Dailyhunt
રાજકોટ જિલ્લા ભાજપમાં સેન્સ લેવાનો બીજો દિવસ: લોધિકા બેઠક માટે આ હાસ્ય કલાકારના પુત્રએ નોંધાવી દાવેદારી

રાજકોટ જિલ્લા ભાજપમાં સેન્સ લેવાનો બીજો દિવસ: લોધિકા બેઠક માટે આ હાસ્ય કલાકારના પુત્રએ નોંધાવી દાવેદારી

OFFBEAT STORIES 1 week ago

Rajkot BJP Sense Process:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ ભારે રસાકસીભર્યો રહ્યો હતો. આજના દિવસે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લોકપ્રિય હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા રહ્યા હતા. દિલીપ સરવૈયાએ આજે લોધિકા તાલુકા પંચાયતની બેઠક માટે નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે.

પિતાની જેમ જ લોકચાહના ધરાવતા પરિવારમાંથી આવતા દિલીપ સરવૈયાની રાજકારણમાં એન્ટ્રીને લઈને જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકોની ટીમ દરેક તાલુકા દીઠ સંભવિત ઉમેદવારોને સાંભળી રહી છે. આજે બીજા દિવસે પણ ભાજપના કાર્યકરો અને દાવેદારોની મોટી ભીડ કાર્યાલય ખાતે જોવા મળી હતી. દિલીપ સરવૈયાએ જણાવ્યું હતું કે, તેઓ પક્ષની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા છે અને જો પક્ષ તેમને તક આપશે તો તેઓ લોધિકા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે કટિબદ્ધ છે.

ધીરુભાઈ સરવૈયાના પુત્રની દાવેદારી: લોધિકાનું રાજકારણ ગરમાયું

ગુજરાતના ઘરે-ઘરે જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ જ્યારે લોધિકા બેઠક પરથી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી, ત્યારે ભાજપના જ અન્ય દાવેદારોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. લોધિકા તાલુકા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડવા માટે તેઓ ઉત્સુક છે. દિલીપ સરવૈયા સામાજિક રીતે સક્રિય હોવાની સાથે પક્ષના પાયાના કામોમાં પણ રસ ધરાવે છે. હવે જોવાનું એ રહેશે કે, પક્ષ હાસ્યના શહેનશાહના પુત્ર પર ચૂંટણીના મેદાનમાં પસંદગી ઉતારે છે કે નહીં.

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મોટા સમાચાર : ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, ઉમેદવારોની પસંદગી માટે તૈયાર કરી બ્લુપ્રિન્ટ, જાણો કોને આપશે ટિકીટ

સેન્સનો બીજો દિવસ: દિગ્ગજો અને યુવા ચહેરાઓની લાંબી કતાર

રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા તાલુકા વાઈઝ સેન્સ લેવામાં આવી રહી છે. ગત રોજ પ્રથમ દિવસે અનેક દાવેદારોને સાંભળ્યા બાદ આજે બીજા દિવસે પણ લોધિકા સહિતના અન્ય તાલુકાઓ માટે દાવેદારોનો ધસારો રહ્યો હતો. નિરીક્ષકો દરેક દાવેદારની શૈક્ષણિક લાયકાત, પક્ષમાં તેમની કામગીરી અને જ્ઞાતિના સમીકરણોની વિગતો ચકાસી રહ્યા છે. પક્ષના ગઢ ગણાતા રાજકોટ જિલ્લામાં ટિકિટ મેળવવા માટે જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો : બેંગકોકથી લવાયેલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, 2ની ધરપકડ

હવે પાર્લામેન્ટ્રી બોર્ડ લેશે આખરી નિર્ણય

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોની યાદી અને તેમનો અભિપ્રાય પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા દરેક બેઠક માટે ઉમેદવારના નામની આખરી મહોર મારવામાં આવશે. લોધિકા બેઠક પર દિલીપ સરવૈયાની દાવેદારી બાદ હવે આ બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે. આગામી દિવસોમાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર થશે, ત્યારે ખબર પડશે કે કલા જગતમાંથી આવેલા આ યુવા ચહેરાને પક્ષ કેટલી મહત્વની જવાબદારી સોંપે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES