Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં મેઘતાંડવના એંધાણ!: દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં રેડ એલર્ટ, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સલાહ

ગુજરાતમાં મેઘતાંડવના એંધાણ!: દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં રેડ એલર્ટ, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સલાહ

OFFBEAT STORIES 2 weeks ago

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતમાં સક્રિય ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 7 જુલાઈ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં રેડ એલર્ટ

ગુજરાત રીજનમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલી માટે અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભાવનગર જિલ્લામાં પણ અતિભારે વરસાદની સંભાવના હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ

ગુજરાત રીજનમાં નર્મદા, ભરૂચ, ખેડા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે જૂનાગઢ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

8 અને 9 જુલાઈએ પણ વરસાદી માહોલ યથાવત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જુલાઈએ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. 9 જુલાઈએ પણ રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પણ 8 જુલાઈએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વરસાદી પાણીનો ભરાવો : 5 વર્ષથી યથાવત સમસ્યાથી વિદ્યાર્થીનીઓ પરેશાન

વીજળી અને તેજ પવનની પણ આગાહી

7 અને 8 જુલાઈ દરમિયાન ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ વીજળી પડવાની પણ સંભાવના હોવાથી હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

દરિયો તોફાની રહેશે, માછીમારો માટે ખાસ ચેતવણી

સક્રિય ચોમાસાને કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના પવનો વધુ મજબૂત બનવાની શક્યતા છે. દરિયામાં 20થી 25 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની ઝાટકાની ઝડપ 30 નોટ્સ સુધી પહોંચી શકે છે. પરિણામે દરિયો રફથી વેરી રફ રહેવાની શક્યતા છે.

માછીમારો માટે આગામી પાંચ દિવસની વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે. 7થી 9 જુલાઈ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને તેની ઝાટકાની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે 10 અને 11 જુલાઈ દરમિયાન પવનની ઝડપ વધીને 45થી 55 કિલોમીટર પ્રતિ કલાક તથા ઝાટકાની ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેથી માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

અમદાવાદ માટે પણ વરસાદની આગાહી

અમદાવાદ શહેર માટે આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદના એકાદ ઝાપટાં પડી શકે છે તેમજ ગાજવીજ સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વડોદરામાં પ્રથમ વરસાદે જ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ : રસ્તા-નવી ગટર લાઈન બેસી;રહીશોએ શ્રીફળ વધેરી અનોખો વિરોધ નોંધાવ્યો

સક્રિય ચોમાસાની અનેક સિસ્ટમો અસરકારક

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાથી કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય છે. ઉપરાંત પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં વેલ-માર્ક્ડ લો પ્રેશર એરિયા હજુ પણ યથાવત છે, જેના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને આગામી 24 કલાકમાં નબળી પડવાની શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, સિઝનલ ટ્રફ અને પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સહિતની હવામાન પ્રણાલીઓ પણ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES