Patan ના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં આજે વહેલી સવારે એક હડકાયા શ્વાને આતંક મચાવતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલાકો સુધી ચાલેલા હુમલામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિત આશરે 15 જેટલા લોકો શ્વાનના કરડવાથી ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
હુમલામાં ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે એક દર્દીની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે મહેસાણા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં શિયાળના હુમલાની આશંકા
એકસાથે અનેક લોકો પર હુમલો થતાં ગામમાં જંગલી પ્રાણી ઘૂસ્યું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. સ્થાનિકોમાં શિયાળ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક વૌવા ગામે પહોંચી હતી અને જંગલી પ્રાણીની ઓળખ તથા તેને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
વન વિભાગની તપાસમાં હડકાયો શ્વાન હોવાનું ખુલ્યું
પાટણ (Patan) DCF એન. જે. પરમારે આપેલી માહિતી મુજબ, પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર પ્રાણી વન્યપ્રાણી નહીં પરંતુ હડકાયેલો શ્વાન હોવાનું સામે આવ્યું છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરી હતી, પરંતુ શિયાળ કે અન્ય કોઈ વન્યપ્રાણીના પગમાર્ક્સ અથવા અન્ય પુરાવા મળ્યા નહોતા.
સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન ઘટનાસ્થળે શ્વાન જોવા મળ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. સવારે આશરે 8 વાગ્યાની આસપાસ હુમલો કરનાર શ્વાનનું મોત થયું હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
વન વિભાગનું રાતભર પેટ્રોલિંગ
વન વિભાગે સરપંચ અને ગ્રામજનો સાથે મળીને આખી રાત ગામમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું. વિસ્તારમાં કોઈ વન્યજીવ હોવાના પુરાવા ન મળતાં વહીવટી તંત્રએ ગ્રામજનોને ભયમુક્ત રહેવા અપીલ કરી છે.

