LPG Cylinder Delivery Record 2026। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને સપ્લાય ચેઈનમાં અવરોધો છતાં ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં રાંધણ ગેસ (LPG) નો પુરવઠો પૂરતો અને સામાન્ય છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં આવીને ઈંધણની ખરીદી કે બુકિંગ ન કરે.
રેકોર્ડ વિતરણ અને ઓનલાઇન બુકિંગ
આંકડાઓ મુજબ, ગત ગુરુવારે જ દેશભરમાં ૪૯.૮ લાખ એલપીજી સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૪૧.૬ લાખ સિલિન્ડરો માટે નવું બુકિંગ થયું હતું. ખાસ વાત એ છે કે ઘરેલુ એલપીજી બુકિંગમાં ઓનલાઇન પ્લેટફોર્મનો વપરાશ ૯૮ ટકા સુધી વધી ગયો છે. ડિલિવરીમાં પારદર્શિતા જાળવવા માટે મોબાઈલ ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરી સિસ્ટમ હવે ૯૩ ટકા સુધી પહોંચી ગઈ છે.
જમાખોરી અને કાળાબજારી સામે કડક કાર્યવાહી
મંત્રાલયે એલપીજીની જમાખોરી રોકવા માટે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. એક જ દિવસમાં ૨,૩૦૦ થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સરકારી તેલ કંપનીઓએ નિયમોનું ઉલ્લંઘન કરનારા ૩૪૨ વિતરણ કેન્દ્રો પર દંડ ફટકાર્યો છે અને ૭૩ કેન્દ્રોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધીમાં ૪૩,૨૦૦ થી વધુ PNG ગ્રાહકોએ તેમના વધારાના એલપીજી સિલિન્ડરો સરેન્ડર કર્યા છે.
સરકારે ખાતરી આપી છે કે પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. બીજી તરફ, એર ઈન્ડિયા એક્સપ્રેસે કતાર અને બહેરીન માટે તેની ફ્લાઈટ્સ ફરી શરૂ કરી છે અને યુએઈ, ઓમાન અને સાઉદી અરેબિયા માટે વધારાની ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. પશ્ચિમ એશિયામાં ફસાયેલા ભારતીય નાવિકોને પરત લાવવા માટે પણ સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે, જે અંતર્ગત એક ટુકડી મુંબઈ પરત ફરી છે.

