Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારતના સેમિકન્ડક્ટર મિશનને મળી નવી ગતિ: PM મોદીએ સાણંદમાં CG Semi ની 7,600 કરોડની OSAT ફેસિલિટીનું કર્યું લોકાર્પણ

ભારતના સેમિકન્ડક્ટર મિશનને મળી નવી ગતિ: PM મોદીએ સાણંદમાં CG Semi ની 7,600 કરોડની OSAT ફેસિલિટીનું કર્યું લોકાર્પણ

OFFBEAT STORIES 2 weeks ago

ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાતા વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાને ગુજરાતના સાણંદ ખાતે CG Semi Private Limitedની 7,600 કરોડ રૂપિયાના રોકાણથી નિર્મિત આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. ફેસિલિટી શરૂ થતાં જ કંપનીએ ભારત તેમજ વૈશ્વિક બજાર માટે વ્યાવસાયિક ધોરણે સેમિકન્ડક્ટર ચિપ્સની સપ્લાય શરૂ કરી છે.

આ પ્રોજેક્ટને ભારત સરકારના India Semiconductor Mission હેઠળ ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં આવી હતી. CG Power & Industrial Solutions Limitedની સહાયક કંપની CG Semi દ્વારા સ્થાપિત આ પ્લાન્ટમાં જાપાનની Renesas Electronics અને થાઇલેન્ડની Stars Microelectronics પણ ભાગીદાર છે.

પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું, જનસભાને પણ સંબોધ્યા

લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ પ્લાન્ટની વિવિધ ઉત્પાદન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું અને સેમિકન્ડક્ટર ચિપ્સની એસેમ્બલી, ટેસ્ટિંગ તથા પેકેજિંગની કામગીરી અંગે માહિતી મેળવી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોજ 1.5 કરોડ ચિપ્સ ઉત્પાદનની ક્ષમતા

CG Semiની OSAT ફેસિલિટી સાથે સાણંદના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે. કંપનીનો બીજો પ્લાન્ટ પણ નિર્માણાધીન છે. બંને પ્લાન્ટ કાર્યરત થયા બાદ દરરોજ કુલ 1.5 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનની ક્ષમતા વિકસશે. આ ફેસિલિટીમાં QFN, QFP, FC-BGA અને FC-CSP જેવી આધુનિક ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. તેનો ઉપયોગ ઓટોમોબાઇલ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક સાધનો, 5G ડિવાઇસ અને પાવર એપ્લિકેશન સહિતના અનેક ક્ષેત્રોમાં થશે.

હજારો રોજગારીની તકો સર્જાશે

હાલમાં કંપનીમાં 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થયા બાદ આગામી પાંચ વર્ષમાં અંદાજે 5,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. આ ઉપરાંત સ્થાનિક ઉદ્યોગો, સપ્લાય ચેઇન અને સહાયક વ્યવસાયોને પણ સીધો લાભ મળશે.

PM મોદીએ દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી રાષ્ટ્રને કરી સમર્પિત : ઊર્જા સુરક્ષા પર આપ્યું મોટું નિવેદન

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની આગેવાની વધુ મજબૂત

ભારતના સેમિકન્ડક્ટર મિશનમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યમાં Tata Electronics, Micron Technology, Kaynes Semicon, CG Semi, Suchi Semicon અને Crystal Matrix સહિત કુલ છ મોટા પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ તમામ પ્રોજેક્ટમાં મળીને અંદાજે 14.7 અબજ ડોલરનું રોકાણ થઈ રહ્યું છે.

Micron અને Kaynes Semicon બાદ હવે CG Semiની ફેસિલિટી શરૂ થતાં સાણંદ ભારતના મહત્વપૂર્ણ ચિપ પેકેજિંગ ક્લસ્ટર તરીકે વધુ મજબૂત બનશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES