Nepal Flood: નેપાળમાં બુધવારે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. ખાસ કરીને તિબેટની સરહદને અડીને આવેલા રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તાજા અહેવાલો અનુસાર નેપાળમાં ઓછામાં ઓછા 95 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે હજારો લોકો અસરગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ સંપર્કવિહોણા છે.
નેપાળના વડાપ્રધાન કાર્યાલય અનુસાર, સુરક્ષા દળોના ઓછામાં ઓછા 85 કર્મચારીઓ પણ હજુ સંપર્કવિહોણા છે. તેમાં નેપાળ આર્મીના 44, નેપાળ પોલીસના 28 અને આર્મ્ડ પોલીસ ફોર્સના 13 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 484 પ્રવાસીઓનો પણ હજુ પત્તો મળ્યો નથી, જેમાં 391 વિદેશી અને 93 નેપાળી પ્રવાસીઓ હોવાનું નેપાળ ન્યૂઝે અહેવાલ આપ્યું છે.
105 ભારતીયો સહિત સેંકડો પ્રવાસીઓનો પત્તો નથી
નેપાળ ટૂરિઝમ બોર્ડની અગાઉની પ્રાથમિક યાદી મુજબ 384 પ્રવાસીઓ અને યાત્રિકો લાપતા હોવાનું સામે આવ્યું હતું. તેમાં 291 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકો હતા. આ યાદીમાં 105 ભારતીય નાગરિકો અને 37 NRIનો પણ સમાવેશ થતો હતો. જોકે, બચાવ અને શોધ કામગીરી આગળ વધતાં લાપતા પ્રવાસીઓના આંકડામાં ફેરફાર થઈ રહ્યો છે.
લાપતા ભારતીયોમાં મોટી સંખ્યામાં લોકો કૈલાસ માનસરોવર યાત્રા માટે નેપાળના માર્ગે તિબેટ તરફ જઈ રહ્યા હતા. રસુવાગઢી અને તિમુરે વિસ્તાર કૈલાસ માનસરોવર સહિતની મુસાફરી માટે મહત્વપૂર્ણ માર્ગ છે. પૂરથી આ માર્ગ પર રસ્તા, પુલ અને અન્ય માળખાને નુકસાન થતાં યાત્રિકો સાથે સંપર્ક જાળવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે.
નેપાળમાં પૂરનો નવો ભયાનક VIDEO વાયરલ! : ગણતરીની સેકન્ડોમાં ચીનનું ઈમિગ્રેશન ઓફિસ તબાહ; મોટી સંખ્યામાં લોકો હતા હાજર
19 પુલ અને 40 કિલોમીટર રસ્તાને નુકસાન
આ કુદરતી આફતમાં નેપાળના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 19 મોટરેબલ પુલને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે લગભગ 40 કિલોમીટર પાકા રસ્તાઓ પૂરથી પ્રભાવિત થયા છે. સંચાર વ્યવસ્થા ખોરવાતા બચાવ કામગીરી વધુ પડકારજનક બની છે.
ભોટેકોશી અને ત્રિશૂલી નદીના વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવાની સૂચના આપવામાં આવી છે. પૂરનાં પાણીના પ્રવાહે અનેક વાહનો, મકાનો અને અન્ય માળખાંને નુકસાન પહોંચાડ્યું છે. હાઇડ્રોપાવર ક્ષેત્રને પણ મોટો ફટકો પડ્યો છે અને ઓછામાં ઓછા એક ડઝન જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
નેપાળ સેનાના હેલિકોપ્ટરથી બચાવ કામગીરી
પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. નેપાળ સેનાના બે હેલિકોપ્ટરને રસુવા મોકલવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને સ્થાનિક તંત્ર દ્વારા લાપતા લોકોની શોધખોળ તથા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે અસરગ્રસ્ત હાઇવે અને નદીના માર્ગો પર બિનજરૂરી અવરજવર ટાળવા લોકોને અપીલ કરી છે. ખાસ કરીને ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કિનારે તેમજ મુગ્લિન તરફના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
નેપાળમાં પૂર વચ્ચે PM મોદીએ બાલેન શાહ સાથે ફોન પર કરી વાત : ભારતે દરેક સંભવ મદદની ખાતરી આપી
તિબેટમાં પણ ભારે તબાહી
નેપાળની સરહદ પાર તિબેટના ગ્યિરૉંગ વિસ્તારમાં પણ આ કુદરતી આફતની ગંભીર અસર થઈ છે. ચીનના સરકારી પ્રસારણ માધ્યમ CCTV અનુસાર ત્યાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા છે અને 265 લોકો લાપતા છે. આ આંકડા પ્રાથમિક છે અને તેની ચકાસણી હજુ ચાલી રહી છે.
રોયટર્સના અહેવાલ મુજબ નેપાળ-તિબેટ સરહદ વિસ્તારમાં ભારે ભૂસ્ખલન બાદ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. આ ઘટનામાં મકાનો, રસ્તાઓ અને વીજ માળખાને ભારે નુકસાન થયું છે. બચાવ કામગીરી દરમિયાન હજુ પણ પાણીનું સ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર સતર્ક છે.
ભારત સરકાર અને ભારતીય દૂતાવાસ સક્રિય
નેપાળમાં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં સંપર્કવિહોણા હોવાના અહેવાલ વચ્ચે ભારતીય તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી સંપર્ક નંબર જાહેર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે વાત કરીને ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી અને રાહત સહાયની ખાતરી આપી હતી. હાલ સૌથી મહત્વની પ્રાથમિકતા લાપતા ભારતીયો સહિત તમામ પ્રવાસીઓની સલામતી અંગે માહિતી મેળવવાની અને બચાવ કામગીરીમાં સહયોગ કરવાની છે.
નેપાળની ભીષણ પૂર હોનારત વચ્ચે ભારતની મદદ, 10 ટન HADR સામગ્રી અને જરૂરી દવાઓ મોકલાઈ
નેપાળમાં વિનાશક પૂરથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતે રાહત અને બચાવ પ્રયાસોને સહયોગ આપવા 10 ટન HADR (Humanitarian Assistance and Disaster Relief) સામગ્રી તથા જરૂરી દવાઓ મોકલી છે. આ સહાયનો હેતુ પૂરથી અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવામાં નેપાળને મદદ કરવાનો છે.
ભારતે આ કુદરતી આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને પૂરથી અસરગ્રસ્ત તમામ લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ મુશ્કેલ ઘડીમાં તે નેપાળ અને ત્યાંના લોકોની સાથે મજબૂતીથી ઊભું છે. રાહત સામગ્રી અને જરૂરી દવાઓની આ મદદ બંને દેશો વચ્ચેના નજીકના સંબંધો તથા માનવતાવાદી સહયોગને પણ દર્શાવે છે.
નેપાળમાં પૂરનો કહેર: કૈલાસ માનસરોવર જતા 390 યાત્રિકો સંપર્કવિહોણા : જાણો કયા દેશના કેટલા લોકો ગુમ?
પરિવારોની ચિંતા વધી, હવે દરેક કલાક મહત્વનો
નેપાળની આ આપત્તિમાં લાપતા લોકોની સંખ્યા સતત બદલાઈ રહી છે. અલગ-અલગ તંત્રો અને સંસ્થાઓ પાસેથી મળતા આંકડાઓમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ જવી અને લાપતા લોકોની ઓળખ તથા સ્થિતિની ચકાસણીની પ્રક્રિયા ચાલુ હોવું છે.
આથી હાલના આંકડાઓને પ્રાથમિક ગણવા જરૂરી છે. ખાસ કરીને 105 ભારતીયો અંગે પણ સંબંધિત ભારતીય અને નેપાળી સત્તાવાળાઓ દ્વારા વ્યક્તિગત સ્તરે ચકાસણી કરવામાં આવશે ત્યારે જ કેટલા લોકો ખરેખર લાપતા છે અને કેટલા સુરક્ષિત સ્થળે છે તેની વધુ ચોક્કસ માહિતી મળી શકશે. હાલ બચાવ ટીમો માટે દરેક પસાર થતી કલાક મહત્વપૂર્ણ બની છે.

