Somnath Mahadev : શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવના દ્વાર સવારે 4 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. તે પહેલાં જ હજારો શિવભક્તો દર્શન માટે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. સવારે 3 વાગ્યાથી ભક્તોને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
વહેલી સવારથી જ શિવભક્તોની ભીડ જોવા મળી હતી અને 'હર હર મહાદેવ'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
શિવધૂનથી ગુંજ્યું સોમનાથ મંદિર પરિસર
શ્રાવણના પવિત્ર સોમવારે હજારો ભક્તોએ એકસાથે શિવધૂન કરી સોમનાથ મંદિર પરિસરને શિવમય બનાવી દીધું હતું. મહાદેવના દર્શન માટે દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભક્તોએ મહાદેવના દિગંબર સ્વરૂપના પ્રાકૃતિક દર્શન કરીને આધ્યાત્મિક શાંતિ અને અનંત ઊર્જાનો અનુભવ કર્યો હોવાનું વાતાવરણ પરથી અનુભવાતું હતું. વહેલી સવારથી જ ભક્તો શિવભક્તિમાં લીન જોવા મળ્યા હતા.
વડનગરમાં શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા : 108 ડમરુના નાદથી શિવમય બન્યું શહેર
ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા
શ્રાવણ સોમવારના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. નિઃશુલ્ક સામાનઘર અને જૂતાઘર સવારે 3 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યા હતા, જેથી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને સરળતા રહે.
મંદિર પરિસરમાં દર્શન વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવા ઝિગઝેગ ક્યુ મેનેજમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રાળુઓને અલગ-અલગ ઝોનમાં વર્ગીકૃત કરીને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે દર્શન કરાવવામાં આવ્યા હતા.
જૂનાગઢ; પીપલાણા સ્વામિનારાયણ મંદિરનો વીડિયો વાયરલ : ગેસ સિલિન્ડર વધુ ભાવે વેચવાના આક્ષેપ
હજારો શિવભક્તોએ કર્યા દિવ્ય દર્શન
શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ તીર્થ સંપૂર્ણપણે શિવમય બન્યું હતું. વહેલી સવારથી સતત ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો. હજારો શિવભક્તોએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તિમય વાતાવરણ, શિવધૂન અને 'હર હર મહાદેવ'ના જયઘોષ વચ્ચે સોમનાથમાં શ્રાવણના ત્રીજા સોમવારની ઉજવણી વિશેષ આધ્યાત્મિક માહોલમાં થઈ હતી.

