Gujarat Analog Paneer Ban : ગુજરાત સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ફૂડ સેફ્ટી વિભાગની તપાસ દરમિયાન અનેક સ્થળોએ અનિયમિતતા સામે આવતા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. આ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ આવો પ્રતિબંધ લાગુ કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે.
ફૂડ સેફ્ટી વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમાં તપાસ કરાવી હતી. તપાસમાં કેટલાક એવા ઉત્પાદનો મળી આવ્યા હતા, જે ડેરી પ્રોડક્ટ તરીકે વેચાઈ રહ્યા હતા, પરંતુ તે નિર્ધારિત ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતા નહોતા. આ રિપોર્ટના આધારે સરકારે રાજ્યભરમાં તાત્કાલિક પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે રાજ્યમાં કોઈપણ હોટલ, રેસ્ટોરાં, ડેરી પાર્લર, સુપરમાર્કેટ અથવા વેપારી એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે પરિવહન કરી શકશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ આદેશ જાહેર કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, એનાલોગ પનીર, ચીઝ અને બટર દેખાવમાં અસલી ડેરી ઉત્પાદનો જેવા હોય છે, પરંતુ તે દૂધમાંથી તૈયાર થતા નથી. આવા ઉત્પાદનોને અસલી ડેરી પ્રોડક્ટ તરીકે વેચાતા હોવાથી ગ્રાહકોમાં ભ્રમ ફેલાય છે અને ડેરી ઉદ્યોગ તેમજ પશુપાલકોને પણ આર્થિક નુકસાન થાય છે.
રાજ્યના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે પ્રતિબંધ બાદ રાજ્યમાં કોઈપણ હોટલ, રેસ્ટોરાં, ડેરી પાર્લર, સુપરમાર્કેટ અથવા વેપારી એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ કે પરિવહન કરી શકશે નહીં. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટલ-રેસ્ટોરાં સંચાલકો, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર ગુણવત્તાના ધોરણોને અનુરૂપ અસલી ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ અને વેચાણ કરવાની સૂચના આપી છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ લોકોને શુદ્ધ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવાનો તેમજ રાજ્યના પશુપાલકો અને ડેરી ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવાનો છે.

