Amroli: સુરતના અમરોલી વિસ્તારમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. કોસાડ રોડ પર આવેલી ગૃહમ આઇકોન બિલ્ડિંગમાં રાત્રિના 12:30 વાગ્યે અચાનક લિફ્ટ બંધ પડી ગઈ હતી. આ ઘટના બનતા જ લિફ્ટમાં સવાર 7 લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. લિફ્ટ બીજા અને ત્રીજા માળની વચ્ચે જ ખોટકાઈ ગઈ હતી, જેના કારણે તેમાં સવાર યુવકો અંદર ફસાઈ ગયા હતા.
3 ની કેપેસિટીમાં 7 લોકો સવાર થતાં સર્જાઈ કટોકટી
મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે 24 થી 30 વર્ષની વયજૂથના યુવકો ઓફિસનો સામાન ફેરવીને પરત ફરી રહ્યા હતા. આ લિફ્ટની ક્ષમતા માત્ર 3 માણસોની જ હતી, પરંતુ ક્ષમતા કરતાં વધુ એટલે કે 7 લોકો એકસાથે લિફ્ટમાં સવાર થઈ જતાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી.
અડધો કલાકની મથામણ બાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ
લિફ્ટ બંધ પડ્યા બાદ અંદર ફસાયેલા યુવકોએ અંદાજે અડધો કલાક સુધી બહાર નીકળવા માટે જાતે ભારે પ્રયાસો કર્યા હતા. જોકે, તમામ પ્રયાસો નિષ્ફળ જતાં આખરે સ્થાનિકો અને ફસાયેલા લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયર વિભાગની કામગીરીથી તમામનો સહીસલામત બચાવ
ફાયર વિભાગની ટીમે ભારે જહમત બાદ લિફ્ટમાં ફસાયેલા તમામ 7 યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તમામ લોકોનો સહીસલામત રેસ્ક્યુ કરાતાં ફસાયેલા યુવકો અને તેમના પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ક્ષમતા કરતાં વધુ લોકો લિફ્ટમાં ન બેસે તે અંગે ફાયર વિભાગ દ્વારા સ્થાનિકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા.

