Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gandhinagar : ગુજરાતમાં ગરમીનો કહેર, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વન્યજીવોને બચાવવા વિશેષ આયોજન

Gandhinagar : ગુજરાતમાં ગરમીનો કહેર, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વન્યજીવોને બચાવવા વિશેષ આયોજન

Nirbhay News 1 week ago

Gandhinagar : ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ અને હીટવેવના કારણે માનવજીવન સાથે અબોલ પશુ-પક્ષીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વન વિભાગ દ્વારા વન્યજીવોને હીટ સ્ટ્રોક અને અસહ્ય ગરમીથી બચાવવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા રાજ્ય મંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ગીર ફાઉન્ડેશન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

ઝૂમાં બનાવાયો 'માઇક્રો ક્લાઇમેટ'

ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં હાલમાં સિંહ, વાઘ, દીપડા, મગર, સરીસૃપો અને દુર્લભ પક્ષીઓ સહિત 600થી વધુ વન્યજીવો વસે છે. ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે આ તમામ પ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા આધુનિક અને કુદરતી બંને પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

માંસાહારી પ્રાણીઓના આવાસ તેમજ સર્પગૃહમાં કુલ 15 જમ્બો એર કૂલર્સ લગાવવામાં આવ્યા છે. બપોરના સમયે આ કૂલર્સ સતત કાર્યરત રાખવામાં આવે છે જેથી અંદરનું તાપમાન નિયંત્રિત રહે. આ ઉપરાંત ખુલ્લા વિસ્તારોમાં 20 હાઇ-પ્રેશર પોપ-અપ સ્પ્રીન્ક્લર્સ ગોઠવવામાં આવ્યા છે, જે બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન સતત પાણીનો છંટકાવ કરી કુદરતી ઠંડક ફેલાવે છે.

ખસના પડદા અને એગ્રોનેટ શેડથી રાહત

ઝૂમાં પરંપરાગત રીતોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. માંસાહારી પ્રાણીઓના આવાસ, પક્ષીગૃહ અને સર્પગૃહમાં ખસના પડદા લગાવવામાં આવ્યા છે, જેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આથી ગરમ પવન ઠંડા પવનમાં પરિવર્તિત થાય છે. સાથે જ સીધા તડકાથી બચાવવા માટે એગ્રોનેટના વિશેષ શેડ ઉભા કરવામાં આવ્યા છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર આ તમામ વ્યવસ્થાઓના કારણે પ્રાણીઓના આવાસમાં સામાન્ય તાપમાન કરતાં અંદાજે ૨થી ૪ ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો છે, જે વન્યજીવો માટે અનુકૂળ 'માઇક્રો ક્લાઇમેટ' તૈયાર કરે છે.

પ્રાણીઓના આહારમાં પણ વૈજ્ઞાનિક ફેરફાર

ઉનાળામાં પ્રાણીઓના આરોગ્ય પર ખરાબ અસર ન પડે તે માટે તેમના આહારમાં પણ ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. માંસાહારી પ્રાણીઓના દૈનિક ખોરાકમાં 500 ગ્રામથી 1 કિલોગ્રામ સુધી ઘટાડો કરવામાં આવ્યો છે જેથી વધુ ખોરાકના કારણે પાચનની સમસ્યા ન સર્જાય.

બીજી તરફ, તૃણાહારી પ્રાણીઓ અને પક્ષીઓને તડબૂચ, સક્કરટેટી અને કાકડી જેવા પાણીવાળા ફળો આપવામાં આવે છે જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. સાથે જ હીટ સ્ટ્રોકથી બચાવવા માટે વિટામિન-સી યુક્ત ઓરલ રીહાઇડ્રેશન પાઉડર અને મલ્ટી મિનરલ સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવે છે.

મુક્ત વન્યજીવો માટે પાણીની ખાસ વ્યવસ્થા

ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન માત્ર ઝૂ નથી પરંતુ એક રક્ષિત વન વિસ્તાર પણ છે. અહીં હનુમાન લંગુર, નીલગાય, મોર અને અન્ય વન્યજીવો મુક્તપણે વિહાર કરે છે. ઉનાળામાં આ પ્રાણીઓને પાણીની તકલીફ ન પડે તે માટે સમગ્ર જંગલ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ પાણીના ખાસ પોઇન્ટ્સ બનાવવામાં આવ્યા છે. આ સ્થળોએ દરરોજ સફાઈ અને પાણી ભરવાની કામગીરી કરવામાં આવે છે.

24 કલાક વેટરનરી ટીમ તૈનાત

વન્યજીવોના સ્વાસ્થ્યની સતત દેખરેખ માટે અનુભવી પશુ ચિકિત્સકોની 24 કલાક સેવા ઉપલબ્ધ રાખવામાં આવી છે. ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ તમામ પ્રાણીઓના આરોગ્ય પર સતત નજર રાખી રહી છે જેથી કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી શકે.

ગુજરાતમાં વધી રહેલી ગરમી વચ્ચે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં કરવામાં આવેલી આ વ્યવસ્થાઓ માત્ર પ્રાણીઓના રક્ષણ માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને અબોલ જીવો પ્રત્યેની માનવ સંવેદનશીલતાનો પણ ઉત્તમ દાખલો પૂરું પાડે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nirbhay News