Surendranagar જિલ્લામાં શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજકીય સંગઠનોના સભ્ય બનાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ભાજપ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સભ્ય બનાવી રહ્યા છે અને તેના માટે રાજકીય દબાણનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું તેમણે દાવો કર્યો છે.
ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, શિક્ષણના સ્થળે રાજકારણને પ્રોત્સાહન આપવાને બદલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવો જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે નાના બાળકો અને વિદ્યાર્થીઓના મનમાં રાજકીય વિચારધારા ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં આ વર્ષે એક લાખથી વધુ સરકારી શાળાઓ બંધ થઈ હોવાના દાવા વચ્ચે હવે વિદ્યાર્થીઓને રાજકીય રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમગ્ર મામલે સત્તાધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે.
ઋત્વિક મકવાણાએ પોતાના આક્ષેપોના સમર્થનમાં કેટલાક ફોટા પણ જાહેર કર્યા હોવાનો દાવો કર્યો છે. સાથે જ તેમણે વાલીઓને જાગૃત રહેવાની અપીલ કરતાં કહ્યું કે બાળકોને ધાર્મિક અને રાજકીય કટ્ટરતાથી દૂર રાખવા સૌએ જવાબદારીપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ.
સામાન્ય રીતે આપણે સગીર વયના બાળકોને મત આપવાનો પણ અધિકાર આપતા નથી. તો આ સગીર વયના બાળકોને ક્યા પક્ષમાં જોડાવવું તે કેવી રીતે સમજણ પડે ? એટલે જે રીતે વિદ્યાર્થીઓને ABVPમાં જોડવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના પર હવે સવાલો ઉભા થયા છે. શાસક પક્ષ આ મામલે કેવા પગલાં લે છે તેના પર હાલ સૌની નજર છે. ઘણા પેપરો લીક થાય છે અને તે મામલે સરકાર શું પગલાં લઇ રહી છે તે પણ આ બાળકોને જણાવવું જોઈએ.

