ એરપોર્ટ અને પોર્ટ પરથી દાણચોરીની સાથે સાથે હવે ડ્રગ્સ ગાંજો હિરોઈન જેવા નશીલ પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે, જેના કારણે સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. DRIના અધિકારીઓએ સુરત રેલવે સ્ટેશન પર ઓપરેશન પાર પાડી 6.32 કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ઝડપી લીધી છે. જ્યારે મુન્દ્રા પોર્ટ પરથી મિસ ડેકલેરેશનમાં આવી રહેલી 82.80 લાખ બનાવટી સિગારેટ સ્ટિક પણ ઝડપી લીધી છે, જેની કિંમત 19.87 કરોડ રૂપિયા થાય છે.

સુરત રેલવે સ્ટેશન પર DRIનો દરોડો 6.321 કિલો એમડી ડ્રગ કબજે કર્યું

સુરત રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ બાતમીના આધારે દરોડો પાડીને 6.321 કિલોગ્રામ એમડી ડ્રગ જપ્ત કર્યું છે. દિલ્હીથી મુંબઈ જતી ટ્રેન નંબર 04002 (હઝરત નિઝામુદ્દીન-દાદર સ્પેશિયલ)માં મુસાફરી કરતી એક મહિલા પેસેન્જરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલાની બે ટ્રોલી બેગમાંથી છુપાવેલા નશીલા પદાર્થો મળી આવ્યા હતા. જેમાં 2.905 કિલો ડ્રગ બેગમાં ખાસ બનાવેલા ચોર ખાનામાંથી મળી આવ્યું હતું, જ્યારે 2.024 કિલો ડ્રગ બ્રાન્ડેડ પગરખાના બોક્સમાં ગિફ્ટ રેપ કરીને છુપાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1.392 કિલો ડ્રગ નવા શર્ટના પેકિંગ વચ્ચે છુપાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ ડ્રગ્સની એફએસએલના અધિકારીઓ પાસે તપાસ કરાવી ખરાઈ કર્યા બાદ ડ્રગનો જથ્થો કબજે લઈ મહિલાની ધરપકડ કરી છે અને આ મહિલા કેટલા સમયથી ડ્રગની હેરાફેરી કરતી હતી અને આ જથ્થો તે કોના માટે લઈ જતી હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

​​​​​​​DRIના ઓપરેશનમાં નકલી સિગારેટ સ્ટિકનો જંગી જથ્થો આબાદ ઝડપાઈ ગયો

અમદાવાદ:મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI), અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. 28 એપ્રિલ 2026ના રોજ સિંગાપોરથી આવેલા અને દાદરી ACPI CFS માટે મોકલાયેલા એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

આ કન્ટેનરમાં માલને ટોયલેટ ટિશ્યુ (HSN 48181000) તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તેના માટે બિલ ઓફ એન્ટ્રી પણ નોંધાયેલું ન હતું. અધિકારીઓએ તકેદારી સાથે તપાસ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 82.80 લાખ ગોલ્ડ ફ્લેક બ્રાન્ડની સિગારેટ સ્ટિક્સ મળી આવી હતી. IPR પ્રતિનિધિના ચકાસણી બાદ આ સિગારેટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત 19.87 કરોડ ગણાય છે. હાલ અધિકારીઓએ આ સિગારેટનો જથ્થો કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay