Dailyhunt
ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે મોટા સમાચાર: અમદાવાદ સહિત દેશના 8 શહેરોમાં ઘર ખરીદવાનો બદલાઈ રહ્યો છે ટ્રેન્ડ

ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે મોટા સમાચાર: અમદાવાદ સહિત દેશના 8 શહેરોમાં ઘર ખરીદવાનો બદલાઈ રહ્યો છે ટ્રેન્ડ

OFFBEAT STORIES 2 weeks ago

ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી જબરદસ્ત તેજી હવે થોડા અંશે થંભી હોય તેવું જણાય છે. નાઈટ ફ્રેન્કના રિપોર્ટ અનુસાર, વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના આઠ મુખ્ય શહેરોમાં ઘરો વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ 4%નો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 84,827 ઘરો વેચાયા હતા, જ્યારે ગયા વર્ષે આ આંકડો 88,361 હતો.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડો લાંબા સમયથી ચાલી રહેલી હાઈ-ગ્રોથ બાદ બજાર 'નોર્મલ' થવાના સંકેત છે. જોકે, આ નરમાઈ પાછળ વૈશ્વિક કારણો પણ મહત્વના છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ જેવા ભૌગોલિક-રાજકીય સંકટોએ રોકાણકારો અને સામાન્ય ખરીદદારોમાં આર્થિક અનિશ્ચિતતા ઊભી કરી છે. આ જ કારણ છે કે હવે ખરીદદારો મોટું રોકાણ કરતા પહેલા 'થોભો અને રાહ જુઓ'ની વ્યૂહરચના અપનાવી રહ્યા છે, જેના કારણે પ્રોપર્ટી માર્કેટની ગતિમાં થોડો ઘટાડો થયો છે.

આ પણ વાંચો:અમદાવાદ-સુરત જેવા શહેરોમાં લક્ઝરી ઘરનો ક્રેઝ કેમ વધ્યો? : મધ્યવર્ગ માટે 'પોતાનું ઘર' હવે છેટું કેમ?

કિફાયતી ઘરોની માંગ ઘટી

રસપ્રદ વાત એ છે કે બજારમાં હવે ઓછા બજેટવાળા ઘરોની માંગ ઘટી રહી છે અને ઝુકાવ પ્રીમિયમ તથા લક્ઝરી ઘરો તરફ વધ્યો છે. ₹50 લાખથી ઓછા કિંમતના ઘરોના વેચાણમાં 23%નો મોટો ઘટાડો આવ્યો છે. ₹1 કરોડથી વધુ કિંમતના ઘરોની માંગમાં 11%નો વધારો થયો છે. ખાસ કરીને ₹1 થી 2 કરોડના સેગમેન્ટનો કુલ વેચાણમાં 29% હિસ્સો રહ્યો છે. અલ્ટ્રા-લક્ઝરી ઘરોનો ક્રેઝ એટલો વધ્યો છે કે ₹20 થી 50 કરોડ વાળા સુપર-પ્રીમિયમ સેગમેન્ટના વેચાણમાં 80%નો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે.

શહેર મુજબ બજારની સ્થિતિ

ભારતના મુખ્ય રિયલ એસ્ટેટ માર્કેટના પ્રદર્શનમાં આ વખતે ઘણી વિવિધતા જોવા મળી છે. મુંબઈમાં વેચાણ 7% ઘટીને 23,185 યુનિટ રહ્યું. દિલ્હી-NCR અને પુણેમાં બંનેમાં 11%નો મોટો ઘટાડો નોંધાયો છે. દક્ષિણ ભારતના બેંગલુરુમાં 5%, હૈદરાબાદમાં 1% અને ચેન્નાઈમાં 9%નો વધારો જોવા મળ્યો. અમદાવાદ અને કોલકાતા જેવા શહેરોમાં પણ વેચાણમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.

આ પણ વાંચો: ભાજપના નેતાઓના અરમાનો પર પાણી : ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડનો મોટો નિર્ણય, જાણો ચૂંટણીમાં કોને-કોને નહીં અપાય ટિકિટ

નવી સપ્લાય અને કિંમતો

નવા ઘરોની સપ્લાયની વાત કરીએ તો, આ ત્રિમાસિક ગાળામાં તેમાં 2%નો સામાન્ય ઘટાડો આવ્યો છે અને કુલ 94,855 યુનિટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. બેંગલુરુ, ચેન્નાઈ અને અમદાવાદ સિવાયના બાકીના તમામ શહેરોમાં નવા લોન્ચિંગની ગતિ ધીમી રહી હતી. NCRમાં સૌથી વધુ 8%નો ઘટાડો જોવા મળ્યો હતો.

ઘરોની માંગમાં ઘટાડો થયો હોવા છતાં, પ્રોપર્ટીની કિંમતોમાં કોઈ ઘટાડો થયો નથી. કિંમતો હજુ પણ ઉચ્ચ સ્તરે છે. દિલ્હી-NCRના ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં કિંમતોમાં અનુક્રમે 13% અને 11%નો ઉછાળો આવ્યો છે. મુંબઈ ભારતનું સૌથી મોંઘું રેસિડેન્શિયલ માર્કેટ બનેલું છે, જ્યાં પ્રોપર્ટીનો સરેરાશ દર ₹36,049 પ્રતિ ચોરસ ફૂટ સુધી પહોંચી ગયો છે.

સંબંધિત આર્ટીકલ :ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો ફટાફટ કરજો...! : અમદાવાદમાં પ્રોપર્ટી-રોજગારીમાં આવશે મોટો ઉછાળો, આ એક કારણથી બદલાશે નસીબ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES