Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mumbai Medical Admission Racket। મુંબઈમાં મેડિકલ એડમિશન રેકેટનો પર્દાફાશ, અંધેરી પોલીસે કરોડોની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ

Mumbai Medical Admission Racket। મુંબઈમાં મેડિકલ એડમિશન રેકેટનો પર્દાફાશ, અંધેરી પોલીસે કરોડોની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ

News Continuous 1 week ago

Mumbai Medical Admission Racket। મુંબઈની અંધેરી પોલીસે મેડિકલ કોલેજોમાં એમબીબીએસ (MBBS), બીડીએસ (BDS) અને બીએએમએસ (BAMS) માં એડમિશન અપાવવાના બહાને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવતી એક સંગઠિત ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટમાં સામેલ એક ખાનગી કંપનીના ઓપરેશન્સ ડાયરેક્ટરની ધરપકડ કરી લીધી છે.

આ ટોળકીએ રત્નાગિરીના એક વાલી પાસેથી ૧૪ લાખ પડાવીને મેડિકલ કોલેજનો બોગસ એલોટમેન્ટ લેટર પધરાવી દીધો હતો.

સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને અંધેરી ઓફિસનો કર્યો હતો સંપર્ક

અંધેરી પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર, મૂળ રત્નાગિરીના રહેવાસી એક વાલીની ૨૦ વર્ષની પુત્રીએ સાયન્સ પ્રવાહમાં સારા માર્ક્સ મેળવ્યા બાદ સીઈટી (CET) સેલ દ્વારા પરીક્ષા આપી હતી અને તેનું નામ અન્ય રાજ્યની મેરિટ લિસ્ટમાં આવ્યું હતું. દરમિયાન, મેનેજમેન્ટ કોટા દ્વારા મહારાષ્ટ્રમાં જ એડમિશન મેળવવાની કોશિશમાં વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયા પર એક ખાનગી લર્નિંગ સોલ્યુશન કંપનીની જાહેરાત જોઈ હતી. તેમણે અંધેરીના સહાર રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત બિલ્ડિંગમાં કંપનીની ઓફિસનો સંપર્ક કર્યો, જ્યાં હાજર આસિસ્ટન્ટ કન્સલ્ટન્ટે તેમને એડમિશન અપાવવાની પાકી ખાતરી આપી હતી અને ગાઇડન્સ ફી પેટે ૫ લાખ નક્કી કર્યા હતા. તેમણે ઓપરેશન્સ ડાયરેક્ટરનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો, જેણે ભરોસો આપ્યો હતો કે જો એડમિશન નહીં થાય તો ૪૫ દિવસમાં પૂરા પૈસા પાછા આપી દેવામાં આવશે.

દીકરીના એડમિશન માટે સોનાના દાગીના ગીરો મૂકી આપ્યા ૯ લાખ રોકડા

થોડા દિવસો પછી ઠગોએ વાલીને ફોન કરીને જણાવ્યું કે તેમની પુત્રીનું એડમિશન જાલના જિલ્લાના બદનાપુર સ્થિત એક પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં થઈ ગયું છે, તેથી તેઓ પ્રથમ વર્ષની ફી લઈને તાત્કાલિક ઓફિસે આવી જાય. દીકરીનું ભવિષ્ય બનાવવા માટે પિતાએ પોતાના ઘરના સોનાના દાગીના ગીરો મૂકીને ૯ લાખ રોકડા ભેગા કર્યા અને અંધેરી ઓફિસે જઈને ચૂકવી દીધા હતા. આરોપીઓએ તેમને એક એલોટમેન્ટ લેટર (બાહેંધરી પત્ર) અને પેમેન્ટ રીસીપ્ટ પણ આપી દીધી હતી. જોકે, દિવસો વીતી જવા છતાં દીકરીને એડમિશન મળ્યું નહોતું અને આરોપીઓ સતત બહાનાબાજી કરવા લાગ્યા હતા. બાદમાં કોલેજ પ્રશાસનનો સંપર્ક કરીને તપાસ કરતાં તે એલોટમેન્ટ લેટર સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે માત્ર એક જ વાલીને નહીં, પરંતુ મહારાષ્ટ્રના અન્ય અનેક વાલીઓ પાસેથી તેમના બાળકોના મેડિકલ એડમિશનના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા અને કોઈને પણ એડમિશન અપાવ્યું નહોતું. છેતરાયાનો અહેસાસ થતાં પીડિત વાલીએ અંધેરી પોલીસ સ્ટેશનમાં કંપનીના ડાયરેક્ટર, ઓપરેશન્સ ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ સહિતના કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કર્યો હતો. એફઆઈઆર નોંધાતાની સાથે જ અન્ય આરોપીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, જ્યારે પોલીસે મુખ્ય આરોપી ઓપરેશન્સ ડાયરેક્ટરને ઝડપી લીધો છે. પોલીસ રેકોર્ડ અનુસાર, આ મુખ્ય આરોપી અગાઉ પવઈ પોલીસ સ્ટેશન દ્વારા પણ આવા જ એડમિશન ફ્રોડમાં પકડાઈ ચૂક્યો છે. અંધેરી, પવઈ અને ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં તેની સામે સમાન ગુના નોંધાયેલા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Continuous