વડોદરા મહાનગરપાલિકા દ્વારા જમીન ફાળવવાના લાંબા સમયથી ચાલતા વિવાદમાં પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ તેમણે ડિવિઝન બેન્ચ સમક્ષ કરેલી અપીલ અંતે બિનશરતી પરત ખેંચી લેવી પડી છે અને આ મામલે દિલગીરી પણ વ્યક્ત કરી છે. ન્યાયાધીશોએ અપીલ પરત ખેંચાતા આ સમગ્ર અરજીનો આખરી નિકાલ કરી દીધો છે.
ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓએ અપીલકર્તા પાસેથી જરૂરી સૂચનાઓ મેળવી લીધી છે અને હવે તેઓ આ કાનૂની અપીલને આગળ વધારવા માંગતા નથી.
વડોદરામાં હિટ એન્ડ રનનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો : CCTV અને ટોલ ડેટાથી લાલ i20 કાર સુધી પહોંચી છાણી પોલીસ
શું છે 978 ચોરસ મીટરના પ્લોટનો વિવાદ?
આ સમગ્ર વિવાદ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટ પાસેના 978 ચોરસ મીટરના પ્લોટ સાથે જોડાયેલો છે. યુસુફ પઠાણે વર્ષ 2012માં આ જમીન મેળવવા માટે અરજી કરી હતી. વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરી માર્કેટ કિંમતે જમીન આપવાનો પ્રસ્તાવ કર્યો હતો અને જનરલ બોડીએ પણ મંજૂરી આપી હતી. ત્યારબાદ આ ફાઈલ મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ગઈ હતી. જોકે, રાજ્ય સરકારે વર્ષ 2024માં આ જમીન ફાળવવાની અરજી સત્તાવાર રીતે રદ કરી દીધી હતી. બીજી તરફ, કોઈ અધિકૃત ફાળવણી પત્ર કે લીઝ ડીડ થયા વિના જ તે જગ્યાએ બાઉન્ડ્રી વોલ અને પશુઓ માટે શેડ બનાવી કબજો જમાવી દેવાયો હતો. VMC દ્વારા દબાણ દૂર કરવા નોટિસ અપાતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
ભાવનગર નકલી દારૂકાંડ : વધુ એક આરોપી ઝડપાયો, કુલ ધરપકડનો આંકડો 38
અગાઉ સિંગલ બેન્ચે અવલોકન કર્યું હતું કે અરજદાર પાસે કાયદેસરનો ફાળવણી પત્ર ન હોવા છતાં કબજો જમાવવો એ સીધું દબાણ છે. સિંગલ જજના આ આદેશ સામે યુસુફ પઠાણે ડબલ બેન્ચમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે વર્ષ 1999ની રાજ્ય સરકારની સ્પોર્ટ્સ પૉલિસીનો હવાલો આપી દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તેઓ આ જમીન મેળવવા હકદાર છે અને અગાઉ અન્ય ક્રિકેટરને પણ આ રીતે જમીન મળી ચૂકી છે.
આ દલીલો સામે હાઇકોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવતા સવાલો ઉઠાવ્યા હતા કે, માત્ર સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ હોય અને કોઈ સત્તાવાર એલોટમેન્ટ જ ન થયું હોય તો કોઈ પણ પ્રકારની જાહેર હરાજી વગર અને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના પ્લોટ પર કબજો કેવી રીતે કરી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પારદર્શક પ્રક્રિયા વિના મનસ્વી રીતે પ્લોટ ફાળવી શકાય નહીં. હાઇકોર્ટના આ કડક રુખને ધ્યાનમાં રાખીને અંતે યુસુફ પઠાણના વકીલે અપીલ બિનશરતી પાછી ખેંચી લીધી હતી, જેને પગલે કોર્ટે કેસનો અંતિમ નિકાલ કર્યો છે.

