નવગુજરાત સમય, સુરત
સુરતમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) અને વન વિભાગે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર એક કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચવાની જાહેરાત અંગે માહિતી મળતાં DRIએ ગ્રાહક બની ટ્રેપ ગોઠવ્યો હતો. આરોપી બદ્રી અબ્બાસે વોટ્સએપ ગ્રુપમાં દીપડાના તાજા ચામડાના ફોટા અપલોડ કરી વેચાણની ઓફર મૂકી હતી.
લાંબી સોદાબાજી બાદ રૂ. 1 કરોડમાં સોદો નક્કી થતાં તેણે સુરત સ્ટેશન રોડની હોટલ અલંકારના રૂમ નં. 203માં ચામડું લઈને પહોંચતાં DRIએ રંગેહાથ ઝડપી લીધો હતો.
પૂછપરછ દરમિયાન બદ્રીએ પોતે માત્ર મધ્યસ્થી હોવાની કબૂલાત કરી અને ચામડું મોઈન હુસેને આપ્યાનું જણાવ્યું હતું. ત્યારબાદ વન વિભાગે મોઈન હુસેનને પણ ઝડપી પાડ્યો હતો. મોઈને ચામડું 15 વર્ષ જૂનું હોવાનું જણાવ્યું હતું, પરંતુ વાઇલ્ડલાઇફ નિષ્ણાતોએ તેની સ્થિતિ, ચમક અને ભીનાશના આધારે તે દાવો ફગાવી દીધો હતો.
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ ધીરજ કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ચામડું એકથી બે મહિના જૂનું હોવાનું જણાય છે. ચામડાની સપાટી પર ગોળી વાગ્યાના નિશાન પણ મળ્યા છે, જેના આધારે દીપડાનો શિકાર કરી તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચામડું ઉતારવાની રીત અત્યંત કુશળ અને વ્યાવસાયિક હોવાનું જણાતા સંગઠિત વન્યજીવ તસ્કરી સિન્ડિકેટ સક્રિય હોવાની શંકા મજબૂત બની છે. વન્યજીવન સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

