Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ

News Continuous 2 weeks ago

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ પ્રશાસન (FDA) ના નવા કમિશનરે પદભાર સંભાળતાની સાથે જ રાજ્યમાં ડ્રગ્સ, ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો અને પ્રતિબંધિત ગુટખા માફિયાઓ વિરૂદ્ધ યુદ્ધ છેડી દીધું છે. કમિશનરના કડક આદેશ બાદ મુંબઈ, કોંકણ, પુણે, નાશિક, અમરાવતી, નાગપુર અને છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) વિભાગમાં એક સાથે મેગા ડ્રગ્સ અને ફૂડ રેડ (દરોડા) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાની કિંમતનો ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારી ૨૭ સંસ્થાઓને સીલ કરીને ૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતિબંધિત ગુટખા વેચતી ૫૩ પેઢીઓ પર ત્રાટકી એફડીએની ટીમ

રાજ્યમાં પ્રતિબંધિત ગુટખા, પાન મસાલા અને સુગંધિત તમાકુના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરતા એફડીએની ટીમોએ ૫૩ પ્રતિષ્ઠિત સંસ્થાઓની તપાસ કરી હતી, જેમાંથી ૩૪ જગ્યાએ પ્રતિબંધિત પ્રોડક્ટ્સ વેચાતી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ૨૭ સંસ્થાઓ સામે એફઆઈઆર (FIR) નોંધીને ૩૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી આશરે ૨૦.૫૬ લાખનો ગુટખાનો જથ્થો અને માલ સપ્લાય કરવા માટે વપરાતા ૫ વાહનો જપ્ત કરાયા છે. એકલા મુંબઈ (બૃહન્મુંબઈ) વિસ્તારમાં જ ૧૯ દુકાનો/ગોડાઉનો સીલ કરીને ૧૯ આરોપીઓને જેલભેગા કરાયા છે.

જળગાંવમાં આર્ટિફિશિયલ દૂધ અને પુણેમાં કેમિકલયુક્ત ઝેરી કેરીઓ ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એફડીએ (FDA) ની ટીમોએ સપાટો બોલાવીને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે, જેમાં જળગાંવ જિલ્લાના ધરણગાંવ તાલુકામાં ગાયના દૂધમાં એડિબલ ઓઇલ (ખાદ્ય તેલ) ભેળવીને આર્ટિફિશિયલ (કૃત્રિમ) દૂધ બનાવવાનું એક મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. બીજી તરફ, પુણેના ઇન્દાપુર ખાતે ઇથિલિન કેમિકલનો ઉપયોગ કરીને કુદરતી દેખાતી પરંતુ સ્વાસ્થ્ય માટે ઝેરી એવી પકવેલી કેરીઓનો આશરે ૨૦,૦૦૦ નો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો. ધૂળે જિલ્લામાં પણ એક લોટ મિલમાં અત્યંત ગંદી અને અસ્વચ્છ સ્થિતિમાં વટાણાનું બેસન (મટર બેસન) બનાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવતા ત્યાંથી પોલીસે ૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત, મુંબઈના ધારાવી વિસ્તારમાં લેબલિંગના નિયમોનો સરેઆમ ભંગ કરીને નૂડલ્સ બનાવતી એક મોટી ફેક્ટરી પર દરોડો પાડી ભારે માત્રામાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે નાશિકમાં લાયસન્સ વિના ખાદ્ય ચીજોનું ગેરકાયદેસર ઉત્પાદન કરવા અને સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાનું ખાદ્ય તેલ વેચવા બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઝુંબેશ અંતર્ગત પાલઘર જિલ્લામાં પણ માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે તેવી અત્યંત ગંદી જગ્યાએ આઈસ્ક્રીમ બનાવતી ફેક્ટરી પર ત્રાટકીને એફડીએની ટીમે લાખો રૂપિયાનો માલ જપ્ત કર્યો છે.

એફડીએ કમિશનરે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, "નાગરિકોના જીવને જોખમમાં મૂકનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને વહીવટી તંત્ર તરફથી સહેજ પણ દયાદાન આપવામાં આવશે નહીં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (BNSS) ની કલમ ૧૨૯ હેઠળ આવા ગુનેગારો સામે 'ચેપ્ટર પ્રોસિડિંગ્સ' (પ્રતિબંધાત્મક કાર્યવાહી) શરૂ કરવામાં આવશે અને તેમની પાસેથી સારા વર્તન માટેના બોન્ડ લેવાશે." તેમણે ઉમેર્યું કે ગુટખા અને ભેળસેળના કેસમાં વારંવાર પકડાતા રીઢા ગુનેગારો સામે કડક ફોજદારી ગુના નોંધી જેલભેગા કરાશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Continuous