Arjun Modhwadia : ગીરના જંગલમાં સિંહબાળોના એક બાદ એક થઈ રહેલા મોતને લઈને સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાઈ છે. વનવિભાગ અને રાજ્ય સરકાર માટે આ ઘટના ગંભીર પડકાર બની છે. ગીર ગઢડા અને અમરેલી વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 8 સિંહબાળોના મોત નોંધાયા હોવાનું વનવિભાગે જણાવ્યું છે. આ મોત પાછળ બેબેસિયા નામના સંક્રમણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આશરે 10 કિલોમીટરના વિસ્તારને આઇસોલેટ કરવામાં આવ્યો છે અને ત્યાં રહેલા સિંહોને વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા બે દિવસમાં કોઈ નવું મોત નોંધાયું નથી અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
જસાધાર સેન્ટરમાં વધુ બે સિંહબાળોના મોત
સિંહોના વધતા મૃત્યુઆંકને પગલે ગાંધીનગરથી PCCF ભવાની પતી ગીર પહોંચ્યા હતા અને વિવિધ એનિમલ કેર સેન્ટરોની મુલાકાત લીધી હતી. ખાસ કરીને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા વધુ બે સિંહબાળોના મોતની પુષ્ટિ થઈ છે.
વનવિભાગ સત્તાવાર રીતે 8 મોતનો આંકડો જાહેર કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે આ સંખ્યા વધુ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
CDV જેવા ગંભીર વાયરસની પણ આશંકા
વનવિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) જેવા ગંભીર રોગના લક્ષણો પણ જોવા મળ્યા હોવાની આશંકા છે. આ કારણે તંત્ર વધુ સતર્ક બન્યું છે. અગાઉ પણ આવા વાયરસને કારણે વન્યજીવોમાં ચેપ ફેલાવાના બનાવો સામે આવ્યા હતા.
નિષ્ણાતે કહ્યું, "ગભરાવાની જરૂર નથી"
સિંહ સંશોધક ડૉ. જલ્પન રૂપાપરાએ જણાવ્યું હતું કે મનુષ્યોની જેમ પ્રાણીઓમાં પણ કુદરતી રીતે રોગચાળો ફેલાતો હોય છે. દીપડા અને વાઘ જેવા બિલાડી કુળના પ્રાણીઓમાં પણ આવા રોગો જોવા મળે છે. તેમણે કહ્યું કે હાલમાં ગીરના સિંહો અલગ-અલગ વિસ્તારોમાં વસવાટ કરતા હોવાથી પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક નથી.
તેમણે ઉમેર્યું કે ભારતનું સિંહ સંરક્ષણ અને મેનેજમેન્ટ વિશ્વસ્તરે વખાણવામાં આવે છે અને વનવિભાગ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સતત કામગીરી કરી રહ્યું છે.

