Limdi Drowning Incident: મોજમસ્તી અને સોશિયલ મીડિયા રીલ બની મોતનું કારણ: પીડિત યુવક
Limdi Drowning Incident: મહંમદ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અભ્યાસ કરેલ હતો અને એજ એમના માતા પિતાનું એક નું એક સંતાન હતું
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
ભરૂચ:
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના લીમડી-અંભેલ માર્ગ પર આવેલા ઊંડા પાણીના કાંસમાં મોજમસ્તી કરી રહેલા બે આશાસ્પદ યુવકો માટે જીવલેણ સાબિત થઈ હતી.
પાંચ મિત્રો પૈકી ત્રણ યુવકો પાણીમાં ઉતર્યા હતા, જેમાંથી એકનો બચાવ થઈ ગયો જ્યારે લીમડી ગામના ૨૧ વર્ષીય મહંમદ ઇલ્યાસ ગર્ગર અને ૨૦ વર્ષીય તબરેજ મુબારક પટેલનું કરૂણ મૃત્યુ નિપજતાં સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તંત્ર દ્વારા વરસાદી ઋતુ દરમિયાન જોખમી સ્થળોથી દૂર રહેવાની વારંવાર અપીલ છતાં આ દુર્ઘટના સર્જાતા ફરી એકવાર સાવચેતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ ભરૂચના SDM મનીષા મનાની, વાગરા પોલીસ, ૧૦૮, ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને શોધખોળમાં જોડાયા હતા. લાંબી જહેમત બાદ મહંમદ ઇલ્યાસનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે કલાકો સુધી ચાલેલી શોધખોળ બાદ તબરેજનો પણ મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં હૈયાફાટ રુદન મચી ગયું હતું. આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે અંદાજે ૨૦થી ૨૫ ફૂટ ઊંડો કાંસ ખોદવામાં આવ્યો હોવા છતાં ત્યાં કોઈ ચેતવણી બોર્ડ, બેરિકેડ કે સુરક્ષા વ્યવસ્થા નહોતી. લોકો હવે માંગ કરી રહ્યા છે કે આ કાંસ કોણે અને કયા હેતુથી ખોદ્યો તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ઘટના બાદ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વાગરા તાલુકામાં આજે પણ પોતાની ફાયર સ્ટેશન, રેસ્ક્યુ ટીમ અને મૃતદેહ વહન માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરિણામે દરેક ગંભીર ઘટનામાં ભરૂચથી ટીમ પહોંચે ત્યાં સુધી કિંમતી સમય ગુમાવવો પડે છે. તાલુકા મથકે આવી સુવિધાઓ તાત્કાલિક શરૂ કરવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. લીમડીની આ કરૂણ ઘટના માત્ર બે પરિવારો માટે નહીં પરંતુ સમગ્ર વાગરા પંથક માટે ચેતવણીરૂપ બની છે. જોખમી સ્થળોએ સેલ્ફી અને રીલ બનાવવાનો વધતો ટ્રેન્ડ, સુરક્ષા વ્યવસ્થાનો અભાવ અને ઈમરજન્સી સુવિધાઓની અછત, આ ત્રણેય મુદ્દાઓ પર તંત્ર તાત્કાલિક અસરકારક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે. બીજી તરફ જાગૃત નાગરિકોએ યુવકોને અપીલ કરી હતી કે જોખમી સ્થળો પર જવાનું ટાળવું જોઈએ અને સોશિયલ મીડિયામાં પોતાની રીલ બનાવી મુકવાના ચક્કરમાં જીવનું જોખમ લેવાનું ટાળવું જોઈએ જેથી આકસ્મિક દુર્ઘટનાઓ ટાળી શકાય.

