નવગુજરાત સમય, મહેસાણા
પ્રાથમિક શાળાઓમાં હાલમાં મોબાઈલની મદદથી ઓનલાઈન હાજરી પુરવામાં આવે છે પરંતુ હવે ટૂંક સમયમાં શિક્ષકોની હાજરી રાજ્ય સરકારે તૈયાર કરેલી ખાસ એપ્લીકેશન ધરાવતા ટેબલેટની મદદથી ફેઈસ રેકોગ્નાઈઝ પદ્ધતિથી પૂરાશે. જે માટે મહેસાણા જિલ્લાની તમામ ૧૦૦૭ પ્રાથમિક શાળાઓમાં ટેબલેટ આપવામાં આવશે.
રાજ્યમાં હાલમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની તેમજ બાળકોની હાજરી મોબાઈલની મદદથી ઓનલાઈન પુરવામાં આવી રહી છે. પરંતુ આ પદ્ધતિથી હાજરી પુરવામાં જે તે શિક્ષકની ફિઝીકલ હાજરી છે કે નહીં તે પુરવાર થતું નથી ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા ખાસ એપ્લીકેશન ધરાવતાં ટેબલેટ દરેક શાળામાં આપવામાં આવશે અને આ ટેબલેટમાં શિક્ષકની હાજરી તેના ચહેરાનું સ્કેનિંગ કરીને એટલે કે ફેઈસ રેકોગ્નાઈઝ પદ્ધતિથી પુરવામાં આવશે.
એટલે કે શિક્ષકની ફિઝીકલ હાજરી પણ પુરવાર થશે. ઉલ્લેખનિય છે કે, આ ટેબલેટની મદદથી ઓનલાઈન હાજરી તેમજ અન્ય પત્રકો ભરવા ઉપરાંત સરકારી પરિપત્રો કે અન્ય સૂચનાઓ પણ શાળાઓમાં તાત્કાલિક ઓનલાઈન જ ઉપલબ્ધ થશે.
મહેસાણા જિલ્લાની ૧૦૦૭ શાળાઓ માટે તેમજ નજીના જિલ્લાઓનાં મળીને કુલ ૮ હજારથી વધુ ટેબલેટ હાલમાં આવી ગયાં છે, પરંતુ સરકાર દ્વારા એપ્લીકેશન લોંચ ન કરાઈ હોવાથી ટેલબેટનું વિતરણ થયું નથી. દસેક દિવસમાં આ એપ્લીકેશન લોંચ કરીને ટેબલેટમાં નાખ્યા બાદ તેનું વિતરણ કરીને આ પદ્ધતિનો અમલ કરવામાં આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.

