Gujarat News Live Updates 5 July 2026: આજે 5 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.
લાઈવ અપડેટ્સ
05:47 PM5 જુલાઈ 2026
કચ્છમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: નિયમોનું પાલન ન કરતી 45 ખાનગી શાળાઓ સામે કાર્યવાહી, શાળા બંધ કરવાની પ્રક્રિયા શરૂ
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. જિલ્લાની 23 માધ્યમિક અને 22 પ્રાથમિક મળીને કુલ 45 જેટલી ખાનગી શાળાઓ લઘુત્તમ વિદ્યાર્થી સંખ્યાના સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન ન કરતી હોવાનું સામે આવતા, જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ આ તમામ શાળાઓને બંધ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંજાર, ગાંધીધામ, ભુજ, મુન્દ્રા અને માંડવી સહિતના વિવિધ તાલુકાઓમાં આવેલી આ શાળાઓને વિભાગ દ્વારા સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણની ગુણવત્તા જાળવવા અને નિયમોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવાયેલા આ આકરા નિર્ણયને કારણે વાલીઓ અને સંચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે યોગ્ય માર્ગદર્શન અને નજીકની માન્ય શાળાઓમાં પ્રવેશ માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી શક્યતા છે.
05:22 PM5 જુલાઈ 2026
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: વિક્રોલીથી BKC તરફ અંડરગ્રાઉન્ડ ટનલનું ખોદકામ શરૂ, વિશાળ TBM મશીન કાર્યરત
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતા મુંબઈના વિક્રોલી શાફ્ટથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) તરફ ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા ભૂગર્ભ ટનલ ખોદકામની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામનાર 21 કિલોમીટર લાંબા ભૂગર્ભ કોરિડોરમાંથી 16 કિલોમીટરનું કામ અત્યાધુનિક મિક્સશીલ્ડ ટેકનોલોજી ધરાવતા TBM દ્વારા પૂર્ણ કરવામાં આવશે. ભારતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં સૌથી મોટા ગણાતા આ TBM મશીનનો વ્યાસ 13.6 મીટર છે, જે 3,100 ટન વજન ધરાવે છે. ગીચ શહેરી વસ્તી અને બહુમાળી ઇમારતો નીચેથી સુરક્ષિત રીતે ટનલ પસાર કરવા માટે આધુનિક મોનિટરિંગ સિસ્ટમ અને કોંક્રિટ સેગમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદ અને રેડ એલર્ટને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવા છતાં, નિર્ધારિત આયોજન મુજબ આ ઐતિહાસિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
04:59 PM5 જુલાઈ 2026
વેરાવળ: જાલેશ્વર દરિયા કિનારે બે યુવતીઓ તણાઈ, સારવાર દરમિયાન એકનું કરૂણ મોત
વેરાવળના જાલેશ્વર દરિયા કિનારે ફરવા ગયેલી બે યુવતીઓ દરિયાના પ્રવાહમાં તણાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે. દરિયાના મોજાંમાં ખેંચાઈ ગયેલી બંને યુવતીઓને આસપાસના લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તેમાંથી એક યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે બીજી યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
04:19 PM5 જુલાઈ 2026
અમદાવાદ: PM મોદીએ ગુજરાતના મંત્રીઓના લીધા 'ક્લાસ', કહ્યું- "દેખાડો કર્યા વિના, ફોટા પડાવ્યા વિના કામ કરો"
સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર રાજ્ય સરકારના મંત્રીઓ સાથે આશરે પોણો કલાક સુધી એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ મંત્રીમંડળના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં શિખામણ આપતા જણાવ્યું હતું કે, "જમીન સાથે જોડાયેલા રહો અને દેખાડો કર્યા વિના, ફોટા પડાવ્યા વિના ચુપચાપ કામ કરો."
વડાપ્રધાને મંત્રીઓને વધુમાં ટકોર કરી હતી કે, પ્રજા વચ્ચે રહીને જે પણ જવાબદારી સોંપાઈ છે તેનું પૂરી નિષ્ઠાથી વહન કરો. પીએમ મોદીના આ અચાનક લેવાયેલા ક્લાસ અને કડક સૂચનાઓને પગલે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સીએમ, ડેપ્યુટી. સીએમ., પ્રદેશ પ્રમુખ અને સરકારના મંત્રીઓ હાજર હતા.
04:17 PM5 જુલાઈ 2026
વડોદરા: સંસ્કારી નગરીમાં શરમજનક ઘટના, ₹47,000 ફી ભરતા તાલીમાર્થી સબ ફાયર ઓફિસરો પાસે કરાવાય છે ગાડીઓ સાફ
વડોદરા ફાયર વિભાગમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓના શોષણનો એક ગંભીર મામલો સામે આવતા વિવાદ સર્જાયો છે. ફાયર ફાઇટીંગ ઓપરેશન, રેસ્ક્યૂ, સર્ચ ઓપરેશન, ઇમરજન્સી મેડિકલ રિસ્પોન્સ અને આપત્તિ વ્યવસ્થાપન જેવી મહત્વની પ્રેક્ટિકલ તાલીમ મેળવવા માટે આ વિદ્યાર્થીઓએ ₹47,000 જેટલી મોટી ફી ભરી છે. આમ છતાં, ઉચ્ચ કક્ષાની તાલીમ આપવાને બદલે જવાબદાર અધિકારીઓ દ્વારા આ તાલીમાર્થી સબ ફાયર ઓફિસરો પાસે ગાડીઓ સાફ કરાવવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ફાયર વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે અને તંત્ર ભારે ટીકાપાત્ર બન્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રેક્ટિકલ તાલીમના નામે વિદ્યાર્થીઓનું શોષણ કરનારા અધિકારીઓ સામે વહીવટી તંત્ર ક્યારે અને કેવા પગલાં ભરે છે.
03:32 PM5 જુલાઈ 2026
ગુજરાત: સાપોનું ઝેર બનશે 'સંજીવની', પોતાના પ્રદેશની 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા કંપનીને સોંપાયું ઝેર
ગુજરાતમાં સર્પદંશની સારવાર માટે હવે રાજ્યના જ ઝેરી સાપોના ઝેરમાંથી 'રિજિયન સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ' (સર્પદંશ વિરોધી રસી) તૈયાર કરવામાં આવશે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર (SRI) દ્વારા સાપની ચાર મુખ્ય ઝેરી પ્રજાતિઓનું ફ્રીઝ-ડ્રાઇડ (પાવડર સ્વરૂપનું) ઝેર તેલંગાણાની એક લાઇસન્સ ધરાવતી ઉત્પાદક કંપનીને સોંપવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના 'નેશનલ એક્શન પ્લાન' (NAP-SE) હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશના મૃત્યુ દરને અડધો કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મહત્વનું યોગદાન આપશે.
03:31 PM5 જુલાઈ 2026
ઉના: સુલતાનપુર ગામે અતિ વરસાદથી ઘરમાં ફસાયેલા 4 લોકોનું SDRF અને તંત્ર દ્વારા સફળ રેસક્યૂ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સુલતાનપુર ગામે અતિ ભારે વરસાદના કારણે અડધી રાત્રે નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. આ જળબંબાકારની સ્થિતિમાં એક ઘરમાં ચાર નાગરિકો ફસાઈ જતાં વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોઈને મામલતદાર કચેરીનો સ્ટાફ અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમે સંયુક્ત રીતે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ પાણીમાં ફસાયેલી ચારેય વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસક્યૂ કરાયેલા તમામ લોકોને સુલતાનપુરની પ્રાથમિક શાળા ખાતે બનેલા આશ્રયસ્થાનમાં શિફ્ટ કરીને તેમના રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
03:30 PM5 જુલાઈ 2026
ગીર સોમનાથ: ગાંગડા ગામે રૂપેણ નદીનો પાળો તૂટતાં પૂરની સ્થિતિ, તંત્રએ 250 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કર્યું
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે ગાંગડા ગામેથી પસાર થતી રૂપેણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાત્રિના આશરે ૧:૦૦ વાગ્યે નદીનો પાળો તૂટી જતાં પૂરના ધસમસતા પાણી ગામના નવા પ્લોટ વિસ્તાર અને ઊંટવાળા રોડ વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા હતા. આ કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્રએ અદ્ભુત સમયસૂચકતા દાખવી હતી. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ અને SDRFની ટીમે સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને પૂરના પાણીમાં ફસાયેલા આશરે ૨૫૦ જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તંત્ર દ્વારા ૧૧૫ લોકોને ગાંગડા પ્રાથમિક શાળા અને બાપા સિતારામ આશ્રમ ખાતે આશ્રય આપી તેમના રહેવા, જમવા અને સૂવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકો પોતાના સગા-સંબંધીઓને ત્યાં સુરક્ષિત સ્થળે શિફ્ટ થયા છે.
03:28 PM5 જુલાઈ 2026
ઉના: સૈયદ રાજપરામાં લંગર તોડી દરિયામાં તણાયેલી બોટમાંથી 4 માછીમારોનું કોસ્ટગાર્ડ દ્વારા સફળ રેસ્ક્યૂ
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ પ્રતિકૂળ હવામાન અને નદીના ધસમસતા પ્રવાહને લીધે ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે ખાડી વિસ્તારમાં લાંગરેલી ૫ થી ૬ મોટી બોટ અને ૨ થી ૩ નાની હોડીઓ લંગર તોડીને દરિયામાં તણાઈ ગઈ હતી. આ તણાયેલી બોટો પૈકીની એક બોટમાં ૪ માછીમારો સવાર હોવાની માહિતી મળતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. માછીમારોના જીવ બચાવવા માટે કોસ્ટગાર્ડના જવાનો તાત્કાલિક સૈયદ રાજપરા ખાતે રવાના થયા હતા. કોસ્ટગાર્ડની ટીમે ભારે જહેમત બાદ નવાબંદર દરિયા કિનારેથી ચારેય માછીમારો-કમલેશ જીલુભાઇ બારૈયા, નરશી બચુભાઇ બાંભણીયા, રવજી બાબુભાઇ શિયાળ અને રામજી બાબુભાઇ શિયાળને સહી-સલામત રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા.
03:17 PM5 જુલાઈ 2026
02:27 PM5 જુલાઈ 2026
ગાંધીનગર: પાનસર ગામે CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે હોસ્ટેલનું ઉદ્ઘાટન અને શાળા ભવનનું ભૂમિપૂજન
ગાંધીનગર જિલ્લાના પાનસર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત 'શાંતિ નિવાસ હોસ્ટેલ'નું ઉદ્ઘાટન તેમજ 'વલ્લભ વિદ્યાવિહાર શાળા'ના ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવતા જણાવ્યું કે, ભૂતકાળમાં જે છેવાડાના લોકોને કોઈ પૂછતું ન હતું, તેમને મોદીએ પૂજ્યા છે અને ગરીબોની વ્યથા દૂર કરવા સતત પ્રયત્નો કર્યા છે. તેમણે શિક્ષિત સમાજના નિર્માણ પર ભાર મૂકતા VSSM સંસ્થાની કામગીરીને અભિનંદન આપ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપની અંત્યોદય વિચારધારાનો ઉલ્લેખ કરી વિચરતા સમુદાયના ઉત્થાન માટે સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
02:19 PM5 જુલાઈ 2026
અમદાવાદ મુંબઈને ટક્કર આપશે: સાયન્સ સિટીમાં 41 માળની ગગનચુંબી બિલ્ડિંગને AMCની મંજૂરી
અમદાવાદ હવે મુંબઈની જેમ ગગનચુંબી ઈમારતોનું શહેર બનવા જઈ રહ્યું છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સિટીથી હેબતપુર રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 41 માળની હાઈરાઈઝ બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ્ડિંગ 149.95 મીટરની રેકોર્ડબ્રેક ઊંચાઈ ધરાવતી હશે, જે સાયન્સ સિટીની સ્કાયલાઈનને સંપૂર્ણપણે બદલી નાખશે. ભવિષ્યમાં યોજાનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને આ વૈશ્વિક કક્ષાનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઈ રહ્યું છે. આ મેગા પ્રોજેક્ટને કારણે આગામી સમયમાં આ વિસ્તારમાં મકાનો અને પ્રોપર્ટીના ભાવોમાં પણ મોટો ઉછાળો જોવા મળશે.
02:18 PM5 જુલાઈ 2026
અમરેલી: ઘારાબંદરમાં પૂરની સ્થિતિ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પાણીમાં ઉતરીને લીધી મુલાકાત
અમરેલી જિલ્લાના જાફરાબાદના ઘારાબંદર ગામમાં ભારે વરસાદને કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગામમાં જળબંબાકાર થતાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે પોતે પૂરના પાણીમાં ઉતરીને ગામની સ્થિતિની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી અને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ માટે તેમણે સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ કરી દીધું છે. આ સાથે જ પૂરના પાણીમાં ફસાયેલા તમામ નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ધારાસભ્યએ તંત્રને કડક આદેશો આપ્યા છે.
02:16 PM5 જુલાઈ 2026
રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ૨૦૨૭ની ચૂંટણીમાં ટિકિટ આપવા કોળી સમાજની પ્રબળ માગ
ભાવનગર: રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ૫ જુલાઈના રોજ ભાવનગરમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ શિક્ષણલક્ષી સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સમાજના યુવાનો અને આગેવાનો વતી પ્રબળ માગ કરી હતી કે, દિવ્યેશ સોલંકી આગામી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી લડે અને ધારાસભ્યથી લઈને મંત્રી પદ સુધી પહોંચે. જન્મદિવસની ઉજવણી વચ્ચે કોળી સમાજ દ્વારા કરાયેલી આ રાજકીય માગે આગામી ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
12:37 PM5 જુલાઈ 2026
ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું ૮૨ વર્ષની વયે દુઃખદ નિધન
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ આદિવાસી નેતા અને ગુજરાતના પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું ૮૨ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેઓ ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકીના એક હતા અને પોતાના લાંબા રાજકીય જીવન દરમિયાન ૧૧ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને પ્રજાની સેવા કરી હતી. મોહનસિંહ રાઠવાના નિધનના સમાચારથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યભરના રાજકીય વર્તુળોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. આદિવાસી સમાજના ઉત્થાન અને વિસ્તારના વિકાસમાં તેમનું યોગદાન હંમેશાં અવિસ્મરણીય રહેશે. અનેક રાજકીય અગ્રણીઓએ તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે.
12:19 PM5 જુલાઈ 2026
મહેસાણાની દૂધસાગર ડેરીમાં આતંકી હુમલાની મોકડ્રીલ: ચેતક કમાન્ડોએ ૩ આતંકીઓને કર્યા ઠાર
મહેસાણા: મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે પોલીસ તંત્ર દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩ આતંકવાદીઓએ ડેરીમાં ઘૂસણખોરી કરી ૩ કર્મચારીઓને બંધક બનાવ્યા હોવાનો નકલી સિનારિયો ઊભો કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ ચેતક કમાન્ડો, SOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ચેતક કમાન્ડોએ 'ઝીરો કેઝ્યુઆલીટી' સાથે સફળ ઓપરેશન પાર પાડીને ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા અને બંધક બનાવાયેલા તમામ કર્મચારીઓને સહી-સલામત મુક્ત કરાવ્યા હતા. ઓપરેશન બાદ પોલીસ અધિકારીઓ દ્વારા કટોકટી સમયે રાખવાની સાવચેતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
12:09 PM5 જુલાઈ 2026
ડભોઇના પારાગામમાં ઓરસંગ નદી કિનારે મગરનો જીવલેણ હુમલો: માછીમારી કરતા વૃદ્ધનું કરુણ મોત
વડોદરા: ડભોઇ તાલુકાના પારાગામમાં ઓરસંગ નદી કિનારે માછીમારી કરી રહેલા એક વૃદ્ધ પર મગરે હુમલો કરતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મૃતક આધેડની ઓળખ બઝારીયા નાયક તરીકે થઈ છે. ચોમાસાની ઋતુને કારણે હાલ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે, જેના લીધે નદીમાં પાણીની આવક વધતા મગર જેવા જળચર જીવો કિનારા સુધી આવી ગયા છે. બઝારીયા નાયક રોજની જેમ નદી કિનારે માછીમારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાણીમાંથી બહાર આવેલા વિશાળકાય મગરે તેમના પર તીવ્ર હુમલો કર્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.
11:24 AM5 જુલાઈ 2026
રાજુલામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ: નેશનલ હાઈ-વે બંધ, ધાતરવડી-રાયડી ડેમ ઓવરફ્લો
અમરેલી: અમરેલીના રાજુલા પંથકમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે નાગેશ્રી નેશનલ હાઈ-વે અને રાજુલા-ખાંભા માર્ગ બંધ થવાની અણી પર છે, જ્યારે ડુંગર ગામની નદીના પુલ પર પાણી ફરી વળ્યા છે. ગીર-અમરેલી પંથકમાં ચોવીસ કલાકમાં ૧૫૪ તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થયા છે. બીજી તરફ, પોરબંદરમાં પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા એક યુવકનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરાયું છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે આજે ૮ જિલ્લામાં 'રેડ એલર્ટ' અને ૬ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.
11:17 AM5 જુલાઈ 2026
ગાંધીનગર-એરપોર્ટ રોડ પર નવા કેબલ સ્ટેડ બ્રિજનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-ગાંધીનગર કોરીડોરના સર્વાંગી વિકાસને વેગ આપતા ગાંધીનગર-એરપોર્ટ રોડ પર નવનિર્મિત 'કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ'નું લોકાર્પણ કર્યું છે. માર્ગ-મકાન વિભાગ અને ઔડા (AUDA) દ્વારા રૂ. ૧૭૫ કરોડના ખર્ચે બનેલા ૧.૪૮ કિમી લાંબા આ બ્રિજથી ભાટ સર્કલ પરના ટ્રાફિક જામમાંથી લોકોને મોટી રાહત મળશે. આ સાથે સીએમ દ્વારા કોબા અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા કેનાલ પરના બ્રિજને રૂ. ૪૮ કરોડના ખર્ચે ૧૨ લેનમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટનું ખાતમૂર્હત પણ કરાયું હતું. આ પ્રોજેક્ટથી વડોદરા-સુરત તરફ જતા વાહનો માટે પણ અલાયદી સુવિધા ઊભી થશે.
11:10 AM5 જુલાઈ 2026
અમદાવાદમાં વરસાદે ખોલી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ: માર્ગો ધસ્યા, અંડરપાસ બંધ
અમદાવાદ: શહેરમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ ફેઈલ સાબિત કર્યા છે. શનિવારે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી, પરંતુ સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે વિજય ચાર રસ્તા પાસે મુખ્ય રોડ ધસી ગયો છે, જ્યારે કાલી ગામ અંડરપાસ પાણી ભરાવાને કારણે બંધ કરવો પડ્યો છે. આ ઉપરાંત, ત્રાગડમાં એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી અને ભાડજમાં સોસાયટી બહારનો રસ્તો બેસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
10:04 AM5 જુલાઈ 2026
અમદાવાદમાં ભાજપ કાઉન્સિલરની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ: દારૂબંધીના દાવા પર ઉઠ્યા સવાલ
અમદાવાદ: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે અમદાવાદ શહેરમાં કાયદાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર સત્તાધારી પક્ષ ભાજપના કાઉન્સિલર સની ખાનચંદાનીની કથિત દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થતાં રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, ભાજપ કાઉન્સિલરના જન્મદિવસ નિમિત્તે એક ફાર્મ હાઉસમાં આ પાર્ટી યોજાઈ હોવાનું કહેવાય છે. અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકેલા કાઉન્સિલર સની ખાનચંદાની આ વીડિયોમાં નજરે પડતાં સત્તા પક્ષની શિસ્ત અને કાયદા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
09:52 AM5 જુલાઈ 2026
ગુજરાતના ૧૫૪ તાલુકામાં સાર્વત્રિક વરસાદ: ગીરમાં પૂરની સ્થિતિ વચ્ચે આજે ૮ જિલ્લામાં 'રેડ એલર્ટ'
રાજકોટ: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા ભારે વરસાદથી ખેડૂતો અને સરકારને મોટી રાહત મળી છે. રાજ્યના ૧૫૪ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જ્યારે ગીર અને અમરેલી પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અમરેલીનો ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો છે અને પૂરમાં ફસાયેલી એક કારમાંથી ૭ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને પગલે આજે ૮ જિલ્લામાં 'રેડ એલર્ટ' અને ૬ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. જુલાઈના પ્રારંભે થયેલા આ વરસાદથી મોટાભાગના જિલ્લાઓ કવર થઈ ગયા છે, પરંતુ કચ્છ જિલ્લામાં હજી પણ વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે, જ્યાં ૭ તાલુકા સાવ કોરાધાકોડ છે.

