Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લાંચની માંગણી કરતો વીડિયો વાયરલ થયા બાદ ચોતરફથી ઘેરાયેલા પ્રમુખે આખરે હોદ્દો છોડવાની ફરજ પડી છે. તેમણે પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારી (TDO)ને સુપ્રત કર્યું છે.
શું હતો સમગ્ર વિવાદ?
આશરે દસ દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થયો હતો. આ વીડિયોમાં ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતે એક કોન્ટ્રાક્ટર પાસે તળાવના ખોદકામની મંજૂરી અથવા કામના બદલામાં પૈસાની (લાંચની) માંગણી કરી હોવાનો આક્ષેપ હતો. વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો અને વહીવટી તંત્ર તેમજ શાસક પક્ષની આબરૂ દાવ પર લાગી હતી.
રાજીનામું આપવાનું કારણ
પ્રભુજી રાજપૂતે પોતાના રાજીનામા પાછળ વાયરલ વીડિયોને જ મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે સ્વીકાર્યું કે "વીડિયો વાયરલ થવાના કારણે પક્ષ અને તેમની વ્યક્તિગત બદનામી થઈ રહી છે, જેના કારણે તેઓ સ્વેચ્છાએ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે."
માત્ર એક મહિનામાં જ સત્તા ગુમાવી
અહીં નોંધનીય બાબત એ છે કે, ભાજપ શાસિત આ ધાનેરા તાલુકા પંચાયતમાં પ્રભુજી રાજપૂતે માંડ એક મહિના અગાઉ જ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સત્તાના સૂત્રો હાથમાં લીધાને હજુ એક મહિનો માંડ થયો ત્યાં જ ભ્રષ્ટાચારના આક્ષેપો અને વાયરલ વીડિયોના કારણે તેમને હોદ્દા પરથી હાથ ધોવાનો વારો આવ્યો છે.
હાલમાં આ રાજીનામા બાદ ધાનેરાના રાજકીય આલમમાં અને ખાસ કરીને ભાજપ સંગઠનમાં ભારે ચર્ચાઓ જાગી છે, અને આગામી સમયમાં નવા પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

