Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ફિફા વર્લ્ડ કપમાં ચમકનાર 'કેપ વર્ડે' ક્યાં આવેલો છે?: જાણો આ નાનકડા દેશનો રસપ્રદ ઇતિહાસ અને ભારત સાથેનો ખાસ સંબંધ

ફિફા વર્લ્ડ કપમાં ચમકનાર 'કેપ વર્ડે' ક્યાં આવેલો છે?: જાણો આ નાનકડા દેશનો રસપ્રદ ઇતિહાસ અને ભારત સાથેનો ખાસ સંબંધ

OFFBEAT STORIES 1 week ago

Cape Verde vs Argentina FIFA World Cup 2026: ફિફા વર્લ્ડ કપ 2026 દરમિયાન એટલાન્ટિક મહાસાગરમાં આવેલા નાનકડા દ્વીપ રાષ્ટ્ર કેપ વર્ડે (Cape Verde)એ સમગ્ર ફૂટબોલ જગતનું ધ્યાન ખેંચ્યું છે. માયામીમાં રમાયેલી રોમાંચક મેચમાં વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ભલે 3-2થી જીત મેળવી હોય, પરંતુ કેપ વર્ડેએ આપેલી ટક્કર અને સ્ટાર ખેલાડી સિડની લોપેસ કેબ્રાલ ના શાનદાર ગોલે વિશ્વભરના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ત્યારથી ઘણા લોકો જાણવા માંગે છે કે આખરે કેપ વર્ડે ક્યાં આવેલો છે અને આ દેશ વિશે શું ખાસ છે.

ક્યાં આવેલો છે કેપ વર્ડે?

કેપ વર્ડે પશ્ચિમ આફ્રિકાના કિનારાથી આશરે 570 કિલોમીટર દૂર એટલાન્ટિક મહાસાગરમાં આવેલો 10 મુખ્ય ટાપુઓનો દ્વીપસમૂહ છે. ભારતની રાજધાની દિલ્હીથી તેનું અંતર આશરે 10 હજાર કિલોમીટર છે.

દેશનો કુલ વિસ્તાર લગભગ 4,033 ચોરસ કિલોમીટર છે, જે ગોવા કરતાં થોડોક મોટો છે. અહીંની વસ્તી આશરે 5.5 લાખ છે. રસપ્રદ વાત એ છે કે દેશની અંદર રહેતા લોકો કરતાં વધુ કેપ વર્ડિયન મૂળના લોકો અમેરિકા, પોર્ટુગલ અને અન્ય દેશોમાં વસે છે.

જ્વાળામુખીથી ઘેરાયેલું સુંદર દ્વીપ રાષ્ટ્ર

કેપ વર્ડેમાં અનેક જ્વાળામુખી ટાપુઓ આવેલા છે, જેમાં ફોગો (Fogo) સૌથી પ્રખ્યાત છે. દેશનું સૌથી મોટું ટાપુ સેન્ટિયાગો (Santiago) છે, જ્યારે રાજધાની પ્રાયા (Praia) છે. કુદરતી સૌંદર્ય, દરિયાકિનારા અને જ્વાળામુખી પર્વતોને કારણે કેપ વર્ડે વિશ્વના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે.

પોર્ટુગીઝ શાસનથી આઝાદી સુધીનો સંઘર્ષ

ઈ.સ. 1460માં પોર્ટુગીઝ ખલાસીઓએ આ ટાપુઓ શોધ્યા બાદ અહીં વસાહત સ્થાપી હતી. બાદમાં કેપ વર્ડે ગુલામોના વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. 20મી સદીમાં એમીલકાર કેબ્રાલના નેતૃત્વમાં સ્વતંત્રતા આંદોલન શરૂ થયું અને લાંબા સંઘર્ષ બાદ 5 જુલાઈ 1975ના રોજ કેપ વર્ડેને પોર્ટુગલથી આઝાદી મળી.

ક્રિઓલ સંસ્કૃતિ અને સંગીત માટે વિશ્વપ્રસિદ્ધ

દેશની સત્તાવાર ભાષા પોર્ટુગીઝ છે, પરંતુ મોટાભાગના લોકો કેપ વર્ડિયન ક્રિઓલ ભાષાનો ઉપયોગ કરે છે. અહીંની સંસ્કૃતિ આફ્રિકન અને પોર્ટુગીઝ પરંપરાઓનું અનોખું મિશ્રણ છે.

કેપ વર્ડેનું 'મોરના' (Morna) સંગીત વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વવિખ્યાત ગાયિકા સેઝારિયા ઇવોરાએ આ સંગીતને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી હતી.

પર્યટન અને માછીમારી છે અર્થતંત્રનો આધાર

કેપ વર્ડેની અર્થવ્યવસ્થામાં પર્યટનનો સૌથી મોટો ફાળો છે. દેશની કુલ GDPમાં લગભગ 25 ટકા હિસ્સો પ્રવાસન ઉદ્યોગનો છે. સુંદર દરિયાકિનારા, વ્હેલ વોચિંગ અને દરિયાઈ કાચબાના સંરક્ષણને કારણે દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે.

માછીમારી પણ દેશનો મુખ્ય વ્યવસાય છે અને GDPમાં લગભગ 10 ટકા ફાળો આપે છે. ઉપરાંત વિદેશમાં વસતા કેપ વર્ડિયન નાગરિકો દ્વારા મોકલાતી રકમ પણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.

ભારત અને કેપ વર્ડે વચ્ચે શું સમાનતા છે?

કેપ વર્ડેનું શાસનતંત્ર ભારતની જેમ સંસદીય લોકશાહી પર આધારિત છે. અહીં રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે, જ્યારે વહીવટી સત્તા વડાપ્રધાન પાસે હોય છે.

ભારતે 1977માં કેપ વર્ડેને માન્યતા આપી હતી. બંને દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ રાજદ્વારી સંબંધો છે. કેપ વર્ડેમાં ભારતનો પૂર્ણ દૂતાવાસ નથી, પરંતુ સેનેગલ સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાંનું કામકાજ સંભાળે છે. વર્ષ 2023માં પ્રાયા શહેરમાં ભારતે વિશેષ મિશન ઓફિસ પણ શરૂ કરી હતી.

વેપારની વાત કરીએ તો બંને દેશો વચ્ચે દર વર્ષે અંદાજે 1 કરોડ ડોલરનો વેપાર થાય છે. ભારત ત્યાં દવાઓ, વાહનો, ઓટો પાર્ટ્સ, ટાઇલ્સ, ચોખા અને સ્ટીલના ઉત્પાદનોની નિકાસ કરે છે, જ્યારે કેપ વર્ડેથી મુખ્યત્વે મેટલ સ્ક્રેપની આયાત થાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES