એજન્સી, વોશિંગ્ટન | નવી દિલ્હી
ભારત અને અમેરિકાના અધિકારીઓ હાલમાં નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્રણ દિવસની વાટાઘાટો કરી રહ્યા છે ત્યારે અમેરિકાએ ભારત સહિત 54 દેશો પર 12.5 ટકા ટેરિફ લાદવાની દરખાસ્ત કરી છે. અમેરિકાનો આરોપ છે કે ભારત સહિતના આ દેશો બળજબરીની મજૂરીથી ઉત્પાદિત માલની આયાત પર પ્રતિબંધ મૂકવામાં નિષ્ફળ રહ્યા છે.
અમેરિકાની આ દરખાસ્ત અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે નવી દિલ્હી કલમ 301 હેઠળની તપાસ અંગે યુએસ સાથે વિચારવિમર્શ કરી રહ્યું છે. આ તપાસમાં બળજબરીપૂર્વક મજૂરી કરાવવામાં આવતી હોવાની બાબત અને વધારાની ઔદ્યોગિક ક્ષમતા સંબંધિત છે. આની સાથે દેશ વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે યુએસ સાથે સમાંતર વાટાવાટો કરી રહ્યું છે. ભારત અને અમેરિકાએ અગાઉ 7 ફેબ્રુઆરીએ વચગાળાના વેપાર કરારનું એક માળખું જાહેર કર્યું હતું. જોકે આ કરારને હજુ અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી.
અમેરિકાએ બળજબરીથી મજૂરી સંબંધિત ચિંતાઓના મુદ્દે 1974ના વેપાર ધારાની કલમ 301 હેઠળ માર્ચમાં 60 દેશો સામે તપાસ ચાલુ કરી હતી. આ પછી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર)એ વધારાની ડ્યૂટીની દરખાસ્ત કરી છે. USTRએ જણાવ્યું હતું કે આ હજુ પણ એક દરખાસ્ત છે અને તેને હજુ સુધી અંતિમ સ્વરૂપ અપાયું નથી. સંબંધિત દેશો 22 જૂન સુધીમાં રજૂઆત કરી શકે છે. USTR 7 જુલાઈના રોજ સુનાવણી યોજવાનું છે.
આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કંબોડિયા, ચીન, ભારત, ઇઝરાયલ, જાપાન, મલેશિયા, ન્યુઝીલેન્ડ, નોર્વે, ઓમાન, ફિલિપાઇન્સ, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, સ્વિટ્ઝર્લૅન્ડ, થાઇલેન્ડ, યુએઈ, યુકે અને વિયેતનામ સહિત 54 દેશો પર 12.5 ટકા ડ્યુટીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કેનેડા, ઇક્વાડોર, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને પાકિસ્તાન પર વધારાની 10 ટકા આયાત જકાતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

