નવગુજરાત સમય, વડોદરા
ગુજરાત વિધાનસભામાં સોથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાના માંજલપૂર વિધાનસભાની પેટા ચૂંટણીની આજે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા. 06 જુલાઈના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા. 30 જુલાઈના રોજ મતદાન તથા તા. 3 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
છેલ્લા આંઠ ટર્મથી સતત ધારાસભ્ય રહીં ચૂકેલા ભારતીય જનતા પાર્ટીના યોગેશ પટેલની ગત તા. 28 મેના રોજ તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું ગત તા. 2 જૂનના રોજ નિધન થયું હતું. માંજલપૂર વિધાનસભા બેઠકનું તેઓ પ્રતિનિધિત્વ છેલ્લી ત્રણ ટર્મથી કરતા હતા. તે અગાઉ તેઓ રાવપુરા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહ્યા હતા. તેમના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા આજે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
આ પેટા ચૂંટણીનું તા. 06 જુલાઈના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તા. 13 જુલાઈ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા. 14 જુલાઈના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. તા. 16 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. તા. 30 જુલાઈના રોજ મતદાન થશે અને તા. 3 ઓગસ્ટના રોજ મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે. પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.
ચૂંટણીનો કાર્યક્રમ
તા. 06 જુલાઈ, 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
તા. 13 જુલાઈ, 2026 સુધીમાં ઉમેદવારીપત્રક ભરી શકાશે.
તા. 14 જુલાઈ, 2026ના રોજ ઉમેદવારીપત્રકોની ચકાસણી થશે.
તા. 16 જુલાઈ, 2026 સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે.
તા. 30 જુલાઈ, 2026ના રોજ મતદાન યોજાશે.
તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ પરિણામ જાહેર થશે.

