ભાવનગર: ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂકાંડ મામલે તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. સમગ્ર કાંડમાં હવે પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીની ધરપકડ થતાં સમગ્ર કેસમાં તપાસનો વ્યાપ વધુ વિસ્તરવાની શક્યતા છે.
નકલી દારૂકાંડમાં પોલીસ કર્મચારીની સંડોવણી
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં ભેળસેળ કરીને નકલી દારૂ તૈયાર કરવામાં આવ્યો હોવાના કાંડની તપાસ દરમિયાન રાજદીપસિંહ ગોહિલની કથિત સંડોવણી સામે આવી છે. ત્યારબાદ SMCની ટીમે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી છે. જોકે, પોલીસ કર્મચારીની ચોક્કસ ભૂમિકા શું હતી અને સમગ્ર નેટવર્ક સાથે તેમનો સંપર્ક કેવી રીતે હતો તે અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
ભાવનગર નકલી દારૂકાંડ : વધુ એક આરોપી ઝડપાયો, કુલ ધરપકડનો આંકડો 38
આજે કોર્ટમાં રજૂ કરાશે
રાજદીપસિંહ ગોહિલની ધરપકડ બાદ હવે SMC દ્વારા તેમને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટ સમક્ષ પોલીસ રિમાન્ડની માગણી કરવામાં આવે તેવી શક્યતા છે. રિમાન્ડ દરમિયાન નકલી દારૂકાંડમાં તેમની ભૂમિકા, અન્ય આરોપીઓ સાથેના સંપર્કો અને સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે વધુ માહિતી મેળવવા તપાસ કરવામાં આવી શકે છે.
તપાસનો વ્યાપ વધવાની શક્યતા
પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવતા ભાવનગરના નકલી દારૂકાંડમાં તપાસ વધુ ગંભીર બની છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓ સાથે રાજદીપસિંહ ગોહિલનું કોઈ સીધું જોડાણ હતું કે નહીં તેમજ નકલી દારૂના ઉત્પાદન અને વિતરણમાં તેમની કોઈ ભૂમિકા હતી કે નહીં તે હવે તપાસનો મહત્વનો મુદ્દો બનશે. SMCની આગળની કાર્યવાહી બાદ સમગ્ર કાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

