નવગુજરાત સમય , અમદાવાદ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળા માટે લેવામાં આવેલી 'શિક્ષક અભિરુચિ કસોટી' (TAT-S)ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,980 ઉમેદવારે 35 ટકા કે તેથી વધુ ગુણ મેળવીને આગામી મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય કર્યું છે. જેમાં ગુજરાતી માધ્યમના સૌથી વધુ 74 હજાર કરતા વધુ ઉમેદવારનો સમાવેશ થાય છે.
ક્વોલિફાય થયેલા ઉમેદવારની હવે મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટના રોજ લેવાનું આયોજન છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરૂચિ કસોટી 3 મેના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ મળીને કુલ 2,10,580 ઉમેદવાર નોંધાયા હતા, જેમાંથી 1,85,030 ઉમેદવાર પરીક્ષામાં હાજર રહ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ 8 મેના રોજ ઉમેદવારની OMR શીટ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 16 મેના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ હતી. પ્રોવિઝનલ આન્સર કીને લઈને કોઈ રજૂઆત હોય તો 25 મે સુધી કરવા માટે જણાવાયું હતું. રજૂઆતોની ચકાસણી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 4 અને 5 જૂનના રોજ તજજ્ઞોનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો. વર્કશોપમાં તજજ્ઞો દ્વારા ચકાસણી કર્યા બાદ લીધેલા નિર્ણયના આધારે 25 જૂનના રોજ ફાઈનલ આન્સર કી જાહેર કરાઈ હતી.
પરિણામને લગતી તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શનિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-Sનું પરિણામ જાહેર કરાયું છે. પ્રાથમિક પરીક્ષામાં 35 ટકા માર્ક લાવનારા ઉમેદવાર જ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થતા હોય છે. જેથી 200 ગુણની આ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ લાવનારા ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.
ગુજરાતી માધ્યમમાં કુલ 2,05,475 ઉમેદવાર નોંધાયા હતા, જેમાંથી 1,81,520 ઉમેદવારે પરીક્ષા આપી હતી. તે પૈકી 74,118 ઉમેદવાર 70 કે તેથી વધુ ગુણ મેળવીને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 5,105 ઉમેદવાર નોંધાયા હતા અને 3,510 ઉમેદવાર હાજર રહ્યા હતા, જેમાંથી 1,862 ઉમેદવાર સફળતાપૂર્વક મુખ્ય પરીક્ષા આપવા માટે પાત્ર ઠર્યા છે. આ પરીક્ષામાં 53,215 ઉમેદવારને 80 કે તેથી વધુ ગુણ આવ્યા છે, જ્યારે 90 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારની સંખ્યા 33,612 છે. 100 કે તેથી વધુ ગુણ 26,444 અને 120 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારની સંખ્યા 3,628 છે.
ઉમેદવાર પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન જોઈ શકે છે. આ માટે ઉમેદવારે પોતાનો બેઠક નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. જે ઉમેદવાર પોતાની OMR શીટની પુનઃચકાસણી કરાવવા માગતા હોય તેમણે 7 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન અરજી કરવાની રહેશે.

