નવગુજરાત સમય, વડોદરા
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરામાં આવેલી અમન બિલ્ડીંગમાં આજે સવારે અગરબત્તી સળગાવતાં ત્વરીત થયેલા સ્પાર્ક સાથે પ્રચંડ ધડાકો થયો હતો. તેની સાથે એકાઅક આગ પણ લાગી હતી. લાંબા સમયથી બંધ રહેલી આ અમન ડેવલોપર્સની ઓફિસમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઓફિસની નજીકમાં પાર્ક કરેલી કારના કાચના પણ ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.
આ ઘટના પાછળનું ચોંકાવનારું કારણ ગેસ લીકેજ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સૈયદ રજાકની માલિકીની આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઓફિસ લાંબા સમયથી બંધ હતી. આજે સવારે મકસુદ હબીબ મિયા શેખ (ઉ.વ. 36) નામના યુવકે પૂજા અર્ચના માટે અગરબત્તી પ્રગટાવી હતી. પરંતુ, ઓફિસમાં એસી નો ગેસ લીક થઈને હવામાં પ્રસરી ગયો હોવાથી, અગરબત્તી પ્રગટાવતા જ સર્જાયેલા સ્પાર્કને કારણે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. તેની સાથે ઓફિસમાં આગ પણ લાગી હતી. જેમાં ઓફિસમાં રાખવામાં આવેલા દસ્તાવેજ સળગી ગયા હતા.
બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ઓફિસના કાચના ફુરચેફુરચા ઉડી ગયા હતા, એટલું જ નહીં, બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી કારને પણ ભારે નુકસાન થયું હતું. આ ગંભીર હોનારતમાં મકસુદ શેખ નામના યુવકને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વડીવાડી ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે સર્જાયેલી જ્વલનશીલતા જ આ અકસ્માતનું કારણ હોવાનું અનુમાન છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે કે લાંબા સમયથી બંધ ઓફિસમાં ગેસ કેવી રીતે લીક થયો અને અન્ય કોઈ સુરક્ષા બેદરકારી હતી કે કેમ?

