Ahmedabad ના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ગેરકાયદેસર હથિયારોની હેરફેર અંગે મળેલી બાતમીના આધારે ઈસનપુરના હિસ્ટ્રીશીટર કલીમ શેખની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ અને પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એન. ઘાસુરા દ્વારા તેની પૂછપરછ ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીએ પોતાની પાસે સંતાડેલી છરી કાઢી JCP શરદ સિંઘલ પર હુમલો કરતાં તેમના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.
હુમલા બાદ થયેલી ઝપાઝપી દરમિયાન JCPએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઘટનામાં ઘાયલ બનેલા JCP અને આરોપી બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે JCPને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીના કબજામાંથી ચાર ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે. આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ અને ખંડણી સહિત 30થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

