Surendranagar માં છેલ્લા ઘણા સમયથી ખનીજચોરો પર નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ચોટીલાના નાયબ કલેક્ટરની આગેવાની હેઠળની ટીમે ચોટીલા-થાનગઢ રોડ પર આવેલા જરિયા મહાદેવ વિસ્તાર સહિત પાજવાણી અને વાવડી ગામની આસપાસ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખનન કરીને તેનો સંગ્રહ તેમજ પ્રોસેસિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
7 સ્ટોન ક્રશર પ્લાન્ટ સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત
ચેકિંગ દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી 7 સ્ટોન ક્રશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા સહિત કુલ રૂ. 3.71 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા મુદ્દે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાંત અધિકારીએ રાત્રિ ચેકિંગથી ખનીજચોરોમાં ફફડાટ ફેલાવ્યો
બીજી તરફ, ચોટીલાના પ્રાંત અધિકારીએ પણ ખુદ ટીમ સાથે રાત્રિના સમયે મુળી, થાનગઢ અને ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ ચેકિંગ અભિયાન ચલાવ્યું. અગાઉ ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાયેલા અને બાદમાં પુરી દેવાયેલા ખાડાઓ ફરી શરૂ ન થાય તે માટે સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. અધિકારીઓએ વિવિધ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી હતી.
તંત્રની આ સંયુક્ત કાર્યવાહીના પગલે ખનીજચોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન અને ખનીજચોરી સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

