Dailyhunt
Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલનો સપાટો: શેર ટ્રેડિંગના નામે ₹૮૯ લાખ પડાવનારા નાસિકના બે ભાઈઓ જેલભેગા!

Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલનો સપાટો: શેર ટ્રેડિંગના નામે ₹૮૯ લાખ પડાવનારા નાસિકના બે ભાઈઓ જેલભેગા!

News Continuous 1 week ago

News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલે શેર ટ્રેડિંગના નામે લાખોની છેતરપિંડી કરનારી ટોળકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ગોરેગાંવના એક રહેવાસી સાથે ₹૮૯ લાખની ઠગાઈ કરવાના મામલે પોલીસે નાસિકના પિંપળગાંવ વિસ્તારમાંથી બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઠગાઈની કુલ રકમમાંથી ₹૫૧ લાખ સીધા આ બંને ભાઈઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

વોટ્સએપ ગ્રુપ અને નકલી પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી બિછાવી જાળ

આ કેસની વિગત મુજબ, ૫૪ વર્ષીય ફરિયાદીએ સોશિયલ મીડિયા પર શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાની એક આકર્ષક જાહેરાત જોઈ હતી. તેના પર ક્લિક કરતા જ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે ૧૦૦ થી ૧૫૦ સભ્યો હતા. આ ગ્રુપમાં શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં લાખો રૂપિયા કમાવવાની લાલચ આપી નકલી પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવવામાં આવ્યા હતા. લાલચમાં આવીને ફરિયાદીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹૮૯ લાખનું રોકાણ કર્યું હતું.

Indian Navy Mission: મુંબઈથી 'સાગર' મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ

'SEBI ની તપાસ'નું બહાનું ધરી એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું

શરૂઆતમાં ફરિયાદીને એક નકલી એપ પર મોટો નફો થતો બતાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે તેમણે આ રકમ ઉપાડવાનો (Withdraw) પ્રયાસ કર્યો, ત્યારે ઠગ ટોળકીએ 'SEBI ની તપાસ' ચાલી રહી હોવાનું ખોટું બહાનું બતાવી તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. ત્યારબાદ એકાઉન્ટ ફરી ચાલુ કરવા માટે વધુ ૨૦% રકમની માંગણી કરી હતી. આ તબક્કે ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે નોર્થ સાયબર સેલનો સંપર્ક સાધ્યો હતો.

સાયબર સેલની ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીની રકમમાંથી ₹૫૧ લાખ નાસિકના નિફાડ તાલુકાની એક બેંકમાં ટ્રાન્સફર થયા છે. પોલીસે પિંપળગાંવમાં દરોડો પાડીને બે પિતરાઈ ભાઈઓની અટકાયત કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ કમિશનની લાલચે પોતાના કરન્ટ એકાઉન્ટની વિગતો સાયબર માફિયાઓને ભાડે આપી હતી. પકડાયેલા બંને આરોપીઓને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે અને પોલીસ હવે મુખ્ય સૂત્રધારોની શોધ કરી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Continuous