Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'નળ સે જળ' યોજના કૌભાંડ: ₹123 કરોડના કેસમાં CIDએ વધુ 2 આરોપીની કરી ધરપકડ

'નળ સે જળ' યોજના કૌભાંડ: ₹123 કરોડના કેસમાં CIDએ વધુ 2 આરોપીની કરી ધરપકડ

OFFBEAT STORIES 2 weeks ago

હીસાગર જિલ્લામાં સામે આવેલા અંદાજે ₹123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં CID ક્રાઇમે વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ વેગ આપ્યો છે. આ નવી કાર્યવાહી બાદ સમગ્ર કેસમાં ધરપકડનો કુલ આંક હવે 48 પર પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'જલ જીવન મિશન' હેઠળ દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલી યોજનામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ સામે આવતા રાજ્યભરમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.

તાજેતરની કાર્યવાહીમાં CID ક્રાઇમે વૈભવી કન્સ્ટ્રક્શનના નામે કામ કરનાર કોન્ટ્રાક્ટર ગજેન્દ્રસિંહ રણમલસિંહ ગોહિલ તેમજ કોન્ટ્રાક્ટર ન હોવા છતાં પોતાના ખાતામાં યોજનાના નાણાં જમા કરાવનાર વસંતભાઈ છગનભાઈ પરમારની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ બંનેએ અલગ-અલગ રીતે યોજનાના નાણાંમાં ગેરરીતિ આચરી હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા છે.

16 ગામોમાં લાખો રૂપિયાની ગેરરીતિનો આરોપ

CID ક્રાઇમની તપાસ મુજબ ગજેન્દ્રસિંહ રણમલસિંહ ગોહિલે વૈભવી કન્સ્ટ્રક્શનના નામે મહીસાગર જિલ્લાના કુલ 16 ગામોમાં કામ મેળવ્યું હતું. તપાસમાં આરોપ છે કે ખાનપુરના 2, લુણાવાડાના 4, કડાણાના 9 અને સંતરામપુરના 1 ગામ સહિત કુલ 16 ગામોમાં આશરે ₹1.27 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હતી. સરકારી નાણાંનો ઉપયોગ નિયમો મુજબ ન થતાં અને કામગીરીમાં ગંભીર અનિયમિતતા જોવા મળતાં CID ક્રાઇમે તેમની ધરપકડ કરી છે. તપાસમાં હવે દરેક ગામમાં થયેલા કામ, ચૂકવાયેલી રકમ, વાસ્તવિક કામગીરી અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી દ્વારા સંબંધિત દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે.

કોન્ટ્રાક્ટર ન હોવા છતાં ખાતામાં જમા થયા ₹21 લાખ

આ કેસમાં ઝડપાયેલા બીજા આરોપી વસંતભાઈ છગનભાઈ પરમાર કોન્ટ્રાક્ટર ન હોવા છતાં તેમના ખાતામાં યોજનાના લાખો રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. CIDના જણાવ્યા મુજબ બાલાસિનોર તાલુકાના જનોડ અને વસાદરા ગામની પાણી સમિતિ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારમાં આશરે ₹21 લાખ તેમના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સરપંચ અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સાથે મળીને આ ગેરરીતિ આચરાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે નાણાંના ઉપયોગ અને સમગ્ર વ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીનાં ડ્રીમ પ્રોજેક્ટમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ

'નળ સે જળ' યોજના દેશના દરેક ઘરમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહીસાગરમાં સામે આવેલા આ કૌભાંડમાં તત્કાલીન WASMO અધિકારીઓ, કેટલાક કોન્ટ્રાક્ટરો, સરપંચો અને અન્ય લોકોની સંડોવણી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. તપાસમાં અનેક જગ્યાએ કામ પૂર્ણ થયા વગર જ ચૂકવણીઓ કરવામાં આવી હોવાની તેમજ નાણાંના દુરુપયોગના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં અનેક સરકારી કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને પાણી સમિતિ સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અત્યાર સુધી કોની કેટલી ધરપકડ?

CID ક્રાઇમના આંકડા મુજબ અત્યાર સુધી કુલ 48 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં WASMOના તત્કાલીન કર્મચારીઓ, વિવિધ કોન્ટ્રાક્ટરો, ફરિયાદમાં સીધા નામ ન હોવા છતાં ગેરરીતિમાં સામેલ કર્મચારીઓ, સરપંચો તેમજ પાણી સમિતિ સાથે જોડાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. માહિતી મુજબ અત્યાર સુધી WASMOના 6 કર્મચારીઓ, 33 કોન્ટ્રાક્ટરો, ફરિયાદ બહારના 4 કર્મચારીઓ, 4 સરપંચો અને એક પાણી સમિતિ સાથે સંકળાયેલા વ્યક્તિ સહિત કુલ 48 લોકો સામે કાર્યવાહી થઈ ચૂકી છે. તપાસ હજુ ચાલુ હોવાથી આ સંખ્યા વધવાની પણ શક્યતા નકારી શકાય નહીં.

22 જૂને નોંધાઈ હતી ફરિયાદ

આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યા બાદ 22 જૂનના રોજ હાલના WASMO યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરામાં CID ક્રાઇમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે CID ક્રાઇમે વિશેષ તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો, બેંક ખાતાઓ, ટેન્ડર પ્રક્રિયા, કામગીરીના રેકોર્ડ અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

હવે સૌથી મોટો પ્રશ્ન - લોકોને પાણી ક્યારે મળશે?

આ સમગ્ર કેસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કરોડો રૂપિયાની ગેરરીતિ બહાર આવી હોવા છતાં યોજનાનો વાસ્તવિક લાભ હજુ અનેક ગામોના લોકોને મળ્યો નથી. ઉપલબ્ધ વિગતો મુજબ કુલ 714 ગામોમાંથી આશરે 620 ગામોમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે. જેના કારણે અનેક ગામોમાં પાણીની યોજના અધૂરી રહી ગઈ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો હવે સરકાર પાસે બે મહત્વના પ્રશ્નોના જવાબ માંગે છે. પ્રથમ, કૌભાંડમાં વેડફાયેલા સરકારી

નાણાંની વસૂલાત ક્યારે થશે? અને બીજું, અટવાયેલી પાણી યોજનાઓ ફરી ક્યારે શરૂ થશે જેથી ગામડાંના લોકોને નિયમિત પીવાનું પાણી મળી શકે?

CID ક્રાઇમની તપાસ આગળ વધી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ આરોપીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જોકે, ગ્રામજનો માટે સૌથી અગત્યનો મુદ્દો હજુ પણ એક જ છે-જેનાં નામે યોજના શરૂ થઈ હતી, તે ઘરો સુધી શુદ્ધ પાણી આખરે ક્યારે પહોંચશે?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES