Dailyhunt
ક્રિકેટનું મેદાન બન્યું રણમેદાન!: રન લેવા જેવી બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણ અને પથ્થરમારા સુધી પહોંચ્યો

ક્રિકેટનું મેદાન બન્યું રણમેદાન!: રન લેવા જેવી બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણ અને પથ્થરમારા સુધી પહોંચ્યો

OFFBEAT STORIES 1 week ago

Vadodara Fight: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનાખોરીના ગ્રાફમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના કપૂરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વૃંદાવન ચાર રસ્તા પાસેના જાહેર બગીચામાં રવિવારની રજાના દિવસે ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં રણમેદાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કરતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.

આ ઘટનાને પગલે ગાર્ડનમાં ફરવા આવેલા પરિવારો અને બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી. જાહેર સ્થળ પર કાયદાના લીરેલીરા ઉડાડતા આ તત્વોએ પોલીસનો જરા પણ ડર રાખ્યો ન હોય તેમ ખુલ્લેઆમ મારામારી કરી હતી. આ હિંસક અથડામણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વડોદરા પોલીસની કાર્યપ્રણાલી સામે પણ સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશોમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રન લેવા બાબતે વિવાદ વકર્યો: ગાળાગાળી બાદ પથ્થરમારો શરૂ થયો

પ્રાપ્ત વિગતો અનુસાર, વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલા જાહેર ગાર્ડનમાં કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન રન લેવા અથવા ફિલ્ડિંગની ગોઠવણ બાબતે બે યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ સામાન્ય તકરારમાં બંને પક્ષના અન્ય મિત્રો અને ટેકેદારો પણ જોડાઈ જતાં મામલો બિચક્યો હતો. જોતજોતામાં વાત ગાળાગાળીથી વધીને મારામારી સુધી પહોંચી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ગાર્ડનમાં જ પડેલા પથ્થરો અને લાકડીઓ વડે સામસામે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, જેને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.

આ પણ વાંચો:વડોદરામાં કાયદો-વ્યવસ્થા પર સવાલ : એક જ દિવસે બે લૂંટની ઘટના, મહિલાનો અછોડો ખેંચાયો, વેપારીને ચાકુની અણીએ લૂંટ્યો

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: પોલીસે તોફાની તત્વોની ઓળખ શરૂ કરી

આ મારામારી દરમિયાન ઘટનાસ્થળે હાજર કોઈ જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બે જૂથો રસ્તા પર અને ગાર્ડનમાં પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતા જ કપૂરાઈ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને વાયરલ વીડિયોના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામી ફરિયાદો પણ નોંધાવી છે.

યોગેશભાઈના જણાવ્યાનુસાર,"મારે એ લોકોના નામ તો યાદ નથી પણ કોઈ સરદારજી જેવા છે. મારા છોકરાને માર્યો એટલે હું જોવા ગયો, ત્યાં તો એ લોકોએ મને પણ પકડી લીધો અને માર્યો. ઓછામાં ઓછું 20-25 જણાનું ટોળું હતું વાઘોડિયામાં. એ લોકોમાં પણ 10-15 જણા હતા, આખા વાડિયાના (વિસ્તારના) બધા માણસો ભેગા જ હતા. મને, મારા છોકરાને અને મારી બેનપણીને, અમને બધાને વસ્તીમાં વચ્ચે જ માર્યા છે." છોકરાને હાથમાં અને છાતી પર બેટથી મારેલું છે. આશરે 20-25 લોકો હતા, એમાં 3-4 જણા તો મારવા વાળા જ હતા, બાકીના બધા પકડી રાખવા માટે ઉભા હતા. અમે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બસ અમારી એટલી જ માંગ છે કે અમને ન્યાય મળે. એ લોકો ધમકી આપે છે કે કાલ તમે બહાર નીકળશો તો તમને જોઈ લઈશું.

વધતી જતી ગુનાખોરીથી નાગરિકોમાં ફફડાટ

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર સ્થળો, બગીચાઓ અને ચાર રસ્તાઓ પર મારામારીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને યુવા વર્ગમાં નાની વાતોમાં ઉશ્કેરાટ અને કાયદાનો ડર ન હોવાને કારણે શાંતિપ્રિય નાગરિકોની સુરક્ષા જોખમાઈ રહી છે. સ્થાનિક રહીશોની માંગ છે કે પોલીસ દ્વારા ગાર્ડન અને જાહેર સ્થળો પર પેટ્રોલિંગ વધારવામાં આવે અને આવા ગુંડાતત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES