એજન્સી, નવી દિલ્હી
મેટાની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને યુઝરનેમના ફીચરની સુરક્ષા મામલે નોટિસ ફટકાર્યાં બાદ કેન્દ્રના આઈટી મંત્રાલયે હવે ટેલિગ્રામ અને સિગ્નલ નામના અન્ય બે પ્લેટફોર્મ્સને પણ આ મામલે નોટિસ ફટકારી છે. ટેલિગ્રામને અપાયેલી નોટિસમાં મંત્રાલયે, કંપનીને યુઝરનેમનું ફીચર ચાલુ રાખવાની મંજૂરી કેમ આપવામાં આવે તે બાબતે ખુલાસો પૂછ્યો છે.
આ ફીચર યુઝરને પોતાનો ફોન નંબર આપ્યા વગર યુઝરનેમ બનાવીને પ્લેટફોર્મ પરના અન્ય યુઝર્સ સાથે જોડાવાની સુવિધા પૂરી પાડે છે. જોકે ટેલિગ્રામ અને સિગ્નલે હજી સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
વોટ્સએપનું યુઝરનેમ ફીચર વૈકલ્પિક છેઃ સરકારની કડકાઈ બાદ મેટાની સ્પષ્ટતા
વોટ્સએપ દ્વારા નવા રજૂ કરાયેલાં યુઝરનેમ ફીચર પર ભારતે હાલ પૂરતી રોક લગાવી છે. આ ફીચરના દુરુપયોગ દ્વારા સાયબર ફ્રોડ થવાની આશંકાને પગલે સરકારે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને નોટિસ ફટકારી કંપની પાસે ત્રણ દિવસમાં તેની વિગતવાર સમજૂતી માગી હતી. સરકારની નોટિસ બાદ મેટાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, યુઝરનેમ ફીચર એ વૈકલ્પિક છે, ફરજિયાત નહીં. એટલું જ નહીં પરંતુ તેનો દુરૂપયોગ અટકાવવા તથા તેના થકી થતાં સ્કેમ્સ અને બિનજરૂરી કોન્ટેક્ટ્સ નિવારવા માટે તેમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, યુઝર્સે યુઝરનેમ બનાવવાની જરૂર નથી. ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂકના હાલના યુઝરનેમ ઉપરાંત, જાણીતી હસ્તીઓ, સેલિબ્રિટીઝ, સરકારી સંસ્થાઓના યુઝરનેમને અનામત રખાયા છે, જેથી તેની પર માત્ર માન્ય વ્યક્તિ જ દાવો કરી શકે.

