Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
એ 'જેંટલમેન વિલન' જેણે ચીસો પાડ્યા વગર માત્ર નજરોથી ઉભો કરેલો ખૌફ: બોલીવુડમાં 200 ફિલ્મોમાં ચાલી હતી આ કલાકારની બાદશાહત

એ 'જેંટલમેન વિલન' જેણે ચીસો પાડ્યા વગર માત્ર નજરોથી ઉભો કરેલો ખૌફ: બોલીવુડમાં 200 ફિલ્મોમાં ચાલી હતી આ કલાકારની બાદશાહત

OFFBEAT STORIES 3 days ago

કે. એન. સિંહ: બોલ્યા વિના આંખોથી ખૌફ ઊભો કરતો 'જેન્ટલમેન વિલન', વિલનની ભૂમિકામાં હિન્દી સિનેમાની 200થી વધુ ફિલ્મોમાં કર્યું એકહથ્થુ શાસન

કાયદાની કારકિર્દીથી લઈને બર્લિન ઓલિમ્પિકના સપના અને પછી હિન્દી સિનેમાના યાદગાર ખલનાયક બનવા સુધી કે. એન. સિંહનું જીવન પણ તેમની ફિલ્મી કારકિર્દી જેટલું જ રસપ્રદ હતું.

કૃષ્ણ નિરંજન સિંહ એટલે કે.

એન. સિંહનું નામ હિન્દી સિનેમાના એવા દિગ્ગજ કલાકારોમાં થાય છે, જેમણે ખલનાયકની પરંપરાગત છબીને જ બદલી નાખી હતી. પડદા પર બૂમો પાડ્યા વિના, ચહેરા પર વધારે હાવભાવ કર્યા વિના અને માત્ર ઘેરી નજર તથા ઊંડા અવાજથી તેઓ દર્શકોમાં ભય ઊભો કરતા. આ અનોખી શૈલીને કારણે તેમને 'જેન્ટલમેન વિલન' તરીકે ઓળખવામાં આવ્યા. પોતાના લગભગ પાંચ દાયકાના ફિલ્મી સફરમાં તેમણે 200થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું.

1 સપ્ટેમ્બર 1908ના રોજ દેહરાદૂનમાં જન્મેલા કે. એન. સિંહ શિક્ષિત અને સમૃદ્ધ પરિવારમાંથી આવતા હતા. તેમના પિતા ચંડી પ્રસાદ સિંહ જાણીતા ક્રિમિનલ વકીલ હતા અને કેટલીક રિયાસતો સાથે પણ તેમનો સંબંધ હતો. શરૂઆતમાં કે. એન. સિંહ પોતે પણ કાયદાનો અભ્યાસ કરીને બેરિસ્ટર બનવા માગતા હતા. જોકે, એક આરોપીને તેમના પિતાએ કાયદાકીય રીતે બચાવી લીધો હોવાની ઘટનાએ તેમના મનમાં વકીલાત પ્રત્યેનો ઉત્સાહ જ ખતમ કરી નાખ્યો.

વકીલાતથી દૂર થયા પછી અનેક કામ અજમાવ્યાં

પિતાની ઇચ્છા હતી કે પુત્ર પોતાના પગ પર ઊભો થાય. કે. એન. સિંહે પણ જીવનમાં અનેક રસ્તા અજમાવ્યા. લાહોરમાં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવાથી લઈને રજવાડાઓ માટે જંગલી પ્રાણીઓની વ્યવસ્થા કરવા અને ચા બગીચાના કામદારો માટે ખાસ પ્રકારનાં જૂતાં બનાવડાવવા સુધી તેમણે અલગ-અલગ વ્યવસાય કર્યા. જોકે, આ પ્રયાસો લાંબા ગાળે સફળ રહ્યા નહીં. અભિનય ઉપરાંત તેઓ સારા એથ્લેટ પણ હતા. 1935ના બર્લિન ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તેમની શક્યતા હતી, પરંતુ બહેનની બીમારીને કારણે તેઓ કલકત્તા ગયા અને ઓલિમ્પિકમાં ભાગ લઈ શક્યા નહીં. આ જ પ્રવાસ દરમિયાન તેમની મુલાકાત પૃથ્વીરાજ કપૂર સાથે થઈ. કપૂરે તેમને ફિલ્મકાર દેવકી બોઝ સાથે મળાવ્યા અને અહીંથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.

'સુનહરા સંસાર'થી શરૂઆત, 'બાગવાન'થી વિલન તરીકે ઓળખ

કે. એન. સિંહે 1936માં આવેલી 'સુનહરા સંસાર'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે ડૉક્ટરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 1937ની 'બાગવાન'માં ખલનાયકની ભૂમિકાએ તેમને અલગ ઓળખ અપાવી. આગળ જતાં તેઓ હિન્દી ફિલ્મોના એવા વિલન બન્યા, જેમની શૈલી સામાન્ય ખલનાયકોથી સંપૂર્ણપણે જુદી હતી. તેમની ખાસિયત હતી સંયમિત અભિનય. પરંપરાગત રીતે વિલનને ગુસ્સાવાળો, જોરથી બોલતો અથવા ડરામણા હાસ્ય સાથે રજૂ કરવામાં આવતો હતો, જ્યારે કે. એન. સિંહે શાંત, શિસ્તબદ્ધ અને સોફિસ્ટિકેટેડ અંદાજમાં નકારાત્મક પાત્રોને જીવંત કર્યા. The Guardianના તેમના અવસાન પછીના અહેવાલમાં પણ તેમની આ 'poised, cultured and soft exterior' શૈલીને તેમની વિશિષ્ટ ઓળખ તરીકે નોંધવામાં આવી હતી.

'આવારા', 'સી.આઈ.ડી.' અને 'હાવડા બ્રિજ' જેવી ફિલ્મોમાં યાદગાર હાજરી

કે. એન. સિંહની ફિલ્મોગ્રાફી લાંબી અને વૈવિધ્યસભર હતી. 'બરરસાત', 'આવારા', 'બાજી', 'જાલ', 'સી.આઈ.ડી.', 'હાવડા બ્રિજ', 'ચાલતી કા નામ ગાડી', 'તીસરી મંઝિલ', 'હાથી મેરે સાથી' અને 'ડોન' જેવી ફિલ્મોમાં તેમની હાજરી નોંધપાત્ર રહી. 1950ના દાયકાના અંત સુધીમાં તેમની વિશિષ્ટ અભિનય શૈલીને કારણે તેઓ હિન્દી સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા ખલનાયકોમાં સામેલ થયા હતા. 'બાજી'માં ગુરુ દત્ત, 'હાવડા બ્રિજ'માં શશી સામંત અને 'તીસરી મંઝિલ'માં વિજય આનંદ જેવા ફિલ્મકારો સાથેના કામે તેમની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરી.

પાંચ દાયકાની કારકિર્દીનો અંત 'દાનવીર' સાથે

કે. એન. સિંહે પાંચ દાયકાથી વધુ સમય સુધી ફિલ્મોમાં સક્રિય રહીને 200થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની અંતિમ ફિલ્મ 'દાનવીર' હતી, જે 20 સપ્ટેમ્બર 1996ના રોજ રિલીઝ થઈ હતી. વ્યક્તિગત જીવનમાં કે. એન. સિંહે પ્રવીણ પાલ સાથે લગ્ન કર્યા હતા, જેઓ પોતે પણ જાણીતા કેરેક્ટર એક્ટર હતાં. દંપતીને સંતાન નહોતું, તેથી તેમણે પોતાના નાના ભાઈના પુત્ર પુષ્કર સિંહને દત્તક લીધો હતો. જીવનના અંતિમ વર્ષોમાં તેમની દૃષ્ટિ જતી રહી હતી. 31 જાન્યુઆરી 2000ના રોજ મુંબઈમાં 90 વર્ષની વયે તેમનું અવસાન થયું.

કે. એન. સિંહની વારસાગાથા માત્ર 200થી વધુ ફિલ્મોની સંખ્યા સુધી સીમિત નથી. તેમણે ભારતીય સિનેમાને એવો વિલન આપ્યો, જે ખલનાયક હોવા છતાં પડદા પર શાંત, સંસ્કારી અને શિસ્તબદ્ધ દેખાતો હતો. તેમની ઠંડી નજર, ઘેરો અવાજ અને ઓછા હાવભાવવાળી અભિનય શૈલી આજે પણ જૂના હિન્દી સિનેમાના યાદગાર વિલનોની ચર્ચામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES