Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gujarat Latest News Today: જાણો 8 જુલાઈ 2026ના ગુજરાતના તમામ તાજા અને મહત્ત્વના સમાચાર

Gujarat Latest News Today: જાણો 8 જુલાઈ 2026ના ગુજરાતના તમામ તાજા અને મહત્ત્વના સમાચાર

OFFBEAT STORIES 1 week ago

Gujarat News Live Updates 8 July 2026: આજે 8 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ

04:36 PM8 જુલાઈ 2026

CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની ગ્રાઉન્ડ ઝીરો મુલાકાતે: પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરીનું કરશે જાત નિરીક્ષણ

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે, ગુરુવાર 9 જુલાઈના રોજ સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. મુખ્યમંત્રી પોતે પૂરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો સ્થિતિનો તાગ મેળવશે અને મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈ તેમની સ્થિતિ જાણશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજશે.

04:33 PM8 જુલાઈ 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીએ: કાશીવાડીના 500 ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા, વહીવટી તંત્ર સામે જનતાનો ભારે રોષ

નવસારીમાં ગત રોજ ખાબકેલા ૧૬ ઇંચ ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ૨૭ ફૂટની ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે. નદીના પૂરના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં કાશીવાડી વિસ્તારના આશરે ૫૦૦ જેટલા ઘરો જળમગ્ન બન્યા છે અને સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કટોકટીના આ સમયે વહીવટી તંત્ર તરફથી કોઈ મદદ ન મળતાં પૂર પ્રભાવિત સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો જૂની આ પૂરની સમસ્યાનું કોઈ કાયમી સમાધાન ન આવતા પીડિત લોકોએ તંત્રની કામગીરી સામે હૈયાવરાળ ઠાલવી ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

04:23 PM8 જુલાઈ 2026

પાવાગઢમાં યાત્રાળુઓની સુરક્ષા માટે મોટો નિર્ણય: 6 સપ્ટેમ્બર સુધી રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા પર પ્રતિબંધ

ચોમાસામાં ભારે વરસાદ અને પહાડ પરથી પથ્થર પડવાની આશંકાને પગલે પંચમહાલ જિલ્લા કલેક્ટરે સુરક્ષાના ભાગરૂપે પાવાગઢમાં રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામું આગામી 6 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે, જે અંતર્ગત દરરોજ રાત્રે 10:00 થી સવારે 4:00 વાગ્યા સુધી પગપાળા માર્ગ સંપૂર્ણ બંધ રહેશે. જોકે, વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ માત્ર પગપાળા યાત્રા માટે જ છે, જ્યારે રોપ-વે સહિતની અન્ય તમામ સુવિધાઓ નિયમ મુજબ રાબેતા મુજબ ચાલુ રહેશે.

04:20 PM8 જુલાઈ 2026

અમદાવાદ: રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, 6 ગેરકાયદે હથિયારો અને 21 કારતૂસ સાથે રીઢો ગુનેગાર ઝબ્બે

રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી ગેરકાયદે હથિયારો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી કરણસિંહ પાસેથી ૪ દેશી તમંચા, ૧ પિસ્ટલ અને ૧ બારબોલ તમંચા સહિત કુલ ૬ હથિયારો તથા ૨૧ કારતૂસ મળી રૂ. ૮૮,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરથી આ હથિયારો લાવી અમદાવાદમાં વેચાણ કરતો હતો અને તેની સામે અગાઉ અમદાવાદ ગ્રામ્ય તેમજ મહેસાણા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૭થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યુંકે, પકડાયેલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી હથિયારોના આખા નેટવર્ક અને અમદાવાદમાં તે કોને-કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં વધુ પૂછપરછ કરી શકાય.

04:04 PM8 જુલાઈ 2026

વીજપોલ વળતર મામલે મોરબીના જેતપરમાં 12 જિલ્લાના ખેડૂતોની મોટી બેઠક: 'આંદોલન પાર્ટ-3' ના મંડાણ

મોરબીના જેતપર ગામની રામવાડી ખાતે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા ઊભા કરાતા વીજપોલ અને પસાર થતી લાઈનોના બદલામાં મળતા ઓછા વળતર સામે ખેડૂતોમાં વ્યાપક રોષ છે. આ બેઠકમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વીજપોલ વળતરના નવા પરિપત્ર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. અગાઉ આ જ મુદ્દે જેતપર ગામે ખેડૂતોએ ૧૯ દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા. હવે આ લડતને વધુ ઉગ્ર બનાવી રાજ્યવ્યાપી કરવા માટે બેઠકના અંતે ગુજરાત સ્તરની નવી 'આંદોલન કમિટી'ની રચના સાથે 'આંદોલન પાર્ટ-૩'ની રણનીતિ ઘડવામાં આવશે.

03:45 PM8 જુલાઈ 2026

ગુજરાત પોલીસમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની જાહેરાત: હર્ષ સંઘવીએ કહ્યું- પોલીસ ફોર્સમાં 50,000 યુવાનોની ભરતી થશે

ગાંધીનગરના NFSU ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી તરીકેનો હવાલો પણ જેમની પાસે છે તેવા DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 449 નવનિયુક્ત બિન-હથિયારી PSIને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીએ રાજ્યની સૌથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે, ગુજરાત પોલીસમાં 50,000થી વધુ યુવાનોની ભરતી કરાશે અને વર્ષ 2033 સુધીમાં આ નવા 50 હજાર પોલીસકર્મીઓ ફોર્સમાં જોડાશે. તેમણે કાયદો તોડનારાઓ સામે કડક થવા અને લાંચિયા અધિકારીઓ પર CM દ્વારા લેવાયેલા એક્શનનો હવાલો આપી નવનિયુક્ત અધિકારીઓને પૂરી ઈમાનદારી અને જવાબદારીથી ફરજ બજાવવા ટકોર પણ કરી હતી.

03:27 PM8 જુલાઈ 2026

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર: વલસાડના મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા, નવસારીની અંબિકા નદી ગાંડીતુર

વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની વ્યાપક આવક થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમની જળસપાટી 73.40 મીટરે પહોંચતાં દમણગંગા નદીમાં તબક્કાવાર 1,24,764 ક્યુસેક પાણી છોડાતા કાંઠાના વિસ્તારો એલર્ટ કરાયા છે. બીજી તરફ, નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી પણ ગાંડીતુર બની છે અને તે હાલ પોતાની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર રહેતાં પૂરનું સંકટ ઘેરૂં બન્યું છે.

03:20 PM8 જુલાઈ 2026

ગુજરાતના માછીમારો માટે CMનો મોટો નિર્ણય: ડીઝલ વેટ રાહતમાં 20 મીટરની મર્યાદા નાબૂદ, 18,000 બોટોને થશે આર્થિક લાભ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં માછીમારોના હિતમાં ડીઝલ વેટ રાહત યોજનામાં મોટો સુધારો કરાયો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, અગાઉ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી બોટોને જ આ લાભ મળતો હતો, જે મર્યાદા હવે સંપૂર્ણપણે નાબૂદ કરાઈ છે. આ નિર્ણયથી રાજ્યની ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- સુધીની વેટ રાહત મળશે. આ લાભ મેળવવા માટે બોટની 'રિયલ ક્રાફ્ટ પોર્ટલ' પર નોંધણી અને ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય રહેશે.

03:17 PM8 જુલાઈ 2026

ગુજરાતમાં વરસાદી આફત: CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત-વલસાડની મુલાકાતે, મંત્રીઓને ગ્રાઉન્ડ પર ઉતરવા આદેશ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, પૂરની સ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા મુખ્યમંત્રી આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. આ ઉપરાંત, તેમણે તમામ વરસાદગ્રસ્ત જિલ્લાના સ્થાનિક અને પ્રભારી મંત્રીઓને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ વહીવટી સજ્જતાની સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. બેઠકમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવા માટે રાજ્યમાં સુદ્રઢ 'EV ચાર્જિંગ સ્ટેશન પોલિસી' તૈયાર કરવા પણ મુખ્યમંત્રીએ મહત્વની સૂચના આપી હતી.

01:56 PM8 જુલાઈ 2026

સુરતમાં ખાડીપૂરની ગંભીર સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીધી નજર રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી

સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાંચમાંથી ત્રણ ખાડીઓ ભયજનક સપાટી વટાવી જતાં અને સીમાડા ખાડી 5.50 મીટરે ઓવરફ્લો થતાં સરથાણા જકાત નાકા, પર્વત પાટિયા, ચીકુવાડી, સાણીયા, સમ્રાટ સર્કલ અને લિંબાયત સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે હજારો લોકો પૂર વચ્ચે ફસાતા જનજીવન અને વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાયો છે; આ વિકટ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્શનમાં આવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરી પૂરની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી છે અને રાહત-બચાવ કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદની ખાતરી આપી છે.

01:15 PM8 જુલાઈ 2026

દારૂના નશામાં ધૂત AMTS ડ્રાઈવર રસ્તો ભૂલ્યો: બસ રિવરફ્રન્ટમાં ઘુસાડી ડિવાઈડર સાથે ભટકાડી

અમદાવાદ: શહેરમાં મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે હોય તેમ AMTSના એક ડ્રાઈવરની ગંભીર અને જીવલેણ બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દારૂના ચિક્કાર નશામાં ધૂત ડ્રાઈવર બસ ચલાવતી વખતે રસ્તો જ ભૂલી ગયો હતો અને બસને સીધી એલિસબ્રિજ નીચે આવેલા રિવરફ્રન્ટ રોડ તરફ ઘુસાડી દીધી હતી. ત્યાં કાબૂ ગુમાવતા બસે ડિવાઇડરને જોરદાર ટક્કર મારી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ કરતાં તે એટલો નશામાં હતો કે તેને પોતે ક્યાં છે તેનું પણ ભાન નહોતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેની મેડિકલ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે AMTS તંત્રએ પણ આ મામલે આંતરિક તપાસના આદેશ આપ્યા છે.

12:18 PM8 જુલાઈ 2026

ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી ગાંડીતુર: યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાજીમાં નવા નીરના વધામણાં

ચાંદોદ: ચોમાસાની જામતી ઋતુ વચ્ચે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ ચાંદોદ ખાતેથી કુદરતનો અદભુત નજારો સામે આવ્યો છે. છોટાઉદેપુર સહિત ઉપરવાસના વિસ્તારોમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી ગાંડીતુર બની છે. ચાલુ સીઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદી અને સંખેડાની ઉચ્છ (ઈચ્છ) નદીના પાણી વહેતા થઈને પવિત્ર નર્મદા નદીમાં ભળ્યા છે. ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પાસે નદીઓનો આ પવિત્ર ત્રિવેણી સંગમ જીવંત થતાં પ્રકૃતિનું અદભુત સ્વરૂપ જોવા મળ્યું હતું. પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિઓ માટે જાણીતા આ તીર્થધામમાં નર્મદાજીનું છલકાતું સ્વરૂપ જોઈને હજારો શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા હતા અને માતા નર્મદાના જયઘોષ સાથે નવા નીરના વધામણાં કર્યા હતા. લાંબા સમય બાદ પાણીની મોટી આવક થતાં સ્થાનિકો, ખેડૂતો અને નાવિકોમાં ખુશીની લહેર વ્યાપી છે. બીજી તરફ, નદીઓમાં પાણીની તીવ્ર આવકને જોતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ઘાટ પર આવતા ભક્તોને ઊંડા પાણીમાં ન જવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે, તેમજ નાવિકોને પણ પ્રવાહને ધ્યાનમાં રાખીને જ નૌકા વિહાર કરાવવા તાકીદ કરાઈ છે.

12:14 PM8 જુલાઈ 2026

પાદરા-કરજણ રોડ પર ઢાઢર નદીમાં મગરોનું આખું ઝુંડ દેખાતાં ફફડાટ: પુલ પર લોકોના ટોળાં ઉમટ્યા, વીડિયો વાયરલ

પાદરા: વડોદરા જિલ્લાના પાદરા-કરજણ રોડ પર આવેલા કોઠવાડા ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં એકસાથે અસંખ્ય મગરોનું ઝુંડ જોવા મળતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નદીના ધસમસતા વહેણમાં નાના-મોટા અનેક મગરો એકસાથે તરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અદ્ભુત અને જોખમી દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પુલ પરથી પસાર થતા વટેમાર્ગુઓ અને સ્થાનિક લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જોકે, નદીમાં મગરોની આટલી મોટી સંખ્યાને કારણે કાંઠા વિસ્તારના ગામો, પશુપાલકો અને ખેડૂતોમાં ચિંતા અને ભયનો માહોલ છે. આ અંગે વન વિભાગને સત્તાવાર જાણ કરવામાં આવી છે, જેને પગલે તંત્ર દ્વારા કિનારાના રહીશોને નદીના પાણીની નજીક ન જવા અને સાવચેતી રાખવા કડક અપીલ કરવામાં આવી છે.

12:13 PM8 જુલાઈ 2026

વિકાસ ભી, વિરાસત ભી: માધવપુર કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામમાં ₹૪૩.૭૨ કરોડના ખર્ચે બીજા તબક્કાના કાર્યો શરૂ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોરબંદર જિલ્લાના માધવપુર સ્થિત ઐતિહાસિક 'શ્રી કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ'નો ભવ્ય કાયાકલ્પ થઈ રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹૪૭.૯૯ કરોડના પ્રથમ તબક્કાની સફળ કામગીરી બાદ હવે ₹૪૩.૭૨ કરોડના ખર્ચે બીજા તબક્કાના વિકાસકાર્યો વેગવંતા કરાયા છે, જેને આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્‍ય છે. આ બીજા તબક્કા અંતર્ગત ₹૨૦.૨૫ કરોડના ખર્ચે પૌરાણિક માધવરાયજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભવ્ય બીચ ફ્રન્ટ, આધુનિક ફૂડ કોર્ટ, વિશાળ આઉટર પ્લાઝા, વ્યાપક પાર્કિંગ અને પહોળા એપ્રોચ રોડ બનાવવામાં આવશે. સમગ્ર પરિસરને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ, પ્લંબિંગ અને સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરી વૈશ્વિક સ્તરનું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે.

11:55 AM8 જુલાઈ 2026

અમરેલીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કલેક્ટર એક્શન મોડમાં; NDRF અને ફાયરની ટીમો હાઈ એલર્ટ પર

અમરેલી જિલ્લામાં આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે. આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે પોતે ફાયર સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ સાધનો તેમજ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી ફાયર ટીમ સાથે ડીબ્રીફિંગ બેઠક યોજી હતી. સંભવિત પૂરની સ્થિતિને ધ્યાને રાખીને ધારી અને સાવરકુંડલા ખાતે NDRFની ૨ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે અગ્નિશમન દળ (ફાયર) ની ૩ ટીમોને પણ તૈનાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં જ સરાહનીય કામગીરી કરીને ફાયર વિભાગે ૧૦૦થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. કલેક્ટરે નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા બિનજરૂરી અવરજવર ટાળવા નમ્ર અપીલ કરી છે, તેમજ વહેતા પાણી, નીચાણવાળા કોઝવે કે પુલ પરથી જીવના જોખમે વાહનો પસાર ન કરવા કડક સૂચના આપી છે.

11:53 AM8 જુલાઈ 2026

સુરત વરસાદી સંકટ: IAS શાલિની અગ્રવાલને સોંપાઈ વિશેષ જવાબદારી, રાહત-બચાવ કામગીરીનું કરશે સીધું સંકલન

સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર અને જળબંબાકારની ગંભીર પરિસ્થિતિને થાળે પાડવા માટે રાજ્ય સરકારે એક્શન મોડમાં આવીને મહત્વનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને આપત્તિ વ્યવસ્થાપનને વેગ આપવા માટે વરિષ્ઠ IAS અધિકારી શાલિની અગ્રવાલને સુરત ખાતે વિશેષ કામગીરી સોંપવામાં આવી છે. તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે સીધું સંકલન (કો-ઓર્ડિનેશન) સાધીને રાહત અને બચાવ કામગીરીનું સુપરવિઝન કરશે. ઉલ્લેખનીય છે કે, શાલિની અગ્રવાલ અગાઉ સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેઓ શહેરની ભૌગોલિક સ્થિતિથી સંપૂર્ણ માહિતગાર છે. હાલમાં તેઓ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કાર્યરત છે. તેમની આ નવતર નિમણૂકથી સુરતમાં પૂર રાહતની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે તેવી આશા સેવાઈ રહી છે.

11:52 AM8 જુલાઈ 2026

અમરેલીના લાઠીના અડતાલા ગામે ૩ વર્ષના માસૂમ પર રખડતા શ્વાનનો જીવલેણ હુમલો, માથા-પીઠના ભાગે બચકા ભર્યા

અમરેલી: અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના આતંક વચ્ચે હવે રખડતા શ્વાનનો ત્રાસ પણ ચિંતાજનક હદે વધી ગયો છે. લાઠી તાલુકાના અડતાલા ગામે રખડતા શ્વાને એક ૩ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો હોવાની હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ભીમા નામના આ માસૂમ બાળક પર હિંસક બનેલા શ્વાને અચાનક હુમલો કરીને તેના માથા અને પીઠના ભાગે ગંભીર બચકા ભરી લીધા હતા. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત બનેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બાળકના દાદા ભૂપતભાઈ રાતડીયાએ આ ઘટના અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. જિલ્લામાં વન્યજીવોના ભય વચ્ચે હવે ગામડાઓમાં રખડતા શ્વાનોનો આતંક પણ સતત વધી રહ્યો હોવાથી સ્થાનિક રહિશોમાં તંત્ર સામે ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.

10:03 AM8 જુલાઈ 2026

18 ઈંચથી વધુ વરસેલા વરસાદે સુરત શહેરની હાલત બગાડી, સિઝનનો કુલ વરસાદ ૩૦ ઈંચે પહોંચ્યો

સુરત: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ૬ જુલાઈએ બપોરથી શરૂ થયેલા મેઘતાંડવમાં પ્રથમ દિવસે ૫ ઈંચ વરસાદ નોંધાયા બાદ, ૭ જુલાઈએ સવારથી ફરી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં સાંજ સુધીમાં વધુ ૧૩ ઈંચ વરસાદ ખાબકતાં સુરતની હાલત કફોડી બની ગઈ છે. શહેરના કેટલાક ઝોનમાં તો માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં ૫ થી ૯ ઈંચ જેટલો અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો. આ ધબધબાટીને પગલે ૭ જુલાઈએ સવારે ૬ વાગ્યા સુધીમાં જ કુલ ૧૭ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો, જ્યારે દિવસભરના વધુ ૧૩ ઈંચ સાથે સુરતમાં ચાલુ સિઝનનો કુલ વરસાદ ૩૦ ઈંચના આંકડાને પાર કરી ગયો છે. સતત વરસેલા ૧૮ ઈંચથી વધુ વરસાદને કારણે સમગ્ર ડાયમંડ સિટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

10:01 AM8 જુલાઈ 2026

હવેલી સંગીત પરંપરાને રાષ્ટ્રીય સન્માન: આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીને 'ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર'

અમદાવાદ: ભારતીય શાસ્ત્રીય સંગીતની ૫૫૦ વર્ષ જૂની અને સમૃદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી સંગીત પરંપરાને રાષ્ટ્રીય સ્તરે મોટું ગૌરવ પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની સંગીત નાટક અકાદમી દ્વારા અમદાવાદના કાલુપુર (દોષીવાડાની પોળ) સ્થિત ગોસ્વામી હવેલીની ૧૬મી પેઢીના વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની 'ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫' માટે પસંદગી કરવામાં આવી છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત આ પરંપરામાં દિવસના પ્રહરો અને ઋતુઓ આધારિત રાગોમાં સેવા-કીર્તનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રીય જ્ઞાન સાથે સંગીતમાં એમ.ફિલ. કરી હાલ પીએચ.ડી. કરી રહેલા આચાર્ય રણછોડલાલજીએ આ સન્માનને વ્યક્તિગત સિદ્ધિને બદલે સમગ્ર હવેલી સંગીત પરંપરા, ભારતની ભક્તિ અને સંસ્કૃતિનું બહુમાન ગણાવ્યું છે.

10:00 AM8 જુલાઈ 2026

દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં ક્રાંતિકારી 'STATCOM' ટેકનોલોજી કાર્યરત: વોલ્ટેજ અને ટ્રીપિંગની સમસ્યાનો આવશે અંત

ગીર-સોમનાથ: દેશના ઊર્જા ક્ષેત્રે ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગીર-સોમનાથ જિલ્લાના ટીમડી ૨૨૦ કેવી (kV) સબસ્ટેશન ખાતે દેશની સૌપ્રથમ અદ્યતન 'STATCOM' પ્રણાલી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. જેટકો (GETCO) દ્વારા સ્થાપિત આ સ્માર્ટ પાવર ગ્રીડ સિસ્ટમ ગ્રીડમાં થતા વોલ્ટેજના ઉતાર-ચઢાવને મિલીસેકન્ડમાં નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ક્રાંતિકારી ટેકનોલોજીના કારણે લો-વોલ્ટેજ અને પાવર ટ્રીપિંગની વર્ષો જૂની સમસ્યા જડમૂળથી નાબૂદ થશે. પરિણામે ખેડૂતો અને ઉદ્યોગોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે, જેથી તેઓ કરોડો રૂપિયાના આર્થિક નુકસાનથી બચી શકશે. ગીર-સોમનાથમાં મળેલી આ પ્રચંડ સફળતા બાદ, ગ્રીડ પાવરને વધુ મજબૂત કરવા માટે આ વૈશ્વિક સ્તરની ટેકનોલોજી આગામી સમયમાં રાજ્યના અન્ય સાત મહત્વના સ્થળો પર પણ સ્થાપિત કરવામાં આવશે.

09:59 AM8 જુલાઈ 2026

નવસારીમાં પૂરનો પ્રકોપ યથાવત: શહેરના ૧૫ વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ, ૨ હજારથી વધુ લોકોનું સ્થળાંતર

નવસારી: નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને સ્થાનિક ત્રણ નદીઓમાં આવેલા પૂરના કારણે સ્થિતિ અત્યંત વિકટ બની છે. નદીઓની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતાં પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી. નવસારી શહેરના આશરે ૧૫ જેટલા નીચાણવાળા અને મુખ્ય વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. નવસારી પાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ્સ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે સતત રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે.

09:58 AM8 જુલાઈ 2026

તાપી જિલ્લામાં મેઘતાંડવ: ૩૮ આંતરિક રસ્તા પાણીમાં ગરકાવ, વ્યારા, ડોલવણ અને વાલોડના અનેક ગામો સંપર્કવિહોણા

વ્યારા: તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના કુલ ૩૮ જેટલા આંતરિક રસ્તાઓ અને નીચાણવાળા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ પૂર જેવી સ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. સત્તાવાર વિગતો મુજબ, વાલોડ તાલુકાના સૌથી વધુ ૧૫ ગામો, ડોલવણના ૧૨ ગામો અને વ્યારા તાલુકાના ૯ ગામો સંપર્કવિહોણા બન્યા છે. આ ઉપરાંત, સોનગઢ તાલુકાના પણ ૨ મુખ્ય આંતરિક રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યાં છે. અનેક માર્ગો બંધ થઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર દ્વારા લોકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા કડક સૂચના આપવામાં આવી છે.

09:53 AM8 જુલાઈ 2026

ગુજરાત પોલીસ દળ વધુ મજબૂત બનશે: ગાંધીનગરમાં આજે ૪૪૯ નવનિયુક્ત બિન હથિયારી PSIને અપાશે નિમણૂંક પત્રો

ગાંધીનગર: ગુજરાતની સુરક્ષા અને શાંતિ જાળવવામાં પોલીસ દળની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે, ત્યારે રાજ્યના પોલીસ બેડામાં વધુ એક મોટો ઉમેરો થવા જઈ રહ્યો છે. આજે પાટનગર ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમમાં ૪૪૯ નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરો (PSI) ને સત્તાવાર રીતે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. આધુનિક સમયના ગુનાઓ સામે લડવા માટે આપણું પોલીસ દળ અત્યારે 'SMART' ટેકનોલોજીથી સજ્જ થઈ રહ્યું છે, જે ગુજરાતને વધુ સુરક્ષિત અને સલામત રાખવા માટે હંમેશા કટિબદ્ધ છે. આ મહત્વપૂર્ણ અવસરે પારદર્શક પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલા રાજ્યના સૌ તેજસ્વી અને ઉત્સાહી યુવા ઉમેદવારોને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

09:44 AM8 જુલાઈ 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: નવસારી-ડાંગમાં 'ઓરેન્જ એલર્ટ', અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી ચેતવણી

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી અને અમરેલી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાને જોતાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. વરસાદ દરમિયાન ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

09:43 AM8 જુલાઈ 2026

મહુવામાં દીપડાનો આતંક યથાવત: બાંભણિયા ગામમાં ૧૦ વર્ષના બાળકનું વન્યજીવના હુમલામાં મોત, સ્થાનિકોમાં ભારે રોષ

ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં દીપડાએ એક ૧૦ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ કાળજું કંપાવનારી ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહુવા વિસ્તારમાં છેલ્લા બે જ મહિનામાં વન્ય પ્રાણી દ્વારા હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી છે. આ અગાઉ પણ દીપડાએ હુમલો કરીને એક પાંચ વર્ષની માસૂમ બાળકી અને અન્ય એક વ્યક્તિનો જીવ લીધો હતો. ટૂંકા ગાળામાં ત્રીજી વ્યક્તિનું મોત થતાં વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે, તેમજ દીપડાને પાંજરે પૂરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે.

09:38 AM8 જુલાઈ 2026

નર્મદાના સરદાર સરોવર ડેમ ૬૫% ભરાયો, ઉપરવાસની આવક વધતાં નવાનીર; જિલ્લામાં પોણા ચાર ઈંચ સુધી વરસાદ

રાજપીપળા: નર્મદા જિલ્લા સહિત ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે ડેમમાં હાલ ૩૩,૬૨૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના લીધે ડેમની સપાટી ૧૨૬.૭૪ મીટરે પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં સપાટીમાં ૧૫ સેમીનો વધારો નોંધાયો છે અને ડેમ હાલ ૬૫ ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. પાણીની સારી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસ (RBPH) ના ૨ પાવર હાઉસ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા જિલ્લામાં પણ સરેરાશ ૪૭ મીમી વરસાદ સાથે મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના નાંદોદ, ડેડીયાપાડા અને ચીકદા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૯૧ મીમી (પોણા ચાર ઈંચ) વરસાદ પડતાં રાજપીપળા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ડેડીયાપાડામાં ૮૭ મીમી (સાડા ત્રણ ઈંચ), ચીકદામાં ૫૯ મીમી (૨ ઈંચ), તિલકવાડામાં ૨૨ મીમી (૧ ઈંચ), સાગબારામાં ૧૪ મીમી અને ગરુડેશ્વરમાં ૦૯ મીમી વરસાદ નોંધાયો છે.

09:37 AM8 જુલાઈ 2026

અરવલ્લી જિલ્લામાં મેઘમહેર: ધનસુરામાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ, મોડાસા-બાયડ-મેઘરજમાં બે-બે ઈંચ વરસાદ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા મુજબ, જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં ૭૨ મીમી (આશરે પોણા ત્રણ ઈંચ) નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ ખાબક્યો છે, જેમાં મોડાસામાં ૫૯ મીમી, બાયડમાં ૫૭ મીમી અને મેઘરજમાં ૫૫ મીમી સાથે બે ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે માલપુરમાં ૪૬ મીમી (પોણા બે ઈંચ), શામળાજીમાં ૩૩ મીમી (સવા ઈંચ) તેમજ ભિલોડા અને સાઠંબામાં એક-એક ઈંચ (૨૮ મીમી) વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

09:36 AM8 જુલાઈ 2026

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: પ્રાંતિજમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ, પોશીના કોરુંધાકોર

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. ડિઝાસ્ટર વિભાગના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લામાં સૌથી વધુ વરસાદ પ્રાંતિજ તાલુકામાં ૭૩ મીમી (આશરે પોણા ત્રણ ઈંચ) નોંધાયો છે. જ્યારે જિલ્લા મથક હિંમતનગરમાં ૫૫ મીમી અને તલોદમાં ૫૪ મીમી સાથે બે ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકાઓની વાત કરીએ તો વિજયનગરમાં ૦૯ મીમી, ઈડરમાં ૦૯ મીમી, વડાલીમાં ૦૮ મીમી અને ખેડબ્રહ્મામાં ૦૪ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પોશીના તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પણ મીમી વરસાદ નોંધાયો નથી અને ત્યાં મેઘરાજાએ વિરામ રાખ્યો છે.

09:09 AM8 જુલાઈ 2026

18 ઈંચ વરસાદથી સુરત પાણી-પાણી: 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૯ના મોત, શાળા-કોલેજો અને કાપડ માર્કેટ બંધ

સુરત: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી સુરતમાં બે દિવસમાં ખાબકેલા ૧૮ ઈંચ વરસાદે ભારે તબાહી મચાવી છે. જુલાઈ ૧૯૪૧નો ૮૫ વર્ષ જૂનો વરસાદી રેકોર્ડ તોડીને આ વખતે સરથાણામાં ૧૯ અને વરાછામાં ૧૮.૧૬ ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરની પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થતાં ઝૂંપડપટ્ટીથી લઈને પોશ વિસ્તારો સુધી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ આકાશી આફતમાં વીજકરંટ, ઝાડ અને વીજળી પડવાથી ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગળાડૂબ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરવો પડ્યો હતો. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. સાવચેતીના ભાગરૂપે આજે તમામ શાળા-કોલેજો અને કાપડ માર્કેટો બંધ રાખવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES