નવગુજરાત સમય , અમદાવાદ
અમદાવાદના એક ટૂર ઓપરેટરને તેના સગા ભાઈ અને તેના બે મળતિયાઓએ મળીને ₹23 લાખની ઠગાઈ કરી છે. આરોપીઓએ પેરામાઉન્ટ એનર્જી સોલ્યુશન નામની વેસ્ટ કલેક્શન કંપનીમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, ચાંદખેડા, ન્યૂ સી.જી.
રોડ ખાતે આવેલી સિલ્વર રેસિડન્સીમાં રહેતા વિજયકુમાર મિસ્ત્રી, જય અંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે વ્યવસાય કરે છે. તેમની ઓફિસે થોડા સમય પહેલાં તેમના સગા ભાઈ જગદીશકુમાર બાબુલાલ મિસ્ત્રી, (રહે. પરમારવાસ, ચાંદખેડા,) તેમના મિત્ર સુભાષિશ સાથે આવ્યા હતા. તેમણે હરિયાણામાં વેસ્ટ કલેક્શન અને તેના પ્રોસેસિંગનો ધંધો શરૂ કર્યો હોવાનું જણાવી તેમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
જગદીશ અને સુભાષિશે વિજયકુમારને જણાવ્યું હતું કે કંપની વેસ્ટ કલેક્શન કરીને તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરે છે, જેમાં સારો નફો મળે છે અને રોકાણની મૂડી પણ ટૂંકા સમયમાં પરત મળી જાય છે.ભાઈ અને તેના મિત્ર પર વિશ્વાસ રાખીને વિજયકુમારે રોકાણ કરવા સંમતિ આપી હતી. ત્યારબાદ તેમને હરિયાણાના ગુરુગ્રામ સ્થિત કંપનીની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખ અપાયેલા અનિક રોય પણ હાજર હતા. ત્યાં લેખિત ભાગીદારી એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો અને ભાગીદારીમાં ધંધો કરવાની વાત કરવામાં આવી હતી. આરોપીઓએ તબક્કાવાર વિજયકુમાર પાસેથી કુલ ₹23 લાખ લીધા હતા. જોકે, રોકાણ બાદ તેમને ન તો કોઈ નફો આપવામાં આવ્યો હતો અને ન તો મૂડી પરત કરવામાં આવી હતી. અનેક વખત ઉઘરાણી કરવા છતાં કોઈ રકમ પરત ન મળતાં તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

