Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, 172 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસ્યો, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, 172 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસ્યો, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Nirbhay News 4 months ago

Gujarat Rain : ગુજરાતમાં હવે ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ગઈ છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘમંડાણ અવિરત જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 12.64 ઇંચ (321 મીમી) નોંધાતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ અને જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.

કડીમાં બે કલાકમાં 8.86 ઇંચ વરસાદ

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મધરાતે માત્ર બે કલાકમાં આશરે 8.86 ઇંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 25થી વધુ સોસાયટીઓમાં ઘૂંટણથી કમર સુધી પાણી ભરાઈ ગયા હતા અને અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોએ રાત્રે જ સામાન બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

ડેમોના દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

ભારે વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના જળસ્તરમાં વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવેલા વેણુ-2 ડેમના બે દરવાજા 0.3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જ્યારે જામજોધપુરના ઉમીયાસાગર ડેમના પાંચ દરવાજા 1.5 મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સ્થળાંતર માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

વલસાડમાં પણ મેઘતાંડવ

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં વલસાડમાં 6.10 ઇંચ વરસાદ પડતાં શહેરના રસ્તાઓ, બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક માર્ગો પર વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 3થી 8 જુલાઈ દરમિયાન રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. આજે 19 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય પર એકસાથે પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. બીજી તરફ, અનેક જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nirbhay News