નવગુજરાત સમય, વડોદરા
વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. સાર્વત્રિક વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. જોકે, વરસાદે એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ખુશ કર્યા છે, તો બીજી તરફ વડોદરા શહેરમાં નાગરિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. વડોદરા જિલ્લામાં નોંધાયેલા સાર્વત્રિક અને ખેતીલાયક વરસાદને પગલે ખેડૂત આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
વરસાદના અભાવે ચિંતિત બનેલા ખેડૂતો માટે મેઘમહેર કોઈ આશીર્વાદથી કમ નથી. ખાસ કરીને ડભોઈ અને શિનોર પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાતા ખેતીના પાકને જીવતદાન મળ્યું છે. ધરતીપુત્રોએ આ વરસાદને ખરીફ પાક માટે અત્યંત જરૂરી ગણાવી સંતોષ વ્યક્ત કર્યો છે. સવારના છ વાગે પૂર્ણ થતાં 24 કલાકમાં સાવલીમાં 14 મીમી, વડોદરામાં 59 મીમી, વાઘોડિયામાં 47 મીમી, ડભોઈમાં 90 મીમી, પાદરામાં 63 મીમી, કરજણમાં 50 મીમી, શિનોરમાં 99 મીમી અને ડેસરમાં 20 મીમી વરસાદ વરસ્યો હતો.
મંગળવારે સવારથી મેઘાવી માહોલ વચ્ચે તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. સોમવારે રાત્રે શહેરમાં 46 મીમી અને મંગળવારે દિવસ દરમિયાન 1.6 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણને કારણે દિવસના તાપમાનમાં 5.8 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી રહ્યું હતું. રાતનું લઘુત્તમ તાપમાન પણ 2.7 ડિગ્રી ઘટીને 25.4 ડિગ્રી નોંધાયું હતું.
ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ વડોદરા શહેરમાં સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની માત્ર બે ઇંચ વરસાદમાં જ પોલ ખુલી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદ પહેલાં મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સફાઈ અને પ્રી-મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હતા, તે માત્ર કાગળ પર જ રહ્યા હોવાનું આ પ્રથમ વરસાદે સાબિત કરી દીધું છે. તંત્રની આ બેદરકારીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થતા સ્થાનિક લોકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં વડોદરા શહેરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી એ મહાનગરપાલિકા માટે મોટો પડકાર બની રહેશે. હવામાન વિભાગ અનુસાર આજે 7 જુલાઈ, મંગળવારના રોજ વડોદરા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.
વડોદરા શહેરમાં સોમવારે મોડી રાત્રે એક કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કહેવાતી સ્માર્ટ સિટી એક ઇંચ વરસાદમાં પાણીથી તરબતર થઈ ગઈ હતી. સ્ટેશન ગરનાળું, પરશુરામ ભઠ્ઠા, મુક્તાનંદ ત્રણ રસ્તા, વુડા સર્કલ, માંડવી, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સયાજીગંજ, કેવડાબાગ, ગોત્રી અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં નાના-મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. તાંદલજા વિસ્તારમાં એક કાર ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી.

