Dailyhunt

ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર.

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીઓને વિના મૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની સઘન તાલીમ આપવામાં આવે છે,રાજ્ય સરકાર પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ.૧.૬૮ લાખનો અંદાજિત ખર્ચ કરે છે

Øગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત,અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ થી વધુ ખેલાડીઓએ મેળવ્યો લાભ

Øડાંગના ઓપીનાબેન ભિલાર જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલથી વર્લ્ડ કપ સુધી પહોંચ્યા , આજે ખો ખો કોચ તરીકે કાર્યરત

Øઅર્જુન અવૉર્ડથી સન્માનિત પ્રતિભાશાળી શૂટર ઇલાવેનિલ વાલરીવન માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)યોજના ટર્નિંગ પોઇન્ટ બની

શિસ્ત,ખેલદિલી અને ટીમ વર્ક- આ એવા મૂલ્યો છે,જે કોઈ પાઠ્યપુસ્તક નહીં,પરંતુ રમતનું મેદાન શીખવે છે. રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે એવું દ્રઢપણે માનતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)યોજના શરૂ કરી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની તાલીમ પૂરી પાડીને તેમની પ્રતિભાને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ ખેલાડીઓએ આ યોજનાનોનો લાભ મેળવ્યો છે.

રાજ્યના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને પૂર્ણ કરવા માટે વર્ષ ૨૦૧૩-૧૪માં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના શરૂ કરવામાં આવી હતી. ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન (પ્રતિભા શોધ)ની પ્રક્રિયા અંતર્ગત ખેલાડીઓની યંગ ટેલેન્ટ અને પ્રુવન ટેલેન્ટ (જે તે રમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ) એમ બે કેટેગરીમાં પસંદગી કરવામાં આવે છે.

પસંદગી પામેલ ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ,પુસ્તકો અને સ્ટેશનરી,નિવાસ,ભોજન,શાળાનો ગણવેશ,સ્પોર્ટ્સ કિટ,સઘન તાલીમ અને સ્ટાઇપેન્ડ જેવા લાભો આપવામાં આવે છે.DLSSયોજના અંતર્ગત ખેલાડીઓને વૈજ્ઞાનિક અભિગમથી તાલીમ આપવામાં આવે છે,જેમાં ફિટનેસ,ટેકનિક,આહાર માર્ગદર્શન,ઇન્જરી પ્રિવેન્શન જેવા પાસાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. રાજ્યમાંથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની નોંધનીય ભૂમિકા રહી છે.

છેલ્લા ૨ વર્ષ દરમિયાન રાજ્ય કક્ષાએ યોજાયેલ વિવિધ રમતોની સ્પર્ધાઓમાંDLSSશાળાના ખેલાડીઓએ કુલ ૩૪૪૪ મેડલ તથા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં કુલ ૩૩૫ મેડલ પ્રાપ્ત કર્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ૧ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત,યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ રૂ.૯૫.૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો

રાજ્યમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ થી વધુ ખેલાડીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૨૫-૨૬ મુજબ,૨૯ જિલ્લાઓમાં ૩૯ સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને ૫૩૦૦ થી વધુ ખેલાડીઓ જુદી-જુદી ૨૧ રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીઓને નિષ્ણાંત કોચ,ટ્રેનર અને યોગ ટ્રેનર દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે તેમજ ખેલાડીઓની ફિટનેસ અને રિકવરી માટે ફિઝિયોથેરાપિસ્ટ પણ ઉપલબ્ધ હોય છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ. ૧.૬૮ લાખનો અંદાજિત ખર્ચ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬માં આ યોજના હેઠળ કુલ રૂ. ૯૫.૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News4 Gujarati