Saturday, 17 Aug, 4.41 am નવાનગર ટાઈમ

હોમ પેજ
'કાયઝાલા' શિક્ષકો પર ઠોકી બેસાડવાનો આક્ષેપ, એપ્લિકેશનનો વિરોધ કરવાનો આઈડિયા શોધાયો

વોટ્સએપ જેવી એપ્લિકેશનને ટક્કર આપવા માટે માઈક્રોસોફટ દ્વારા 'કાઈઝાલા' એપ્લીકેશન કરોડો રૂપિયાના ખર્ચે 2016માં બનાવવામાં આવેલી છે. પરંતુ વિવિધ કારણોસર આ એપ્લિકેશન સફળ થઈ નથી. 2016થી આજ સુધીમાં માત્ર 10 લાખ જેટલા જ ડાઉનલોડ થયેલ છે. જેમાંથી મોટાભાગના કોઈ આ એપ્લિકેશન હાલ વાપરતા નથી. જે એના પ્લેસ્ટોરમાં લખવામાં આવેલા રીવ્યુ પરથી સ્પષ્ટ સમજી શકાય એવી બાબત છે.

પત્ર લખીને જાણ કરવામાં આવી
ગુજરાતના 2.5 લાખ જેટલા શિક્ષકો જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને વાપરતા થાય તો માઈક્રોસોફટની આ એપ્લિકેશન ગુગલના પ્લેસ્ટોર પર પહેલા નંબરે આવી જાય અને એપ્લિકેશન સફળ બની શકે. માત્ર આ હેતુ માટે માઈક્રોસોફટ સાથેની સમજુતી મુજબ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને વાપરવા માટે શિક્ષકોને આદેશ કરવામાં હોવાનો ગંભીર આક્ષેપ સાથે એક શિક્ષકે રાજ્ય પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજાને સ્ફોટક પત્ર લખીને જાણ કરી છે.

મોબાઈલનો ઉપયોગ સામે નિયમ શું
વિભાગ દ્વારા શિક્ષકોને મોબાઈલ આપવામાં આવેલા નથી કે, જેમાં તે ગમે તે એપ્લિકેશન વાપરવા માટે ફરજ પાડી શકે. આ ઉપરાંત શિક્ષકોને કલાસરૂમ અને શાળામાં મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હોવા છતાં આ એપ્લિકેશન વાપરવા માટે ફરજ પાડવામાં આવેલ છે. આ એક કોન્ફરન્સીંગ સુવિધા વાળી એપ્લિકેશન છે જે થોડા સમય પણ વાપરવામાં આવે તો મોટા પ્રમાણમાં ડેટાનો ઉપયોગ કરે છે. જેથી ઇન્ટરનેટ પેક પણ પૂર્ણ થઇ જાય જે સ્વ ખર્ચે કરાવતા હોઈએ છીએ. સરકાર આ માટે કોઇ ખર્ચ આપતી નથી.

સચિવ પોતાના નિર્ણય પર અડગ
શિક્ષકો દ્વારા આ એપ્લિકેશનનો વિવિધ રીતે વિરોધ કરવા છતાં સચિવ પોતાના નિર્ણય પર અડગ છે. વિવિધ રીતે હુકમો કરીને શિક્ષકોને આ એપ્લિકેશન માટે ફરજ પાડવામાં આવે છે. ત્યારે તમામ શિક્ષકોને આ એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરવી અને પ્લેસ્ટોરમાં આ એપ્લિકેશનને 1 સ્ટારનો રીવ્યુ આપી તમારો વિરોધ વ્યકત કરતા અમૂક શબ્દો લખવા જોઇએ. અહીં એ વાતનું ખાસ ઘ્યાન રાખવું કે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ કોઈએ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી કે તેને ઓપન કરવાની પણ જરૂર નથી. રીવ્યુ આપ્યાના બે ત્રણ દિવસ પછી આ એપ્લીકેશનને ફોનમાંથી ડીલીટ પણ કરી શકો છો.

રીવ્યુમાં વિરોધ કરવા અપીલ
ગુજરાતના તમામ શિક્ષકો જો આ રીતે 1 સ્ટારનો રીવ્યુ આપી વિરોધ વ્યકત કરશે તો માઈક્રોસોફટની આ એપ્લિકેશનને 2.5 લાખ જેટલા 1 સ્ટાર રીવ્યુ થશે અને હાલ પ્લેસ્ટોરમાં એપ્લિકેશન 19000 રીવ્યુ સાથે 4.5 સ્ટાર રેટિંગ ધરાવે છે તે 1 સ્ટાર પર આવી જાય. અન્ય લોકો પણ આ એપ્લિકેશન ભવિષ્યમાં વાપરે નહીં. માઈક્રોસોફટ દ્વારા પોતાની એપ્લીકેશનને ફેમસ કરવા માટે શિક્ષકોને હાથો બનાવવામાં આવ્યા છે. તેનો વિરોધ કરવા માટેનો આ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય છે.

5 સ્ટાર આપવા માટે દબાણ
પ્લેસ્ટોરમાં કઈ એપ્લિકેશનને કેટલા સ્ટાર આપવા એ કોઈપણ વ્યકિતની મરજીની વાત છે અને કોઈપણ વ્યકિત આ બાબતમાં 5 સ્ટાર આપવા માટે ફરજ પાડી શકે નહીં. જો ગુજરાતના તમામ શિક્ષકો આ રસ્તો અપનાવશે. તો કંપનીએ કરેલુ કરોડો રૂપિયાનું રોકાણ ડૂબી જશે અને તેની આંખ ખુલશે પછી એ સામેથી જ શિક્ષકોને આ એપ્લિકેશન વાપરવા માટે મનાઈ કરશે તેવી પત્રના અંતે એક શિક્ષકે રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખનું ધ્યાન દોરીને રજૂઆત કરી છે.

Loading...

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Nawanagar Time
Top