Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sheikh Hasina Return: મોતની ધમકી વચ્ચે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના

Sheikh Hasina Return: મોતની ધમકી વચ્ચે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના

Nirbhay News 1 week ago

Sheikh Hasina Return to Bangladesh : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) એ મોટું રાજકીય એલાન કરતાં જણાવ્યું છે કે તેઓ આગામી ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે. તેમણે કહ્યું કે પરત ફર્યા બાદ તેમની ધરપકડ થઈ શકે છે, જેલમાં મોકલી શકાય છે અથવા તેમની હત્યા પણ થઈ શકે છે, પરંતુ આ ભયને કારણે તેઓ પોતાના દેશ અને લોકો પાસેથી દૂર રહી શકે તેમ નથી.

દિલ્હીમાં આવેલા ફોરેન કરસ્પોન્ડન્ટ્સ ક્લબમાં વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન શેખ હસીનાએ કહ્યું કે તેમણે બાંગ્લાદેશ પરત ફરવાનો નિર્ણય કરી લીધો છે અને યોગ્ય સમયે પરત ફરવાની તારીખ જાહેર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ લોકશાહી અને ધર્મનિરપેક્ષ વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે.

‘મારી કિસ્મતમાં જે લખ્યું હશે તે થશે’

બાંગ્લાદેશ પરત ફર્યા બાદ ધરપકડ અથવા દેશમાં પ્રવેશ ન આપવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં શેખ હસીનાએ કહ્યું કે, “મારી કિસ્મતમાં જે લખ્યું હશે તે થશે, પરંતુ હું મારા લોકો પાસે જરૂર પાછી જઈશ. જ્યારે મારા દેશના લોકો મુશ્કેલીમાં હોય ત્યારે હું તેમની પાસેથી દૂર રહી શકું નહીં. મને ખબર છે કે મારી ધરપકડ થઈ શકે છે, જેલમાં મોકલી શકાય છે અને મારી સામે આપવામાં આવેલા ચુકાદાનો અમલ પણ થઈ શકે છે. છતાં ડર મારા લોકો પ્રત્યેની ફરજ નક્કી કરી શકતો નથી.”

સંબોધન દરમિયાન ભાવુક થઈ ગયા

78 વર્ષીય શેખ હસીના પોતાના સંબોધનની શરૂઆતમાં અનેક વખત ભાવુક થઈ ગયા હતા. તેમણે યાદ અપાવ્યું કે 1981માં પણ જ્યારે તેઓ બાંગ્લાદેશ પરત ફરવા માંગતા હતા ત્યારે તેમને રોકવાનો પ્રયાસ થયો હતો. ત્યારબાદ પણ તેમની અનેક વખત ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ દરેક વખતે પોતાના દેશમાં પરત ફર્યા હતા.

તેમણે કહ્યું કે વર્ષ 1983, 1985, 1987 અને 2007માં પણ તેમને અટકાવવાના પ્રયાસ થયા હતા, છતાં તેઓ બાંગ્લાદેશ પરત જવામાં સફળ રહ્યા હતા.

‘જેલ કે મોતનો પણ ડર નથી’

શેખ હસીનાએ કહ્યું કે તેમને ખબર છે કે બાંગ્લાદેશમાં તેમની ધરપકડ થઈ શકે છે અથવા તેમની હત્યા પણ થઈ શકે છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાના દેશ પરત ફરશે. તેમના શબ્દોમાં, વ્યક્તિગત સુરક્ષા કરતાં દેશનું ભવિષ્ય વધુ મહત્વનું છે.

1971થી 2004 સુધીના સંઘર્ષનો કર્યો ઉલ્લેખ

શેખ હસીનાએ પોતાના રાજકીય જીવનના સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું કે 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન તેઓ પોતાની માતા સાથે જેલમાં હતા અને તેમના પુત્રનો જન્મ પણ જેલમાં થયો હતો. 1975માં તેમણે પોતાનો પરિવાર ગુમાવ્યો હતો અને વર્ષો સુધી દેશની બહાર રહેવું પડ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેમના પર 19 વખત જીવલેણ હુમલાના પ્રયાસ થયા હતા અને 2004ના ગ્રેનેડ હુમલામાંથી પણ તેઓ બચી ગયા હતા. તેમ છતાં તેઓ આજે પણ બાંગ્લાદેશના વિકાસ, શાંતિ અને લોકશાહીની પુનઃસ્થાપના માટે સંઘર્ષ કરવા તૈયાર છે.

ભારતનો માન્યો આભાર

શેખ હસીનાએ ભારતને બાંગ્લાદેશનો મિત્ર દેશ ગણાવ્યો અને કહ્યું કે મુશ્કેલ સમયમાં ભારત હંમેશા બાંગ્લાદેશની સાથે રહ્યું છે. તેમના પુત્ર સજીબ વાજેદ જોયે પણ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે સત્તા ગુમાવ્યા બાદ ભારતમાં શેખ હસીના સાથે એક પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જેવી ગૌરવપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી.

મોતની સજા બાદ પરત ફરવાની જાહેરાત

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ દ્વારા શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ નિર્ણય છતાં શેખ હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nirbhay News